Advertisement
Author: નોબત સમાચાર

ટપુ ફુવા અમેરિકામાં રીસાણા છે

                                                                                                                                                                                                      

 (અ) પ્રિય ફુવા,

આમ તો તમને ક્યારેય અમે પત્ર લખ્યો નથી કારણ કે આપણે રૂબરૂ મળવાના અને ભેટવાના સંબંધો છે.

પરંતુ આ વખતે તમે જે મોઢુ ફુલાવ્યું છે એ ખરેખર વ્યાજબી નથી. આપણા ખાટા થયેલા સંબંધને કારણે તમારી પરજા અને અમારી પરજા બે'ય હેરાન થાય છે. વાર તે'વારે આપણે અવારનવાર ભેગા થઈએ ત્યારે કેટલો આનંદ કરીએ છીએ. તમે અહીં આવ્યા ત્યારે મેં તમારૃં સ્વાગત કરવામાં બાકી રાખ્યું હતું? અમારા ગુજરાતી સમાજમાં એક સાથે ક્યારેય ન હોય તેટલા મિષ્ટાન અને ફરસાણ તમારા મોઢામાં ઠુસ્યા હતા. મેં પણ ત્યાં આવી અને ન ભાવતા હોવા છતાં ગોદડા જેવા પીજાના ડુચા માર્યા છે ભુલી ગયા?

હશે ભગવાન તમને સદબુદ્ધિ આપે. પણ તમે કુટુંબી છો એટલે જાણ કરૃં છું કે અમે તમને ક્યારેક ગમતા અને ક્યારેક ન ગમતા એવા તમારા મિત્રો સાથે ડિનર કરવાના છીએ. મેનુ પણ ફિક્સ થઈ ગયું છે. ઢોકળા, નુડલ્સ અને વોડકા અને તે પણ આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય પીઝા ન મળતા હોય તેવા ટાપુ પર પાર્ટી રાખી છે. મને હજુ થોડું તમારૃં પેટમાં બળે એટલે જાણ કરૃં છું. બાકી બીજા બે સગાવાલા તમારો ફોટો જોવા પણ રાજી નથી.

લીખીતંગ

ચા ની ચૂસકી લેતા લેતા તમારો મિત્ર

સૌ પોત પોતાના ડબ્બા લઇ અને અદૃશ્ય ટાપુ ઉપર ભેગા થઈ ગયા અને બળાપો ઠાલવવા લાગ્યા.

વોડકા પીતા-પીતા પરસોત્તમ તેલવાળા બોલ્યા, ''મને તો પહેલેથી જ ખબર હતી કે આ કુટુંબમાં ભળી શકે એવો જણ નથી. લ્યો તમે તમારા ડબ્બામાંથી ઢોકળા આપો અને નુડલ્સ અને ઢોકળા ગળે ઉતારવા આ એક ઘૂંટડો મારો.''

અત્યાર સુધી ચમચી ફરતે અળસીયા જેવા નુડલ્સના ગુંચળા કરતો જયંતિ મોટા ગલફામાં નુડલ્સ નો ડુચો મૂકી બીજા ગલોફામાં ઢોકળા ના બે કટકા નાખ્યા અને વોડકાનો જગ ઉપાડી ઘટક ઘટક ચાર પાંચ ઘુંટડા વોડકાના ગાગર જેવા પેટમાં ઉતારી ગયો અને ખોટો ઓડકાર ખાઈ બંનેના ખભે હાથ મૂકી સાંત્વના આપી કીધું, ''જો તમે નયણા કોઠે નુડલ્સ ખાવાનું વચન આપતા હોય તો, અને બંને જમણા હાથમાં વોડકા લઈ સંકલ્પ કરતા હોય કે આજ પછી ભોજનમાં ક્યારેય પીઝા નહીં આરોગું તો, બાય વન ગેટ વન ફ્રી ની સ્કીમ સાથે હું આજીવન નુડલ્સ સપ્લાય કરવા તૈયાર છું.''

''મારૃં પણ વચન છે કે આજીવન મારા કુટુંબને પણ ન મળ્યું હોય એટલા ડિસ્કાઉન્ટ સાથે વોડકાની ટાંકીયુની ટાંકી દેવા તૈયાર છું.'' હવે પરસોત્તમ પણ રંગમાં આવી ગયો હતો.

ઢોકળા ખાતા ખાતા મુછમાં હસતા હસતા નાનજીભાઈએ બંનેનું મૌન અભિવાદન કર્યું. પરસોત્તમ અને જયંતિ સમજી ન શક્યા કે હા પાડે છે કે ના.

હસી ખુશી દર પાંચ મિનિટે એકબીજાને ભેટી નવી નવી સસ્તી સસ્તી સ્કીમ એકબીજાને તાલી દેતા દેતા રજૂ કરતા હતા. અચાનક ટચલી આંગળી દેખાડી નાનજીભાઈ ઊભા થઈ અને નીકળી ગયા.

ફૂવાને અમેરિકા ફોન લગાડ્યો અને ડિનર પાર્ટીની જાણ કરી. અને એ પણ કહૃાું કે મારૃં અને તમારૃં કુટુંબ એક થઈ અને રહે તેવું ઇચ્છતા હો તો જયંતીના નુડલ્સ અને પરસોતમની વોડકા લિમિટમાં લઉ. બાકી ભૂખ્યા પેટે હવે માપ રહેશે નહીં.

ટપુફૂવા હજારો કિલોમીટર દૂર પણ પેટમાં ઊંધો ગેસ ચડે અને આકુળ વ્યાકુળ થાય તેમ આળોટવા મંડ્યા.

નાનજી એ છેલ્લે કહૃાું કે ''મને મેસેજ કરી દેજો. નહીં તો રોજ સવારમાં ૫ વાગ્યે હું યોગા ટીચરને મોકલી શીર્ષાસન કરાવીશ.''

''પરસોત્તમભાઈ તેલની ઘાણીમાંથી તેલ મોકલવાનું બંધ કરશે તો તમારી ગાડી બંધ થઈ જશે અને તમારે સાયકલ લઇ અને નીકળવું પડશે.''

''જયંતિની તો તમને ખબર જ છે. એવા મોબાઈલ મોકલશે કે ફોન કરતા જ સાયબર ક્રિમિનલ જેમ તમારો ડેટા અને બેંક બેલેન્સ ઉડાડી મૂકે છે તેમ તમારા ભૂતકાળના લફરા ઉજાગર થઈ જશે અને તમારી ઊંઘ ઊડી જશે. હું તો તમારૃં હિત ઈચ્છું છું એટલે આટલી મગજમારી કરૃં છું ફુવા.''

હવે જોઈએ કે ટપુ ફૂવા લઈને આવે છે કે. વોડકા, નુડલ્સ અને ઢોકળાનો નાસ્તો કાયમી મેનુમાં ઉમેરાઈ જાય છે.

વિચારવાયુઃ- ટેરીફના વધવાથી અમેરિકામાં ''ચાય પે ચર્ચા'' નહીં થઈ શકે. કારણ કે દસ ડોલરની ચા કરતા પાંચ ડોલરની વ્હીસ્કી ગમે તેમ બોલવાની છૂટ સાથે પોસાય. ''ઓછા ખર્ચા, ફાવે તેમ ચર્ચા''.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh