Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાએ અમાનવીય ઢબે માત્ર સાત મહિનામાં ૧૭૦૦ ભારતીયોને કર્યા દેશ નિકાલઃ ટ્રમ્પની સખ્તાઈ

ડિપોર્ટેશન દરમિયાન સંવેદનશીલ અભિગમની ભારતની અપીલ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: અમેરિકાએ અમાનવીય ઢબે માત્ર સાત મહિનામાં ૧૭૦૦ ભારતીયોને દેશ નિકાલ કર્યા છે. ટ્રમ્પના બીજા શાસનકાળમાં ટ્રમ્પે સખ્તાઈ વધારી છે. ભારતે ડિપોર્ટેશન દરમિયાન માનવતા વાદી વલણ અપનાવવા અપીલ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન (દેશનિકાલ)માં વધારો થયો છે. આથી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાને વિનંતી કરી છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવી જોઈએ. મંત્રાલયે મહિલાઓ અને બાળકોને બેડી પહેરાવવા અને ધાર્મિક-સાંસ્કૃતિક સંવેદનશીલતાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ ૨૦૨૫ના વર્ષમાં એટલે કે છેલ્લા ૭ મહિનામાં અત્યાર સુધી કુલ ૧૭૦૩ ભારતીય નાગરિકોને દેશમાંથી ડિપોર્ટ કર્યા છે, જેમાં ૧૪૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં આ માહિતી આપી.

વિદેશ મંત્રાલયના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫ના પહેલા સાત મહિનામાં જ ૧૭૦૩ ભારતીયોને અમેરિકાથી બળજબરીપૂર્વક પાછા ભારત મોકલવામાં આવ્યા છે, એટલે કે સરેરાશ દરરોજ આઠ ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. આ આંકડો બાઈડન સરકાર અને ટ્રમ્પના પહેલા કાર્યકાળના છેલ્લા વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ૨૦૨૫ની શરૂઆતથી જ ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે. તેમણે ગેરકાયદેસર પ્રવાસીઓ અને વીઝાના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. ૨૬ જૂને અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, વીઝા મળ્યા પછી પણ દેખરેખ ચાલુ રહેશે. જો નિયમોનો ભંગ થશે તો વીઝા રદ કરી દેશનિકાલ કરવામાં આવશે. આ સાથે જ, અમેરિકી સરકારે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓની ધરપકડ, દેશનિકાલ અને ભવિષ્યમાં વીઝા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.

શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એ માહિતી પણ આપી હતી કે, વર્ષ ૨૦૨૦થી લઈને ૨૦૨૪ વચ્ચે ૫૫૪૧ભારતીયો અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યા હતા. ૨૨ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા ૧૭૦૩ છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૦૨૪) બ્રિટનથી ૩૧૧ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે ૨૦૨૫માં અત્યાર સુધી આ સંખ્યા ૧૩૧ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે બ્રિટનથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યામાં થોડો ફરક હોઈ શકે છે. કારણ કે કેટલાક કિસ્સાઓમાં જેમની પાસે માન્ય દસ્તાવેજો હોય તેમને સીધા જ ડિપોર્ટ કરી દેવામાં આવે છે અને જેમને ઈમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ (ઈટીડી) આપવામાં આવ્યા હોય, તે બધાનો ઉપયોગ થતો નથી કારણ કે ઘણી વાર વ્યક્તિ અપીલ દાખલ કરે છે.

સરકારી આંકડા મુજબ, કુલ ૧૭૦૩ લોકોમાંથી સૌથી વધુ ૬૨૦ લોકો પંજાબના છે. ત્યાર બાદ ૬૦૪ લોકો હરિયાણાના, ૨૪૫ ગુજરાતના અને ૧૦ લોકો જમ્મુ-કાશ્મીરના છે. આ બધાને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. જ્યારે, ૬ લોકો કયા રાજ્યના છે તે ઓળખી શકાયું નથી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ૨૦૨૫માં અત્યાર સુધીમાં જુદા જુદા માધ્યમોથી ૧૭૦૩ ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંથી, ૮૬૪ લોકોને ચાર્ટર્ડ અને સૈન્ય વિમાનો દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ૩૩૩ ભારતીયોને ત્રણ અલગ-અલગ તારીખે અમેરિકન બોર્ડર સિક્યુરિટી ફોર્સે મોકલ્યા હતા.

અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે માર્ચ અને જૂનમાં ૨૩૧ નાગરિકોને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા મોકલ્યા. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જુલાઈમાં ૩૦૦ લોકોને બે ફ્લાઇટ્સ દ્વારા ભારત મોકલ્યા. ૭૪૭ ભારતીયો વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા ફર્યા. આ સમયગાળા દરમિયાન પનામાથી પણ ૭૨ લોકો પાછા ફર્યા હતા. આ બધા લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh