Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાં તારીખ ૧ર ઓક્ટોબરે
જામનગર તા. ૯: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામના ભાણજીબાપુ દલ જાડેજા કે જેમણે જામનગરના જામસાહેબના સૈન્યમાં મહત્ત્વપૂર્ણ આગેવાની લઈ બે વખત અકબરની સેનાને કારમી હાર આપી હતી, ભૂચરમોરીના યુદ્ધમાં પણ અકબરની સેનાને પીછેહઠ કરાવેલ અને યુદ્ધમાં શૌર્ય દાખવીને વીરગતિ પામ્યા હતાં તેવા શુરવીર હુતાત્મા ભાણજીબાપુ દલ જાડેજાની પૂર્ણ કદની પ્રતિમાનું લાલપુરમાં સ્થાપન કરી તેનું અનાવરણ કરવાનો સમારોહ તા. ૧ર-૧૦-ર૦રપ ના રવિવારે સમસ્ત લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે.
આ ભવ્ય સમારોહ અને તેને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવિણસિંહજી જાડેજા (સેવક ધુણિયા), દિગુભા જાડેજા, ઈતિહાસવિદ્ પ્રવિણસિંહ જાડેજા, મોટીવેશન સ્૫ીકર પે.એમ. જાડેજાએ સંબોધન કરી વિસ્તૃત વિગતો આપી હતી. સંચાલન પ્રવિણસિંહ જાડેજા (લાખાણી) એ કર્યું હતું, જ્યારે આભારદર્શન દિલીપસિંહ જાડેજાએ કર્યું હતું.
તા. ૧ર-૧૦-ર૦રપ ના લાલપુરમાં વીર સાવરકર હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સવારે ૭ વાગ્યે યજ્ઞ યોજાશે. ત્યારપછી સવારે ૮ વાગ્યે રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, કળશધારી બાળાઓ, રાજપૂત સમાજના બહેનો મોટી સંખ્યામાં જોડાશે. આ શોભાયાત્રામાં ભાઈઓ-યુવાનો માટે સફેદ શર્ટ, જભ્ભાનો ડ્રેસકોડ છે અને પાઘડી-સાફા ધારણ કરશે, પણ તલવાર કે અન્ય શસ્ત્રો સાથે રાખવામાં નહીં આવે. ડીજે કે સાઉન્ડનો ઘોંઘાટ નહીં હોય, પણ ઢોલ-શરણાઈ સાથે શાંતિપૂર્ણરીતે શોભાયાત્રા યોજાશે.
લાલપુરમાં સરદાર પટેલ, ડો. આંબેડકર, દેવાયત બોદર સહિતના પાંચ વિભુતિઓને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનો આરંભ થશે જે વીર સાવરકર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર સંપન્ન થશે. જ્યાં ભાણજીબાપુ દલ જાડેજાની વિશાળ અને પૂૃણકદની પ્રતિમાનું અનાવરણ કરવાનો સમારોહ સવારે ૯-૩૦ વાગ્યે યોજાશે.
આ પ્રસંગે આશીર્વચન પાઠવવા ગોરક્ષનાથ આશ્રમ, જૂનાગઢના મહંત શેરનાથજી બાપુ તથા વૈદિક મિશન ટ્રસ્ટના આચાર્ય ધર્મબંધુજી મહારાજ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉદ્ઘાટક તરીકે ઉત્તરપ્રદેશ સરકારના રાજ્યમંત્રી ઠાકુર દિનેશ પ્રતાપસિંહ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં હાલારના બન્ને જિલ્લાના રાજપૂત સમાજના રાજકીય આગેવાનો, સમાજ સંગઠનના વિવિધ પાંખોના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, અગ્રણી મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ અનાવરણ વિધિ પૂર્ણ થયા પછી સવારે ૧૦ વાગ્યે 'ક્ષત્રીય સમાજ': સુવર્ણ ભૂતકાળથી ઉજ્જવળ ભવિષ્ય તરફ વિષય પર ચિંતન શિબિર યોજાશે. જેમાં તજજ્ઞ વક્તાઓના પ્રવચન યોજાશે, અને ત્યારપછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
શૌર્યવીર ભાણજીબાપુ દલ જાડેજાની શૌર્યગાથા
બીજા જામશ્રી રાયધણજી (સંવત ૧૩૩૧ થી ૧૩૭૭ ગાદીનો સમય) ના ત્રીજા રાજકુમાર લાખાજીના પુત્ર દલુજી (જન્મ સંવત ૧૩૩પ) થયા. તે બહાદુર, પરાક્રમી, શૌર્યવાન તેમજ દીર્ઘદૃષ્ટા પુરૂષ હોવાથી તેના નામથી દલ શાખાની શરૂઆત થઈ તેના વંશમાં ભાણજીબાપુ દલ થયા. જ્યારે-જ્યારે જામનગરના રાજવીઓના લડાઈના સંજોગો ઉભા થયા ત્યારે ભાણજીબાપુ દલ પોતાના ભાયાતો સાથે જામનગર રાજવીઓની મદદ કરવા પહોંચી જતા હતાં અને શૌર્યતાપૂર્વક લડાઈ લડીને અપ્રતિમ શૌર્ય દાખવેલ અને જામનગર રાજવીઓનો લડાઈ જીતાડવામાં તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા હતાં. જેમાં મુખ્ય ચાર યુદ્ધોમાં ભાણજીબાપુ દલે પોતાના ભાયાતો સાથે બાહુબળની સારી એવી મદદ પૂરી પાડી હતી. ભાણજીબાપુ દલ જાડેજાએ વિક્રમ સંવત ૧૬૩૩ માં જૂનાગઢના યુદ્ધમાં અકબરની સેનાને હરાવી હતી. જૂનાગઢના નવાબે જામ સતાજી પાસે મદદ માગી હતી. વિક્રમ સંવત ૧૬૪૦ માં જામનગરમાં ખેલાયેલા તમાચણ યુદ્ધમાં પણ રાણાજીબાપુની આગેવાનીમાં જામસતાજીના સૈન્યએ જીત મેળવી હતી, જ્યારે વિક્રમ સંવત ૧૬૪૮ માં જાડેજાઓના કુરૂક્ષેત્ર એવા ભૂચરમોરીના યુદ્ધમાં ભાણજીબાપુ દલ જાડેજા સાથે દગો થયો અને તેઓ વીરગતિ પામ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial