Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓય.. માં... બચાવો.... સવારના પહોરમાં રાડા રાડ સાંભળી કાચી નિંદરમાંથી હું જાગ્યો.
મારા વાઈફ સીધા ઠેકડો મારી અને અમારા પલંગ પર ચડી ગયા.
ધીસ ઇસ રેડીક્યુલસ, પ્લીઝ હેલ્પ... આઈ એમ આફ્રેઈડ... આ ઘરમાં કાં હું રહી શકું? કાં આ ઉંદરડી. લુક એટ માય ફેસ..
પરસેવે રેબજેબ મારા વાઈફ ઇંગ્લિશમાં ધાણીફૂટ બોલી રહૃાા હતા.
શરૃઆતની રાડા રાડી ગુજરાતીમાં એટલે કે માતૃભાષામાં એટલા માટે હતી કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા રિએક્શન માતૃભાષામાં આવે.
પલંગ પર ચડી ગયા પછી અને મારી હાજરી હોવાથી ફરી ઇંગ્લિશનું ભૂત પ્રવેશ કરે.
મેં તેને શાંત કરતા પૂછ્યુ ''શું થયું?''
ઉંદરડી.... આટલું બોલીને તેણે ખૂણામાં આંગળી ચીંધી.
મેં જ્ઞાન પીરસ્તા કહૃાું ''કોઈની સામે આંગળી ના ચીંધાય ઇટ્સ અ બેડમેનર''
ફરી ગુસ્સો આવતા તેણીએ માતૃભાષામાં જીભે ટર્ન માર્યો.
''તમારી કોઈ સગલી થાય છે? કે તેની ચિંતા કરો છો?''
હું સમજી ગયો કે આ મામલામાં મજાક કરી શકાય તેવું નથી.
મેં તેને શાંતિથી પૂછ્યું ''શું થયું?''
મને કહે ''મેરેજ પછી પહેલીવાર મેં આપણા ઘરમાં ઉંદરડી ફરતી જોઈ. (મનમાં બોલ્યો કે મેં તો રોજ હટ્ટી કટ્ટી ઉંદરડી ફરતી જોઈ છે.) તમને ખબર છે ને કે મને કેટલી બીક લાગે છે? બટકુ ભરી જાય તો?''
ફરી મારા ઓરીજનલ મૂડમાં આવી મેં કહૃાું ''ગાંડી, તારા આવડા મોટા શરીરમાં એની બે ટચૂકડી દાંતડી શું કરી લે?''
મારી આ મજાકનું પડીકુ બનાવી છૂટું ઘા કર્યું. ''સો વાતની એક વાત આ ઘરમાં કાં તો ઉંદરડી રહેશે અને કા હું રહીશ.''
આવી રીતે એક નાનકડી ઉંદરડી કોઈ પતિને આટલી ઉપયોગી હોઈ શકે તે વિચારી ઉંદરડીના ખાનદાન પર મને માન થયું. શબ્દો બહાર નીકળવા જતા હતા પરંતુ તેમાં હું ઘરની બહાર નીકળી જાઉં તેવી શક્યતા લાગતા મેં હાથમાં સાવરણી લઈ બે ચાર જગ્યાએ ઠક ઠક કર્યું અને કહૃાું કે ''તું જેમ તેનાથી ડરે છે એ જ રીતે એ પણ તારાથી ડરી અને ભાગી ગઈ હશે.''
''હવે હું આ પલંગ પરથી નીચે નહીં ઉતરૃ જ્યાં સુધી ઉંદરડી પકડાશે નહીં. જાઓ બાજુવાળા પન્નાબેન પાસેથી પાંજરૃં લેતા આવો.''
મેં કહૃાું કે ''શીલાના ઘરે પણ પાંજરૃં છે.''
મને કહે ''શીલા જ પાંજરૃં છે.''
થોડામાં ઘણું સમજવાની મારી શક્તિ પર મને એકલાને જ માન છે.
પન્નાબેન ના ઘરેથી પાંજરૃં લઈ આવ્યો અને કહૃાું કે ''હવે નીચે ઉતરી અને એકાદ રોટલી બનાવ તો તેનો કટકો આ પાંજરામાં ગોઠવી શકાય.''
મને કહે ''ગુજરાતી ઘરમાં ઉંદરડી પણ ગાંઠિયા ખાવા ટેવાયેલી હોય જાવ ડબ્બામાંથી એક ફાફડા નો કટકો પાંજરામાં મૂકી દો.''
આઠ દસ ફાફડા મેં ખાઈ લીધા પછી એક નાનકડો કટકો પિંજરામાં પણ મૂક્યો.
હવે તો ઉંદરડી પકડાય ત્યાં સુધી રાહ જોવાની હતી.
સવારની ચાથી માંડી અને નાસ્તો તથા મેં બનાવેલુ જમવાનું બધું જ મારા વાઈફે પલંગ પર પૂરૃં કર્યું.
ધીરે ધીરે મને પણ ઉંદરડી પર ગુસ્સો આવતો હતો. સાંજ પહેલા પકડાઈ જાય તો સારૃં નહીં તો સાંજની રસોઈ પણ... પાંજરાના ખડખડાટે મારી વિચારધારા તોડી.
મારી કાકલુદી ઈશ્વર આટલું જલ્દી સાંભળી લેશે તેનો મને અંદાજ ન હતો. ઠેકડો મારી અને હું ખૂણામાં પડેલા પાંજરા પાસે ગયો તેમાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો પકડાયો હતો.
અને હું જગતની વાસ્તવિક ફિલોસોફી પર ચડી ગયો.
દરેક પુરૃષ અઢીસો માણસની જાન લઇ અને બેન્ડબાજા સાથે નાચતા કુદતા ઈડરિયો ગઢ જીતવા જતા હોય તેમ લગ્ન કરવા ઉપડે છે. તેના મનમાં એમ જ હોય છે કે બધું ગોઠવાઈ ગયું છે.ઉંદરડી પકડાય એટલે ઘરના પાંજરામાં કેદ કરી દઈએ. થોડો સમય જાય એટલે આપણને ખબર પડે કે પિંજરામાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો છે નજીક જઈએ તો નુકસાન કરી શકે.
જોકે સામા પક્ષે પણ એવું જ હોય કે પિંજરામાં સ્વાદિષ્ટ વ્યંજનો મૂકી કાયમનો બંદી બનાવી લઈએ.
વાઈફની નજર પિંજરા પર પડી અને રાડ પાડી ''ઓહ માય ગોડ''...
આગળ કાંઈ બોલે તે પહેલા જ મેં કહૃાું કે ''જોયું ગુજરાતી ગાંઠીયાની તાકાત,એક જ કટકો ખાધો અને ઉંદરડી નું શરીર કેટલું વધી ગયું?''
''શટ અપ, ઉંદરડી અને ઉંદરડાનો ભેદ મને સમજાય છે. આ તો ઘર છે કે રાફડો? બજારમાં જઈ અને એક ડઝન પાંજરા લઈ આવો. એક પણ છટકવો ન જોઈએ. જિંદગીમાં ઉંદરડા અને ઉંદરડી થી જ મને બીક લાગે છે.''
લગ્નના આટલા વર્ષ પછી મને આ સિક્રેટ જાણવા મળ્યું. ખરેખર તો લગ્ન પહેલાં અત્યારના સમયમાં જેમ એક્સ્ટ્રા અફેર જાણવા માટે ડિટેક્ટિવ હાયર કરે છે તેમ છોકરો કે છોકરી શેનાથી ડરે છે તે તપાસ કરવી જોઈએ. કામનું તો એ છે. શું કહો છો?
સાચું કહું તો મને લગ્નના આટલા વર્ષે ઉંદર થવાના કોડ જગ્યા છે.
વિચારવાયુઃ- આપણા ઘરમાં જ રહેતા કાળા ઉંદર,ઉંદરડી આપણને નથી ગમતા પણ ધોળા ઉંદર (ગીનીપીગ)પાળવાનું મન કરતું હોય છે. આવું કેમ?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial