Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિગ્નેશ દાદાએ સંઘર્ષમાંથી સિદ્ધિઓ મેળવી... દ્વારકામાં સંસ્કૃત ભણ્યા...
દિવાળીના દિવસે અયોધ્યામાં લાખો દિવા ઝળહળ્યા અને રામનગરી સમગ્ર વિશ્વમાં દીપી ઊઠી. જામનગરમાં પણ શરૂસેક્શન રોડ નજીક ઊભા કરાયેલા વિશાળ સામિયાણામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ધમધમાટ જામ્યો અને ર૯ મી ઓક્ટોબર સુધી જિગ્નેશદાદાની કથાએ રંગ જમાવ્યો. આજે 'રાધે રાધે' નામની ગૂંજ સાથે વિશ્વવિખ્યાત બનેલા જિગ્નેશદાદાએ દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો, એ જ દ્વારકાનગરીમાં બે તબક્કામાં એક દાયકાથી વધુ સમય સુધી રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા સંચાલિત માહિતી-સહ-પ્રદર્શન કેન્દ્રના માહિતી અધિકારી તરીકે મને ફરજો બજાવવાનો અવસર મળ્યો હતો. તે સમયના સંસ્મરણો આજે પણ જ્યારે જ્યારે મમળાવીએ છીએ અને 'દ્વારકામાં રહેતા મારા સગા-સંબંધી-મિત્રો સાથે ચર્ચીયે છીએ ત્યારે ત્યારે જિગ્નેશદાદા જેવી વિશ્વવિખ્યાત બનેલી વિભૂતિઓને અવશ્ય યાદ કરતા હોઈએ છીએ.'
સંઘર્ષથી સિદ્ધિ સુધીઃ જિગ્નેશદાદા
જિગ્નેશદાદાનું વતન સૌરાષ્ટ્રમાં છે અને હાલની કર્મભૂમિ સુરતમાં છે, પરંતુ તેઓની સ્મૃતિઓ દ્વારકા, અમરેલી, લાઠી, વીરપુર, સુરત થઈને હવે વૈશ્વિક બની છે, તે ગૌરવની વાત છે. જિગ્નેશદાદાએ કેવા કેવા સંઘર્ષ કરીને સિદ્ધિઓ મેળવી છે અને ગીત-સંગીતની સીડીએ ચડીને તથા વિવિધ પ્રકારના નાના-મોટા સંઘર્ષો સામે લડીને જિગ્નેશદાદા આજે વિશ્વવિખ્યાત કથાકાર કેવી રીતે બન્યા છે, તે તમામ વિગતો સાથે સોશિયલ મીડિયા, વેબસાઈટ અને વિવિધ લેખો-વિવેચનોમાં ઉપલબ્ધ છે અને ખૂબ જ પ્રચલિત છે.
જિગ્નેશદાદાની અમૃતવાણીનો લાભ માત્ર જામનગરના નગરજનોએ જ નહીં, પરંતુ હાલાર સહિત સૌરાષ્ટ્રના ભાવિકોએ લીધો અને તેના આયોજક પરિવારના આમંત્રણને માન આપીને દેશ-વિદેશથી સંખ્યાબંધ લોકો આવ્યા હોવાથી જામનગરમાં દિવાળી ટાણે જ ગોકુલ-મથુરા-દ્વારકા-કૈલાસ-અયોધ્યા અને દશેય અવતારોના ધામો અને તીર્થો ખડા થયા હોય તેવા અલૌકિક, અદ્ભુત અને આર્થિક પ્રસંગો ભાગવત કથાના ભાગરૂપે ઉજવાયા હતાં.
અહીં જિગ્નેશદાદાના જીવનમાંથી 'મન હોય તો માળવે જવાય'ના ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. સંઘર્ષ કરીને સફળતાઓ મળ્યા પછી પણ તેને પચાવી અને સાદગી, સંસ્કાર અને સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન જ કરવી જોઈએ, જામનગરવાસીઓની દિવાળી અને દેવદિવાળીમાં જે અલૌકિક માહોલ સર્જાયો, તે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ હજુ પણ એવીને એવી જ ધમકતી રહી છે.
જલારામ બાપા-વીરબાઈમાઁ-વીરપુર
આપણે કારતક સુદ સાતમના જલારામ જયંતીની પણ ભવ્ય ઉજવણી કરી છોટીકાશીના રાજમાર્ગો પર જલારામરથ ફર્યો. થેલેસેમિયા કેમ્પ યોજાયો. હિરજી મિસ્ત્રી રોડ નજીક 'જલારામનગર' ઊભું થયું. સારસ્વત જ્ઞાતિનો ભોજન સમારોહ, પાંજરાપોળની ગૌશાળામાં ગાયમાતાને લાડું અને ઘાસનું ભોજન કરાવ્યા પછી સાંજે મહાઆરતી પછી સમૂહપ્રસાદ યોજાયો. તેવી જ રીતે હાપાના જલારામ મંદિર તથા સાધના કોલોનીના જલારામ મંદિરે પણ વિવિધાસભર કાર્યક્રમો, આરતીઓ અને જલારામ ભક્તો માટે સમૂહભોજનના કાર્યક્રમો યોજાયા. આ જ પ્રકારે દ્વારકા, ખંભાળિયા, ભાટિયા, સલાયા, બેરાજા, આરંભડા સહિતના સમગ્ર હાલારના જલારામ મંદિરોમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થઈ.
જલારામ બાપાનું જીવન પણ 'મન હોય તો માળવે જવાય'નું પ્રેરક દૃષ્ટાંત છે. તેઓએ બાળવયથી જ કેવી માનવતા અને દયાભાવના દર્શાવી હતી અને તેમનો તથા તેમના પત્ની વીરબાઈ માતાજીએ કેવા કેવા સંઘર્ષોનો સામનો કરીને ભૂખ્યાજનોને ભોજન આપવાની સેવાને સદાવ્રતમાં બદલી નાંખી હતી, તે ઘણું જ પ્રચલિત છે. જલારામબાપા રઘુવંશી હતાં અને રઘુવંશીઓનું ગૌરવ હતાં, તેથી રઘુવંશી પરિવારો માત્ર હાલાર કે સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ દેશ-દુનિયામાં ઠેર-ઠેર જલારામ બાપાની જયંતી ઉજવાય છે, અને જલારામબાપાની માનવીય સેવામાં જ્ઞાતિ-જાતિ-ધર્મના કોઈ ભેદભાવ નહોતા તેથી જ 'જલા તુ તો અલ્લા કે'વાણો' જેવા ગીતો પ્રચલિત બન્યા છે. આજે જલારામબાપાનું સદાવ્રત ચાલતું હતું, તે વીરપુરમાં એક પણ રૂપિયો સ્વીકારાતો નથી કે કઈ ચીજવસ્તુના દાન પણ સ્વીકારાતા નથી, તેમ છતાં દરરોજ સેંકડો-હજારો લોકો જલારામબાપાના દર્શન કરીને વિરપુરમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે, તે પણ એક વૈશ્વિક તાજ્જુબ જ ગણાય છે ને?
જલારામ બાપાના જીવનમાંથી પણ ઘણું શિખવા જેવું છે. જલારામબાપા અને વીરબાઈ માતાજીના ત્યાગ, સમર્પણ, સેવા, માનવતા, દયા, કરૂણા, સાદગી, ભક્તિ, ઈશ્વર પ્રત્યેનો દૃઢ વિશ્વાસ અને સંઘર્ષ સામે લડીને સેવા કરવાની તત્પરતામાંથી નવી પેઢીએ પણ પ્રેરણા લેવી જોઈએ.
શ્રી રંગ અવધૂત મહારાજઃ નારેશ્વર
નર્મદાના કાંઠે ઘણાં બધા ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા સ્થળો આવેલા છે. કબીરવડ અને શુકલતીર્થ ઘણાં જ પ્રચલિત છે. નર્મદાના કાંઠે શ્રેણીબદ્ધ શિવમંદિરો પણ આવેલા છે. તેવી જ રીતે શ્રાદ્ધકાર્ય, પિતૃકાર્ય અને કર્મકાંડને સંબંધિત ઘણાં પાવન સ્થળો પણ આવેલા છે. તે પૈકીનું નારેશ્વર એક પાવનધામ છે.
આ નારેશ્વર ધામ શ્રી રંગ અવધૂત મહારાજના કારણે પ્રચલિત છે. ગુરૂ દત્તાત્રેયનો અવતાર ગણાતા શ્રી રંગ અવધૂત મહારાજનું મૂળ નામ પાંડુરંગ વિઠ્ઠલપંત વાલમે હતું અને તેનો ર૧ નવેમ્બર ૧૯૮૮ ના દિવસે જન્મ થયો હતો. તેઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં સંન્યાસ લઈને નર્મદાના કિનારે નારેશ્વરમાં દત્તપુરાણનો ૧૦૮ વખત પાઠ કર્યો અને ૧૦૮ દિવસોમાં નર્મદાની પદયાત્રા કરીને પરિક્રમા સંપન્ન કરી હતી. તે પછી ફરીથી નર્મદા પરિક્રમા કરી તેઓએ દત્તકૂટિર ઊભી કરી અને વર્ષ ૧૯૩૧ માં એક ટ્રસ્ટ સ્થાપ્યું. તેઓનું નિધન હરિદ્વારમાં ૧૯ મી નવેમ્બર ૧૯૬૮ ના દિવસે થયું હતું, પરંતુ અંતિમ સંસ્કાર નારેશ્વરમાં જ થયા હતાં.
આજે તેના અસંખ્ય અનુયાયીઓ છે અને દત્ત પંથ અથવા દત્ત સંપ્રદાય ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલો છે. તેઓએ સંન્યાસ લીધા પછી તેઓ રંગ અવધૂત તરીકે વધુ પ્રચલિત થયા હતાં. તેઓએ જીવનમાં જે સંઘર્ષ કર્યો હતો અને સામા પ્રવાહે ચાલીને આધ્યાત્મિક્તા, દેશભક્તિ અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, તેથી તેઓ 'મન હોય તો માળવે જવાય'ના હાર્દનું અનોખું દૃષ્ટાંત છે. ગઈકાલે જે તેઓની જયંતીની ઉજવણીના સંદર્ભે નારેશ્વર સહિત ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા હતાં.
શ્રી રંગ અવધૂત ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં પારંગત હતાં. તેઓના 'ગંજેરી'ના ઉપનામ સાથે અખબારોમાં લખેલા તે સમયના લેખો ઘણાં જ પ્રચલિત બન્યા હતાં. તેઓએ ઘણી રચનાઓના સ્વરૂપ નિખાર્યા અને ઘણાં પુસ્તકોના અનુવાદો કર્યા, તેઓનું પોતાનું સાહિત્ય અને લેખન અનોખી ભાત પાડતું હતું. શ્રી રંગ અવધૂતને સમજવા તેના જીવન-કવનનો ઊંડો અભ્યાસ જ કરવો પડે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial