Advertisement
Author: નોબત સમાચાર

નવરાત્રિનો પ્રારંભ... જીએસટી બચત ઉત્સવ ! શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર ?

                                                                                                                                                                                                      

આજથી નવલાં નોરતાની શરૂઆત થઈ છે ત્યારે પ્રિય વાંચકો-ફોલોઅર્સ સહિત સૌ કોઈને નવરાત્રિની શુભકામનાઓ...

ગઈકાલે વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રજોગુ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે લોકોમાં એ ઉત્કંઠા હતી કે ક્યાંક નોટબંધી, લોકડાઉન, કોવિડ પોલિસી સમયે કરી હતી તેવી કોઈ પ્રતિબંધાત્મક ઘોષણા તો નહીં થાય ને ? જીએસટીમાં ઘટાડા પછી તેના સંદર્ભે કોઈ મોટો ફેરફાર તો નહીં થાય ને ? શું હવે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવાના સંકેતો મળવાના છે ? તેવા પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ વડાપ્રધાને ગઈકાલે સાંજે જીએસટી બચત ઉત્સવ, આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને "સ્વદેશી"ની ભાવનાનો ઉલ્લેખ કરીને નવા જીએસટી રિફોર્મ્સથી કેવા કેવા ફાયદા થશે, તેનો ઉલ્લેખ કર્યો હતો.

બીજી તરફ ગઈકાલે જામનગરમાં વિપક્ષ દ્વારા મહાનગરપાલિકાના શાસકો અને પ્રશાસકો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા અને આ વર્ષે શ્રાવણી મેળામાં જામનગર મહાનગરપાલિકાને રૂ. બેે કરોડથી વધુની આવક થઈ હોવાનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, પરંતુ એટલી રકમ તો મનપાની તિજોરીમાં જમા થઈ જ નથી, તેના પુરાવા વિપક્ષ પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો,  તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

ગઈકાલે જામનગર મહાનગરપાલિકા સામે કોંગ્રેસે વિરોધનું બ્યુંગલ ફૂંક્યા પછી શાસક-પ્રશાસક વર્તુળમાં હલચલ મચી હતી, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?

હકીકતે ગઈકાલે જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મેળાના ભ્રષ્ટાચારના મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કદમ ઉઠાવવાની તથા મનપાની તિજોરીને નુકસાન પહોંચાડનાર ગમે તેટલો ઉચ્ચ અધિકારી હોય તો પણ તેને ડીસમીસ કરવા તથા ફોજદારી રાહે ફરિયાદ નોંધાવવાની જે માંગણી કરી હતી, તેના સંદર્ભે આજે શું  થાય છે, તેના પર સૌ કોઈની નજર હતી. ખુદ મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના શ્રાવણી મેળામાં ૨ કરોડ ૭ લાખની આવક થઈ હોવાનું જાહેર થવા છતાં મનપાની તિજોરીમાં ૧ કરોડ ૬૬ લાખ જ કેમ જમા થયા ? તે પ્રશ્ને સવાલ-જવાબ થઈ રહ્યા છે.

બીજી તરફ ગઈકાલે વડાપ્રધાને રાષ્ટ્રજોગું સંબોધન કર્યું, ત્યારે નગરમાં તથા કદાચ દેશવ્યાપી એ ચર્ચા પણ થઈ જ ગઈ હશે કે વડાપ્રધાને આ પહેલા ક્યા-ક્યા મુદ્દે સમગ્ર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, અને તે પછી શું થયું હતું. અત્યારે વડાપ્રધાન તરીકે ત્રીજી ટર્મ ચાલી રહી છે, અને આ દરમ્યાન નરેન્દ્રભાઈએ ડઝનેક રાષ્ટ્રજોગ વિશેષ સંબોધનો કર્યા હશે. (આમાં "મન કી બાત"નો સમાવેશ થતો નથી).

વર્ષ-૨૦૧૬ની આઠમી નવેમ્બરની રાત્રે આઠેક વાગ્યે જ્યારે વડાપ્રધાને રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની તે સમયની ચલણી નોટો રદ કરી, તે વિવાદાસ્પદ ઘોષણાની સૌથી વધુ ચર્ચા થતી રહી છે.

તે પછી ભારતના સ્પેસ વૈજ્ઞાનિકોએ જ્યારે અંતરિક્ષમાં એન્ટી-સેટેલાઈટ પરીક્ષણ કર્યું ત્યારે તેના સંદર્ભે મિશન શક્તિના વિષય પર રાષ્ટ્રને સંબોધન કરીને વડાપ્રધાને ઈસરો અને સ્પેસ વૈજ્ઞાનિકોને બીરદાવ્યા હતા. અમેરિકા, રશિયા, અને ચીન પછી આ પ્રકારની ઉપલબ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો હતો. વર્ષ ૨૦૧૯ની ૮મી ઓગષ્ટે જમ્મુ-કાશમીરમાંથી કલમ-૩૭૦ હટાવાઈ, તે પછી સંબોધન કર્યું હતું.

તે પછી ૨૪મી માર્ચ ૨૦૨૦ના દિવસે લોકડાઉનની જાહેરાત સમયે વડાપ્રધાને રાષ્ટ્રજોગનું પ્રવચન કર્યું હતું. તે પછી સમગ્ર કોવિડના સમયગાળા દરમ્યાન વડાપ્રધાને વર્ષ ૨૦૨૦ની ૭મી જૂને જુદા જુદા સંદર્ભે રાષ્ટ્રજોગ પ્રવચનો કર્યા હતા, જેમાં આર્થિક પેકેજ, લોકડાઉનમાં ક્રમશઃ છૂટ અને કોરોના વેક્સિનેશન ડ્રાઈવનો સમાવેશ થતો હતો.

કોરોના કાળ પછી મોદી સરકારને જ્યારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પ્રચંડ વિરોધ અને ખેડૂત આંદોલન પછી પાછા લેવા પડ્યા, તેની જાહેરાત પણ વર્ષ ૨૦૧૧ની ૧૯મી નવેમ્બરે રાષ્ટ્રજોગુ પ્રવચન કરીને વડાપ્રધાને કરી હતી. છેલ્લે ઓપરેશન સિંદૂર અંગે ૧૨મી મે ૨૦૨૫ના રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતુ, અને હવે ગઈકાલે જીએસટી રિફોર્મ્સના સંદર્ભે દેશવાસીઓને સંબોધ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

જો વડાપ્રધાનના તમામ રાષ્ટ્રજોગ સંબોધનોનું વિશ્લેષણ કરવામાં આવે તો, વડાપ્રધાને જ્યારે જ્યારે રાષ્ટ્રજોગ પ્રવચનો કર્યા છે, ત્યારે ત્યારે દેશ કોઈને કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમોમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની અસાધારણ અને અભૂતપૂર્વ અસરો પડી હતી, જેની હંમેશાં નેગેટિવ-પોઝિટિવ ચર્ચાઓ થતી રહી છે.

આ તરફ કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આલોચના કરતા કહ્યું છે કે મોદી સરકારે ગબ્બરસિંહ ટેક્સ દ્વારા ૮ વર્ષમાં રૂ. ૫૫ લાખ કરોડથી વધુની વસુલાત કરી છે !

આજે જીએસટી બચત ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ પણ છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે બીજી ટી-૨૦ મેચના વિજયની ઉજવણી પણ થઈ રહી છે, તો બીજી તરફ જામનગર સહિત રાજ્યભરમાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી પણ થઈ રહી છે. આ માહોલ વચ્ચે વરસાદની આગાહીઓએ થોડી ચિંતા પણ જગાવી છે. જો કે, મોટા ગરબીમંડળોએ તો "વોટરપ્રૂફ" વ્યવસ્થાઓ કરી હશે, પરંતુ નાની નાની શેરી ગલીની ગરબીઓની મજા મેઘરાજા ન બગાડે, અને માત્ર અમી છંટકાવથી આશીર્વાદ વરસાવે, તેવું ઈચ્છીએ અને નવરાત્રિ એ ધાર્મિક સમૂહનૃત્યનું સાંસ્કૃતિક મહાપર્વ છે, પાવન પર્વ છે, તે લક્ષ્યમાં રાખીને ઉલ્લાસ અને સંપ-સૂલેહ-શાંતિ સાથે ઉજવણી કરીએ...

નવદૂર્ગા માતા કી જય....અંબે ભવાની માત કી જય...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh