Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણ માસનું ડાયટિંગ...

                                                                                                                                                                                                      

દર વર્ષે અષાઢી બીજ આવે એ સાથે જ શ્રાવણ માસના ડાયેટિંગનુ પ્લાનિંગ શરૂ થઈ જાય. આપણા સુરીલા લોક ગાયકો ભલે મેઘાણીભાઇને યાદ કરીને સ્ટેજ ગજવતા ગાય કે, *મન મોર બની થનગાટ કરે....*

આ બધું તો મોટા માણસોને જ પોસાય, આમ આદમીને નહીં. મધ્યમ વર્ગના માણસની તબિયત તો હાઉસિંગ બોર્ડના મકાન જેવી હોય છે. હાઉસિંગ બોર્ડના મકાન પર જ્યારે ચોમાસામાં ફક્ત એક કલાક માટે વરસાદ પડે છે ત્યારે મકાનની અંદર તો છતમાંથી, અને દીવાલમાંથી પણ બે દિવસ સુધી પાણી ટપકે રાખે છે...!

અને આ પહેલા વરસાદમાં જ આપણી તબિયત તો નંદવાઈ જાય છે. શરદી થાય, જઠરાગ્નિ મંદ પડે, અને પાચનતંત્રમાં ગરબડ ઊભી થાય. એટલે મોર્નિંગ વોકમાં અમારી સૌથી આગળ ચાલતા ડોક્ટર રાજન તેમની હંમેશની આદત મુજબ સલાહ આપશે કે, *ભાઈ તમે બધા આ ચોમાસામાં ખાવામાં ધ્યાન રાખજો હો...*

આટલું સાંભળતા જ સૌથી પહેલો જવાબ જટાશંકર જ આપશે કે, *સાહેબ, અમારું તો બધું ધ્યાન ખાવામાં જ હોય છે...!*

*એમ નહીં, એમ નહીં,* ડોક્ટર રાજને પોતાની સલાહ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, *ખાવામાં ધ્યાન રાખવાનું એટલે કે ખાવામાં કંટ્રોલ રાખવાનો.. અષાઢને શ્રાવણ માસના વરસાદી વાતાવરણમાં હળવો ખોરાક લેવાનો અને બની શકે તો દિવસમાં એક જ વાર જમવાનું..*

*એટલે કે શ્રાવણ માસમાં ઉપવાસ કરો, અને જો ઉપવાસ ન કરી શકો તો એકટાણા કરો..* નટુએ રાજનની વાતને ૫ૂરો ટેકો આપતા કહ્યું.

ડોક્ટર રાજનની સલાહ અનુસાર, શ્રાવણ માસમાં તબિયત સારી રાખવા, અને ખાસ તો જટાશંકરને પ્રોત્સાહન આપવા માટે, અમે બધાએ પ્લાનિંગ કર્યું અને એ પ્રમાણે શ્રાવણ માસનો ડાયેટ પ્લાન બનાવ્યો. ખાસ કરીને શ્રાવણ માસમાં મેક્સિમમ ઉપવાસ કરવાનો પ્લાન બનાવ્યો.

પરંતુ કહે છે ને કે *સારા કામમાં સો વિઘ્ન..* આપણું કેલેન્ડર જ એ રીતે બનાવેલું છે કે શ્રાવણ માસના આગલા દિવસે જાગરણ આવે. અને જાગરણ એ તો શકુનીમામાનો તહેવાર. અને આ તહેવાર સારી રીતે ઉજવવા માટે સોસાયટીના બધા જ શકુની ભક્તો પત્તે રમવા ભેગા થયા.

હવે પત્તાની રમતમાં તલ્લીન થયેલા જટાશંકરે પોતાની બંધ બાજીનું પહેલું પાનું પણ ન'તું ખોલ્યું ત્યાં તો રાત્રે ૧૨:૦૦ વાગે તેના મોબાઈલમાં શ્રાવણ મહિનાનો પહેલો મેસેજ આવ્યો કે, *પવિત્ર શ્રાવણ માસના એકટાણા ઉપવાસ કરવા માટે શહેરની બેસ્ટ ફરાળી થાળી જમવા માટે પધારો...*

આ થાળીનું મેનુ પણ જોવા જેવું હતું. તેમાં આપણી અનેક જાણીતી કાઠીયાવાડી ફરાળી વાનગીઓ ઉપરાંત અનેક નવી વાનગીઓ પણ હતી જેવી કે ફરાળી પીત્ઝા, ફરાળી ચાઈનીઝ ભેળ, બે સ્વાદિષ્ટ મીઠાઈઓ, વગેરે વગેરે.

થોડીકવારમાં તો બધાના મોબાઇલમાં આવા જ બેસ્ટ ફરાળી વાનગીના મેસેજ આવવા લાગ્યા. જે રીતે શ્રાવણ માસ વ્રત એકટાણા ઉપવાસનો મહિનો છે, તે જ રીતે શ્રાવણ માસ  મિત્રતાનો મહિનો પણ છે. એટલે કે સહુનો માનિતો *ફ્રેન્ડશીપ ડે* પણ શ્રાવણ મહિનામાં જ આવે છે. હવે તમે જ કહો, ક્યો સાચો મિત્ર આ ફ્રેન્ડશીપ ડે માં પોતાના મિત્રને ભૂખ્યો રાખી શકે ?

વિદાય વેળાએઃ એક સાવ સાચી વાત કહું તો આ શ્રાવણ મહિનામાં મારા બધા જ મિત્રો પોતાના મોબાઈલમાં *નોબત*ની સમાચાર આપતી એપમાં સૌથી પહેલા તો એટલું જ જુએ છે કે આજે શહેરમાં શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ ક્યાં મળશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh