Advertisement
Author: નોબત સમાચાર

સર...સર...સર... બિહાર પછી હવે ૧૨ રાજ્યોમાં ચૂંટણીપંચ આદરશે ઝુંબેશ... તૈયાર રહેજો...બી એલર્ટ...

                                                                                                                                                                                                      

આપણે સામાન્ય રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મૂખેથી તેના શિક્ષક માટે "સર" જેવો શબ્દ સાંભળતા હોઈએ છીએ, તેવી જ રીતે કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ માટે જુનિયર અધિકારીઓ તથા સ્ટાફ પણ આ માનવાચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે., પરંતુ જ્યારે અંગ્રેજીના  "સર" શબ્દોના "એસઆઈઆર" આલ્ફાબેટને અલગ અલગ કરીને તેના ફૂલ ફોર્મ્સ કરીએ, તો અંગ્રેજીમાં તેના ભિન્ન ભિન્ન ઉચ્ચાર અને ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે., તેમાંથી ચૂંટણીપંચના તાજેતરના એક અભિવાદનના "સર" એટલે કે એસઆઈઆરની હમણાંથી સર્વાધિક ચર્ચા થઈ રહી છે.

આમ તો, એસઆઈઆર ગુજરાતમાં ઘણાં સમયથી પ્રચલિત એક મેગા પ્રોજેક્ટનું પણ નામ છે જે હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી પ્રચલિત છે. આ મેગા પ્રોજેકટનું ફૂલફોર્મ સ્પેશિયલ "ઈન્વેસ્ટમેન્ટ રિજિયન" છે, જેમાં ચોક્કસ વિસ્તારોના વિકાસ માટે ઈન્વેસ્ટરોને આકર્ષવાનો કોન્સેપ્ટ હતો. ગુજરાતનું ઘોલેરાસર તેનું દૃષ્ટાંત છે.

એસ.આઈ.આર., એટલે કે "સર" ના કોન્સેપ્ટને સાકાર કરવા માટે ગુજરાત વિધાનસભામાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ એકટ-૨૦૦૯ પસાર કરાયો હતો, જેમાં ઔદ્યોગિક અને માળખાકીય ક્ષેત્રોમાં મૂડીરોકાણના દ્વાર ખૂલ્યા હતા અને તે માટે લિગલ ફ્રેમવર્ક, ઉદ્ેશ્ય, ગવર્નન્સ વગેરેની વિસ્તૃત જોગવાઈ કરાઈ હતી, અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સિટી વિકસાવવાના અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની જેમ ઔદ્યોગિક-માળખાકીય વિકાસ કરવાની વિપુલ તકો અપાઈ હતી.

નાણા ક્ષેત્રે એસઆઈઆરનું ફૂલફોર્મ સ્ટ્રક્ચર્ડ ઈન્વેસ્ટમેન્ટ રિવ્યુનો અર્થ મૂડીરોકાણની સમીક્ષાને સંબંધિત છે. આ કોન્સેપ્ટ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો ડિટેઈલ રિવ્યુ થાય છે., અને તેના આધારે નીતિઓ (પોલીસી) નક્કી થાય છે.

અંતરીક્ષ તકનીકોના સંદર્ભમાં એસઆઈઆર અથવા "સર"નું ફૂલફોર્મ સેટેલાઈટ ઈન્ફારેડ થાય છે. જે સેટેલાઈટમાં એનર્જીનું સંબંધિત રિમોટ સેન્સીંગ સિસ્ટમ છે. એવી જ રીતે સાયન્સ ક્ષેત્રે સ્ટાન્ડરડાઈઝ્ડ ઈન્સિડન્સ રેસિયો, સ્ટાન્ડરડાઈઝ ઈન્ફેકશન રેસિયો, સ્પેસબોર્ન ઈમેજીંગ રડાર વગેરે માટે "સર" અથવા એસઆઈઆર વપરાય છે. બિઝનેસ સેકટરમાં પણ સેલ્ફ-ઈન્સ્યોર્ડ રેટેન્શન, સપ્લાયર ઈન્વોયસ રિકવેસ્ટ, સેલ્ફ ઈન્વેસ્ટીંગ રિપોર્ટ વિગેરે શબ્દો પ્રચલીત છે. તે ઉપરાંત વિવિધ સંદર્ભોમાં સમરી ઈન્ફર્મેશન રિટર્ન, સ્કોલર ઈન રેસિડેન્સ વગેરે માટે એસઆઈઆર (સર) નો સંક્ષિપ્ત શબ્દપ્રયોગ થાય છે.

આપણે અહીં વાત કરવી છે, તે એ એસઆઈઆરની છે, જે આજે દેશભરમાં ચર્ચાનો વિષય છે અને આ મુદ્દો બિહારના રાજકીય ગલીયારાઓથી લઈને સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો.

ચૂંટણપંચે બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કરાવ્યા પછી ઘણો હોબાળો થયો હતો. અને વિપક્ષોએ એનડીએ પર આક્ષેપો લગાવ્યા હતા, અને ચૂંટણીપંચને પણ ઘેર્યું હતું. તે પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને હવે ચૂંટણીપંચે આ જ પ્રકારની પ્રક્રિયા દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવાનું નક્કી કર્યું છે, જેના ઘેરા પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.

ગઈકાલે ચૂંટણીપંચે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ૧૨ રાજ્યોનો સમાવેશ કરાયો છે, તેમાં ગુજરાત પણ છે. અને આ પ્રક્રિયા ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બરે હંગામી મતદારયાદી, આઠમી જાન્યુઆરી-૨૦૨૬ સુધી સુધારા-વધારા અને સાતમી ફેબ્રુઆરીના દિવસે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી શકાશે. આ પ્રક્રિયા દરમ્યાન મતદારયાદીમાંથી મૃતકો તથા કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામો તો રદ કરાશે જ, સાથે સાથે મતદાનની પાત્રતા ધરાવતા મતદારોનો ઉમેરો, તથા નાગરિકતા ચકાસવા માટે ડોર-ટૂ-ડોર ચકાસણી થવાની છે. આ અંગે જે પ્રક્રિયા બિહારમાં થઈ છે, તેવી રીતે તમામ પ્રક્રિયા સંપન્ન થશે, તેમ લાગે છે.

આમ તો મધ્યરાત્રીથી બીજો તબક્કો શરૃ થઈ જતા તંત્રો આજથી જ નવ રાજ્યો અને ત્રણ રાજ્યોમાં એસઆઈઆરના કામે લાગી ગયા છે., અને પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલો જોતા ચૂંટણીપંચ આ મુદ્દે ખૂબ જ ગંભીર હોવાનું પ્રતિત થાય છે.

કોંગ્રેસે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એસઆઈઆરના મુદ્દે જે સવાલો ઉઠાવ્યા છે તે જોતા આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અને તંત્રોમાં પણ આ કપરી કામગીરીને સંપન્ન કરવાની દોડધામ થઈ રહી છે, ત્યારે મતદારોએ પણ પોતાનું નામ મતદારયાદીમાંની નીકળી જાય નહીં તે માટે જાગૃત રહેવું પડશે. આ ચકાસણી માટે ક્યા-ક્યા દસ્તાવેજો માન્ય રહેશે, તેની આગોતરી જાણકારી મેળવીને બીએલઓની મુલાકાત સમયે તે દસ્તાવેજો તૈયાર પણ રાખવા પડશે.

ચૂંટણીપંચ કે સરકાર તરફથી જ્યારે જયારે ડોર-ટૂ-ડોર મુલાકાત લઈને કોઈ પણ પ્રક્રિયાની જાહેરાત થાય છે, ત્યારે ત્યારે ઘણાં સ્થળે ડોર-ટૂ-ડોર મુલાકાત લેવાના  બદલે શેરી-મહોલ્લા કે સોસાયટીના એકાદ સ્થળે ખુરશી ટેબલ ગોઠવીને બીએલઓ દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે, તેથી પુરતો પ્રચાર થયો ન હોય, લોકોને ખબર જ ન હોય કે સમય-તારીખમાં પહોંચી શકાય તેમ ન હોય, તેવા લોકો આ પ્રક્રિયાથી જ વંચિત રહી જતા હોય છે, તેથી ઓસઆઈઆર જેવા મુદ્દે વાસ્તવમાં ઘેર-ઘેર ફરીને અને ઘર બંધ હોય તો ફરીથી મુલાકાત લેવા કે ઘરની આજુબાજુમાંથી માહિતી મેળવીને અથવા ફોન નંબર દ્વારા જે-તે વ્યક્તિનો સંપર્ક કરવો અત્યંત જરૃરી છે, કારણ કે આવું થશે તો જ સ્થળાંતરિત કે મૃતકોના નામ કમી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh