Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક ભારત - રશિયા - ચાઈનાની તાજેતરની સંબંધો મજબૂત બતાવતી મુલાકાતને લઈ અમેરિકાની ટ્રમ્પ સરકાર અપેક્ષા મુજબ ભારત માટે કૂણું વલણ અપનાવતાં ભારત સાથે ટ્રેડ ડિલ માટે સક્રિય વાટાઘાટ ચાલી રહ્યાનો સંકેત આપતાં અને બીજી તરફ ભારતના જીએસટી ઘટાડા સહિતના પોઝિટીવ પગલાં અને યુરોપના દેશો પણ ભારતની તરફેણમાં ટ્રેડ ડિલ કરવા તૈયાર હોવાના અહેવાલોએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૃઆત ઉછાળા સાથે થઇ હતી.
વૈશ્વિક મોરચે ટ્રમ્પ સતત ટેરિફ હથિયારનો ઉપયોગ કરીને વિશ્વને દબાણમાં લેવા પ્રયત્ન કરતા, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવા યુરોપીયન યુનિયનને કરેલી તેમની હાકલ તેમજ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ તેમજ નેપાળ અને ફ્રાંસમાં ઉભી થયેલી આંતરિક અશાંતિના કારણે વૈશ્વિક સેન્ટીમેન્ટ પર નકારાત્મક અસર છતાં ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી યથાવત્ રેહતા તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૭% અને નેસ્ડેક ૦.૯૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૮૯ અને વધનારની સંખ્યા ૨૩૨૦ રહી હતી, ૨૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ઓક્ટોબર ગોલ્ડ રૃા.૧,૧૦,૨૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૧,૧૦,૨૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૧,૧૦,૦૭૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૧,૧૦,૨૭૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ડીસેમ્બર સિલ્વર રૃા.૧,૨૯,૩૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૧,૨૯,૭૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૧,૨૯,૨૧૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૬ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૧,૨૯,૬૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (૧૨૪૪) ઃ પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૧૨૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા.૧૨૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૧૨૬૪ થી રૃા.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૃા.૧૨૮૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (૧૦૪૯) ઃ એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૃા.૧૦૩૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૧૦૧૬ ના સપોર્ટથી આ સ્ટોક રૃા.૧૦૬૭ થી રૃા.૧૦૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૧૦૪૦) ઃ રૃા.૧૦૨૩ નો પ્રથમ તેમજ રૃા.૧૦૧૪ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૧૦૫૭ થી રૃા.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
અદાણી એનર્જી (૮૪૧) ઃ પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૃા.૮૫૮ થી રૃા.૮૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૃા.૮૨૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વિશ્વ અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન અને બીજી તરફ મહાસત્તાઓ અમેરિકા, ચાઈના અને રશિયા વચ્ચે વૈશ્વિક આધિપત્ય જમાવવાની હોડ ચાલી રહી છે. નાના અને વ્યૂહાત્મક દેશોમાં સત્તાપલટ અને મનપસંદ સરકારોની સ્થાપનાની કોશિશો વૈશ્વિક તણાવ વધારી રહી છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ગાઝા પર કબજો મેળવવા સતત હુમલાઓ ચાલી રહ્યા છે, જ્યારે રશિયા યુક્રેન સામેની લડાઈ લંબાવતાં નાટો દેશોને પણ નિશાન બનાવી રહ્યો છે. અમેરિકા ટેરિફ મામલે વિશ્વને ઝુકાવવા નિષ્ફળ જતાં હવે ભારત અને ચાઈના સામે નવા દબાણની નીતિ અપનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ યુરોપના દેશો હાલ ચા ઈના અને ભારત સાથે દુશ્મની લેવાના મૂડમાં નથી.
ટ્રમ્પ પોતાની જ નીતિથી ઘેરાઈ જતા ભારત સામે આક્રમક વલણ ન અપનાવી, ટ્રેડ વાટાઘાટો ફરી શરૃ કરવા તૈયાર થયા છે. આ ભારત માટે પોઝિટિવ સંકેત છે, કારણ કે ટ્રમ્પની નીતિ પર યુરોપ સહિત વિશ્વના દેશોમાં વિશ્વાસ નથી. આ પરિસ્થિતિમાં ભારત આગામી વર્ષોમાં મોટી સત્તા તરીકે ઊભરી આવવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તેના કારણે ભારતીય શેરબજારમાં ફરી ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ તેજી પકડશે. સાથે સાથે સ્થાનિક ફંડોના મજબૂત સપોર્ટથી બજારમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની અપેક્ષા છે. એટલે કે, પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતીય શેરબજાર માટે ભાવિ દિશા હકારાત્મક દેખાઈ રહી છે.