Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસનું કીચડિયું વિરોધ પ્રદર્શન અને... તંત્રની દોડધામ... વિના ચમત્કાર, નહીં નમસ્કાર...!

                                                                                                                                                                                                      

જામનગરના વોર્ડ નં.૬ ના રબડીરાજના મુદ્દે રસ્તાઓની દુર્દશા અને કમોસમી વરસાદ પછી ગંદકીના ખાબોચીયામાં બેસીને વિરોધ પ્રદર્શીત કરવાની કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગઈકાલે પહેલ કરી અને કાદવ-કીચડથી ખરડાયેલા કપડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું, તથા જો સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે, તો મેયરની ચેમ્બરનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલનની ચિમકી આપી, તે પછી નગરના આ વોર્ડના કાયમી સમસ્યાગ્રસ્ત રહેતા નગરજનોને આશા જાગી છે કે શાસકપક્ષની ઉપેક્ષાનો ભોગ બનતા રહેતા આ વિસ્તારની વેદનાને કમ-સે-કમ વાચા તો મળી !

જે વોર્ડે વિપક્ષને અવસરો આપ્યા અને સામા પ્રવાહે ચાલીને જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનાદેશ આપ્યો, તે પક્ષોની પ્રાથમિક ફરજ પણ છે અને ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા પછી સત્તાસ્થાને આવેલા પદાધિકારીઓની પણ જવાબદારી છે કે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ હલ કરે, પરંતુ માત્ર નિવેદનબાજી અને આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરતી રહેતી નેતાગીરીની વચ્ચે ખાનગીમાં ઈલૂ ઈલૂ ચાલતુ હોવાથી જે આશંકાઓ જાગી રહી હતી, તેને વિરામ આપીને શાસક અને વિપક્ષના નગરસેવકોએ સાથે મળીને આ વિસ્તારની કમનસીબ જનતાને ન્યાય આપવો જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં દમ જણાય છે.

કોંગ્રેસે વોર્ડ નં. ૬માં જ્યાં ધરણાં કર્યા તે ડિફેન્સ કોલોની, એરફોર્સ ગેઈટથી વાયુનગરનો દેશની સુરક્ષા માટે તૈનાત વાયુસેનાના મથકથી નજીકનો વિસ્તાર જ ગંદકીથી ખદબદતો હોય, ત્યારે આ વોર્ડમાં વિસ્તરેલી સંખ્યાબંધ સોસાયટીઓ, ટાઉનશીપો અને એપાર્ટમેન્ટોમાં વસવાટ કરતા હજારો નગરજનોની દશા કેવી હશે, તેની કલ્પના કંપાવનારી છે.

કોંગ્રેસના ધરણાં પછી અખબારો મીડિયામાં પડઘા પડતા એ ચોક્કસ સ્થળે ભલે તત્કાળ કામ હાથ ધરાયું હોય, પરંતુ અન્યત્ર આ વોર્ડમાં હજુ પણ ઘણાં સ્થળે ગંદકી છે અને રીંગરોડ સહિતના માર્ગો તો તદૃન બિસ્માર જ છે !

નગરના સોસાયટી વિસ્તારોમાં ઠેર-ઠેર તૂટેલા-ફૂટેલા માર્ગો અને તેમાં ભરાયેલા કાદવ-કીચડ અને કમોસમી વરસાદના પાણીમાં ઉત્પન્ન થતા જીવ-જંતુ અને મચ્છરોના કારણે જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પરિવહન અને પગપાળા અવર-જવરમાં પણ આ ગંદા ખાબોચિયાઓના કારણે અવરોધ ઊભો થઈ રહ્યો છે.

જામ્યુકોના તંત્ર અને પદાધિકારીઓ માટે વોર્ડ નં. ૬ કેમ અણમાનીતો હશે, તે જ આ વોર્ડના નગરજનોને સમજાતું નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં થતા મતદાનના અંદાજોનો માપદંડ હોય, તો એ પણ વિચારવું જોઈએ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આ જ વોર્ડની જનતા કોને ખોબલે ખોબલે મતો આપે છે., જો કે, લોકતંત્રમાં ચૂંટણી પછી આ પ્રકારના અંદાજો કે આંકડાઓને ભૂલી જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમાન ધોરણે "જનસેવા" કરવી જોઈએ અને એવું જ વર્તમાન શાસકો પ્રશાસકો પણ માનતા હશે, તેવી અવધારણા જૂઠી ન ઠરે, તે માટે હવે વોર્ડ નં. ૬ના તમામ વિસ્તારો માટે ઝડપભેર કદમ ઉઠાવશે અને રોડ-રસ્તા-સ્ટ્રીટ લાઈટ-ગટર-પાણી અને સફાઈ-સ્વચ્છતાને લગતી સમસ્યાઓ હળવી થશે તેવી આશા રાખીએ, અને માત્ર વોર્ડ નં. ૬ જ નહીં, સમગ્ર નગરના તમામ નગરજનો તથા ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત આખા મહાનગરની જનતાની મૂળભૂત જરૂરિયાતોને અવરોધતી સમસ્યાઓ દૂર થવી જોઈએ., તેવું ઈચ્છીએ.

વોર્ડ નં. ૬માં આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં તો મુખ્યમાર્ગ અને શેરી ગલીના માર્ગો એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે તેમાં ભરાયેલા વરસાદી પાણી અને કચરા-ગંદકીના કારણે અહીં વસવાટ કરતા પરિવારોના જામનગરના જ અન્ય વિસ્તારોમાં રહેતા તેના સગા-સંબંધીઓએ દિવાળી જેવા તહેવારોમાં મળવા આવવાનું પણ ટાળવું પડે તેવી સ્થિતિ હતી. આ ટાઉનશીપની સ્થાપનાને દોઢ દાયકો થવા આવ્યો હોવાથી અને ભૂગર્ભ ગટર, પાણી, ગેસની પાઈપલાઈનો વગેરે માટે વારંવાર ખોદકામ થયા પછી તેને સમતળ કરવામાં લાપરવાહી રખાઈ હોવાથી આમ પણ આંતરિક તમામ માર્ગો બિસ્માર થઈ ગયા હતા અને તેમાં ભારે વરસાદે વધારો કર્યો, અને હવે કમોસમી વરસાદ પછી તો આ ટાઉનશીપમાં રહેવું દુષ્કર થઈ ગયું છે, ત્યારે હવે એ ટાઉનશીપમાં અગ્રતાના ધોરણે મુખ્યમાર્ગ અને શેરી-ગલીઓના પેટા માર્ગોનું મજબૂત નવીનીકરણ થાય. અને તેની સાથે સાથે વરસાદી પાણીના ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને ત્યારે વરસાદમાં પણ જળભરાવ ન થાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ત્યાં રહેતા સેંકડો પરિવારો વોટર ટેક્સ સહિતના તમામ કરવેરા ભરે છે અને તમામ વિકાસકાર્યોમાં જામ્યુકોને સહયોગી બનતા રહ્યા છે. ત્યારે હવે આ દુર્દશામાંથી મૂક્તિની ઈચ્છા તો રાખે જ ને ?

આ જ પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના તિરૂપતિ વિસ્તારની ડઝનેક સોસાયટીઓ, યાદવનગર, નિલકંઠ તથા અન્ય નવી સોસાયટીઓમાં પણ છે. આ તમામ સમસ્યાઓ તરફ પક્ષ-વિપક્ષનું ધ્યાન પણ દોરવામાં આવતું રહ્યું છે. હવે જ્યારે કોંગ્રેસના નેતાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે વોર્ડ નં. ૬માંથી ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિઓ પણ અવાજ ઉઠાવશે અને વોર્ડ નં. ૬ સહિત નગરના તમામ વોર્ડની જનતાની સમસ્યાઓ ઉકેલાશે, તો જ આગામી જામ્યુકોની ચૂંટણીમાં જનાદેશ મળશે તે ભૂલવું ન જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh