Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન ૬ મહિનાથી યુદ્ધની તૈયારી કરતા હતા!
ઈરાન સામે યુદ્ધ લડવા માટે અમેરિકા અને ઈઝરાયલ એ લગભગ ૬ મહિના સુધી ઘનિષ્ઠ તૈયારીઓ કરી. ભૂમધ્ય સાગરમાં જંગી જહાજો ખડક્યા, ઈરાનની ઘેરબંધી કરવા માટે આસપાસના દેશોમાં સેનાની જંગી જમાવટ કરી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના આમ તો એક વર્ષથી નગારા વાગી રહૃાા હતા. ભારત જેવા મહાસત્તા થવા થનગનતા દેશે આ યુદ્ધની તૈયારીને કેમ ગંભીરતાથી લીધી નહીં? ઈરાન અને તેની હોર્મુઝ જળ ખાંચો ક્રૂડ અને ગેસના પરિવહન માટે બહુ મહત્ત્વનું સ્થાન છે. ઈરાન યુદ્ધ થાય તો આપણને શું અસરો થાય તેનો અભ્યાસ કર્યો નથી. આપણું વિદેશ વિભાગ લગભગ અંધારામાં રહૃાું હોય તેમ ગેસની અછત ઉપરથી લાગી રહૃાું છે. હવે સરકાર અંધારામાં ગોળીબાર કરી બચવાના ફાંફાં મારે છે.
નબળા માણસને નાનામાં નાના રોગો વળગે. રોગ પ્રતિકારક હોય તેવી તંદુરસ્તી હોવી જોઈએ. વર્તમાન ઈરાન યુદ્ધમાં આપણને 'ગેસ ટ્રબલ' થઈ ગઈ. હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ આપણાં રસોડામાં બહુ જલદી અને ગંભીર રીતે ઘૂસી ગયું. વ્યક્તિને જેમ ઓક્સિજન જીવિત રાખે છે તેમ પેટ્રોલ, ડીઝલ, રાંધણ અને વાહન ગેસ સમાજ અને દેશને ધમધમતો અને દોડતો રાખે છે. ઈરાન યુદ્ધને કારણે બાટલા તકલીફ ઊભી થઈ તે ઘટનાને હવે આપણે બહુ ગંભીરતાથી લેવી જોઈએ.
ઈરાન યુદ્ધથી એક મોટી શીખ લેવી જોઈએ. અમેરિકાએ પચાસ વર્ષમાં વસ્તી અને વાહન વધારો થવા છતાં નવી ઓઇલ રિફાઈનરી નાખી નથી. તો પણ આજે ત્યાં રાંધણ ગેસની સમસ્યા ઊભી થયાના અહેવાલો નથી! હા, ગેસોલીનના ભાવ જે બે ડોલર હતા તે વધીને પોણા ચાર ડોલર થઈ ગયા છે. જી-૨૦ જૂથના ૧૬ દેશોમાં ઈંધણના ભાવો યુદ્ધને કારણે વધ્યા છે, જ્યારે ભારત સહિત ૪ દેશોમાં પેટ્રોલ ડિઝલના ભાવ જેમના તેમ છે. અમેરિકામાં તંગી નથી પડી ત્યારે એવું ધારી શકાય કે, ઈરાન સાથે યુદ્ધની તૈયારી સમયે કદાચ ત્યાં આ બાબતે પૂર્વ આયોજન થયું હોવું જોઈએ. અમેરિકા ઈંધણની મોટા ભાગની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે ત્યારે તેને ઓઇલના મોટા ઉત્પાદકો એવા રશિયા, વેનેઝુએલા અને ઈરાન સાથે બારમો ચંદ્રમા છે. આમ છતાં ત્યાં સમસ્યા નથી થઈ તે મોટું આશ્ચર્ય છે. ભારત તો આમાં ક્યાંય પિક્ચરમાં નથી તોય, રાંધણ ગેસની સમસ્યા વકરી અને આ લેખ છપાશે ત્યારે શું હાલત હશે તે નક્કી નથી!
જામનગરમાં છેલ્લા થોડા સમયમાં દેશની બહુ મોટી સુરક્ષા એજન્સીઓ દ્વારા બે મોક ડ્રિલ કરવામાં આવી. ત્રાસવાદી હુમલા સમયે ઊભી થતી આપત્તિને નિવારવા માટે શું શું પગલાં લેવા જોઈએ અને લઈ શકાય તેનું ગહન મનોમંથન થયું. બહુ સારી વાત છે. વિશ્વમાં સર્જાતી ઘટનાઓ બાબતે પણ સમયાંતરે મોકડ્રીલ થવી જોઈએ.
વિચારો
હવે પગપાળા હુમલા કે ઘાતનો સમય ભૂલી જવો જોઈએ. નવી યુદ્ધ નીતિમાં હવાઈ હુમલા કે સાયબર હુમલા મહત્ત્વના મનાય છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઇરાનના ટ્રાફિક કેમેરા હેક કરી સુપ્રીમ લીડર ઉપર મિસાઇલ મારો કરવામાં આવ્યો. ખેલ ખલ્લાસ!
ઉડતા હવાઈ જહાજ ઉપર સાયબર એટેક કરવામાં આવે અને આંધળું વિમાન ભર આકાશેથી ભોંય ભેગું થઈ જાય. અસંખ્ય લોકો ભોગ બને. ખેલ ખલ્લાસ!
ઓઇલ રિફાઇનરીઓ ઉપર સાયબર એટેક કરવામાં આવે અને ઓપરેશન ઠપ્પ કરી દેવામાં આવે તો ખેલ ખલ્લાસ!
દેશને ઈંધણ પૂરા પાડતા મહત્ત્વના સ્થળો ઉપર ડ્રોન હુમલાઓ કરવામાં આવે અને દેશ ગુંગળાઈ મરે તેવા અતિ આધુનિક યુદ્ધના દિવસો દૂર નથી.
મોકડ્રીલ તો દુર્ઘટના આસપાસના સ્થળોને અસર કરે છે. પરંતુ આખા દેશમાં થનાર અસરો માટે શું આપણે વિચાર્યું છે ખરૃં?
યુક્રેન અને ઈરાન યુદ્ધ દ્વારા એ પ્રસ્થાપિત થઈ ગયું કે, હવે જમીની યુદ્ધ કે પાયદળ યુદ્ધના જમાના ગયા. હવે આકાશી આફતોની જ તૈયારી કરવી પડે. ભારતના સરક્ષણ સંશોધન સંસ્થા અને ઇસરો હવાઈ આક્રમણ બાબતે ઊંડા સંશોધન કરી રહૃાા છે. નવા યુદ્ધમાં તો રિફાઇનરી કે મોટા બંધો ઉપર હુમલા કરવાની જરૂર નથી રહી. આકાશમાં તરતા ઉપગ્રહોનો નાશ કરી અરાજકતા ફેલાવી શકાય છે. ઇન્ટરનેટ ઠપ્પ, એટલે જનજીવન ઠપ્પ!
આપણે ત્યાં સુધી વિચારવું નથી. આપણે તો યુદ્ધના સંજોગોમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની કટોકટી સર્જાય તો શું કરવું? તેની એન્જિયોગ્રાફી કરવી છે.
પુરવઠા વિભાગ
વર્તમાન સમયમાં રાંધણ ગેસની સાચી પરિસ્થિતિ શું છે તે ખબર નથી પડતી. સરકાર અને વહીવટી તંત્ર સબ સલામતના દાવા કરે છે અને ગેસ વિતરણ કેન્દ્રો ઉપર લાંબી કતારોના સમાચારો અને ફોટા જોવા મળે છે. ગુજરાતમાં રાંધણ ગેસ અને વાહન ઈંધણ માટે 'પુરવઠા વિભાગ' કામ કરે છે. નાગરિકોને શુદ્ધ, પૂરતું અને સમયસર ઈંધણ મળે તેની દેખરેખ રાખે છે. જિલ્લા કલેકટર તેના વડા અધિકારી છે અને તેના હાથ હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી હોય છે.
જનસંખ્યા વધવા સાથે આ વિભાગ વધ્યો નથી તે હકીકત છે. ટાંચા સાધનો અને ઓછા સ્ટાફ સાથે તે કામ કરતો હોવાથી અસરકારકતા ઘટી છે.
વર્તમાન સંજોગોમાં રાંધણ ગેસ અછતને આપણે બહુ ગંભીરતાથી લેવી જોઈએ.
શું પુરવઠા વિભાગ પાસે આકસ્મિક કટોકટીને પંહોચી વળવા 'ડિઝાજસ્ટર પ્લાન' છે ખરો? ઈંધણ પુરવઠો ઓછો થાય ત્યારે શું કરવું? હવે રિફાઇનરીઓ, પોલીસ હેડક્વાર્ટર કે કલેકટર કચેરી સુધી મોકડ્રીલ સીમિત રાખવી યોગ્ય નથી. હથિયારોથી હુમલા થશે તેવું માનવું અયોગ્ય છે. હુમલા સમયે હોસ્પિટલમાં પથારીઓ કેમ પાથરવી તેના આયોજન સાથે 'તંગી નિવારણ આયોજન' કરવાનો સમય પાકી ગયો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈંધણ પુરવઠાની મોકડ્રીલ પણ હવે કરવી જોઈએ.
વર્તમાન સમસ્યા
એક તરફ મુખ્યમંત્રી સહિત ટોચના વહીવટી અધિકારીઓ વારંવાર કહે છે કે, રાંધણ ગેસની અછત નથી. પુરવઠો પૂરતો છે. બીજી તરફ લોકોની કાગારોળ મચી છે. અંગ્રેજીમાં અને 'પેનિક બાઈંગ' અને ગુજરાતીમાં સંગ્રહખોરી કહેવાય. રાંધણ ગેસની બીજી બાજુ પણ છે. આપણે ત્યાં ઘરેલુ બાટલાની કિંમત સસ્તી છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા છે. એટલે અનેક ધંધાદારી એકમો યેનકેન પ્રકારે ઘરેલુ બાટલાથી ધંધો કરે છે, જેનો વપરાશ બહુ વધુ અને ઝડપી છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડનો ધંધો પણ બહુ મોટો છે. આ લારી ગલ્લાઓ મોટા ભાગે ધંધા માટે સસ્તો ઘરેલુ ગેસ વાપરે છે. જે સંપૂર્ણ ગેરકાયદે છે. પુરવઠા તંત્ર આ મહાકાય બજારને પંહોચી વળવા સક્ષમ નથી અથવા નિષ્ક્રિય છે.
હાલમાં ગેસ વિતરણ એજન્સીઓ ઉપર જે મોટી લાઈનો અને અવ્યવસ્થા જાણવા, જોવા મળે છે તેમાં મોટા ભાગના આવા ગેરકાયદે બાટલા વાપરતા લોકો છે. જેને મહિને ૩૦ થી ૪૫ બોટલોની જરૂર પડે છે. સોના, ચાંદી જેવા કામોમાં પણ ગેસની જરૂર પડે છે, તે પણ ઇકડમ તિકડમ કરી સસ્તા બાટલા વાપરે છે.
વિતરણ વ્યવસ્થા ઉપર આવા લોકોનું ભારણ તંગી સમયે વધી જાય તે સ્વાભાવિક છે. પરિણામે અંધાધૂંધી સર્જાય છે.
માનસિકતા
આપણી સામાન્ય દિવસોમાં પણ માનસિકતા બહુ નબળી રહે છે. ઈંધણ સોના કરતા પણ મોંઘી અને દુર્લભ ચીજ છે. આપણે પેટ્રોલ કે ડિઝલ બાળીને ભેળ ખાવા ધ્રોલ જઈએ. રાજ્કોટવાળા જમવા માટે ચોટીલા દોડે, દ્વારકાવાળા ખંભાળિયા ઉપડે! આપણે આવી ઉડાવ માનસિકતા હવે છોડવી પડશે. ધંધાના કામે સસ્તું ઘરેલુ સિલિન્ડર ન વાપરીએ. આફતના સમયે આપણે હવે તંદુરસ્ત માનસિકતા વિકસાવવી પડશે. બાળકને પરીક્ષા હોય ત્યારે આખું ઘર શિસ્તબદ્ધ બની જાય છે. તેમ અફતના સમયે પણ આવી માનસિકતા રાખવી જોઈએ. આપણો દેશપ્રેમ પણ ક્ષણિક અને ફટાકિયો હોય છે. ચીનનો બહિષ્કાર કેટલો ટક્યો તે આપણને ખબર છે. ઈરાન સાથે અમેરિકાએ સિંગડા ભરાવ્યા તેથી ક્રૂડ ઓઇલ પુરવઠો ઘટ્યો. ગેસ માટે લાંબી લાઈનો લાગવા લાગી. આવા સમયે પેનિક બાઈંગ ન થવું જોઈએ. ગેસનો વપરાશ ઘટાડવો જોઈએ. મોટી તકલીફ એ છે કે, મુશ્કેલીમાં અફરાતફરી સર્જાય છે. લાઈનો લાગે, કાળા બજાર થાય, અફવાઓ ફેલાય.
જે બાબતની આફત આવે તે બાબતે શાંતિ રાખવી, અફવાઓથી દૂર રહેવું, અન્યને મદદ કરવી, કરકસર કરવી, જરૂરીયાતો ઘટાડવી તે પ્રાથમિક ફરજ છે. આવી માનસિક તંદુરસ્તી બાબતે શાળા અને મહાશાળામાં બાળકોને જાગૃત કરવા જોઈએ. 'આફતમાં અનુશાસન' શિક્ષણનો એક ભાગ હોવો જોઈએ.
લાંબુ વિચારો
આપણને લાંબુ અને મહત્ત્વનું વિચારવાની આદત નથી. દુનિયાને હવે 'ગ્લોબલ વિલેજ' તરીકે ઓળખવામાં આવે છે ત્યારે નવી વિચારધારા શરૂ કરવી જોઈએ. આપણે પાકિસ્તાન અને અફઘનિસ્તાન યુદ્ધને ગંભીરતાથી લેતા નથી તે પણ ખોટું છે. ૧૫-૨૦ વર્ષમાં અમેરિકન દાદા પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા ઉપર નજર બગાડે તો આપણી શું હાલત થાય? ચીન સામે બાથ ભીડવા માટે અમેરિકાને ભારતીય ઉપખંડમાં પગદંડો જમાવવો પડે તેમ છે. તેથી આ પાડોશી દેશોમાં ત્રાટકી શકે છે.
પેટ્રોલ, ડિઝલ અને ગેસ બાબતે આપણે બહુ અંધારામાં હોઈએ તેમ લાગે છે. અમેરિકાની ઘેરાબંધીથી ગુયાના નામનો દેશ હાલમાં ભિખારી બની ગયો છે. ત્યાં ત્રણ સપ્તાહથી અંધારપટ છે. ઈંધણના અભાવે અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. દુનિયા ગુયાના અને તેના પાટનગર હવાના બાબતે સંપૂર્ણ અંધારામાં જ છે. ભારતે હવે વિદેશ અભ્યાસ વધુ સતર્ક અને ગહન કરવાની જરૂર છે.
ઇરાને હાલમાં તે યુદ્ધમાં દુશ્મનોને સમર્થન ન આપતા દેશોને ઈંધણ વહન કરવાની છૂટ આપી છે. જેમાં ભારતનો સમાવેશ થાય છે.
'નોબત'ના વાચકો અને ચાહકો આ સંકટમાં શાંતિ અને સ્વસ્થતા રાખે તેવી વિનંતી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial