Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનને પંપાળવા પાછળ તેલનો ખેલ નહીં, પરંતુ રિયલ અર્થ મિનરલ્સનો એજન્ડા

'ટ્રમ્પ કહાં પે નિગાહે, કહાં પે નિશાના'ની નીતિરીતિ અપનાવી રહ્યા છેઃ ચીન પણ શાણુ છે!

                                                                                                                                                                                                      

વિશ્વમાં ઘણાં સમિકરણો બદલાઈ રહ્યા છે અને મેદાની, દરિયાઈ, પહાડી, હવાઈ અને આધુનિક યુગના સાયબર તથા સ્પેસના ક્ષેત્રે સંઘર્ષો, સ્પર્ધાઓ અને યુદ્ધોની ભેળસેળ થઈ રહી છે, તેમાં હવે વ્યાપાર યુદ્ધે નેતૃત્વ લઈ લીધું હોય તેમ જણાય છે, અને તેનું કારણ અમેરિકાના નોબેલ ઘેલા બનેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તદ્ન ઢંગધડા વગરની તથા અસ્પષ્ટ ટેરિફ પોલિસી છે. આ પોલિસીમાં વૈશ્વિક નીતિ-નિયમો, પરંપરાઓ, મર્યાદાઓ અને સમજુતિઓને નેવે મૂકીને મનઘડંત અને તરંગી ગતિવિધિઓ અને માપદંડો વગરના મૂલ્યાંકનોના કારણે આજે વિશ્વ અનિશ્ચિતતાઓ અને આર્થિક અંધાધૂંધીમાં ધકેલાઈ રહ્યું છે.

તેલનો ખેલ

આપણે ગુજરાતમાં તેલનો અર્થ ખાદ્યતેલના સ્વરૂપમાં કરીએ છીએ, પરંતુ વૈશ્વિક ધોરણે ક્રૂડના બેરલ્સનો વ્યાપાર તથા ઓઈલ એન્ડ નેચરલ ગેસ એજન્સી (ઓએનજીસી) જેવા પૃથ્વીના પેટાળમાં પડેલા પેટ્રોલિયમ પેદાશો તથા નેચરલ ગેસની શોધખોળ કરીને તેને કૂવાઓ દ્વારા બહાર લાવીને તેનો વ્યાપાર કરવાની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને વર્તમાન સમયમાં જે વૈશ્વિક ખેંચતાણ ચાલી રહી છે, તેને 'તેલનો ખેલ' કહે છે. અહિં ઓઈલ એટલે કે ક્રૂડના પ્રોડક્શન અને તેનો સીધો વેપાર કરવાના સંદર્ભે એવું પણ કહી શકાય કે વિશ્વમાં તેલના ખેલે સમિકરણો બદલી નાંખ્યા છે.

રિફાઈનરીઓ

પૃથ્વીના પેટાળમાંથી નીકળતા ક્રૂડ-ઓઈલને રિફાઈન કરીને તેમાંથી વિવિધ પેટ્રોલિયમ પેદાશો છૂટી પાડીને પેટ્રોલ, નેચરલ ગેસ, ડિઝલ, કેરોસીન વિગેરેની માર્કેટ ઊભી કરવા સુધીની કોમર્શિયલ એક્ટિવિટીમાં આજે ભારતની અગ્રીમ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. અમેરિકા, ખાડીના દેશો અને રશિયા જેવા દેશો ક્રૂડ-ઓઈલના પ્રોડક્શનમાં વર્ચસ્વ ધરાવે છે, જેના ચીન, ભારત તથા યુરોપ અને એશિયાના ઘણાં દેશો મોટા ગ્રાહકો છે. આ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા પેટ્રોલિયમ પેદાશો આધારિત વૈશ્વિક માર્કેટમાં ટ્રમ્પની નવી ટેરિફ નીતિએ હલચલ મચાવી દીધી છે, અને પાકિસ્તાનને પોતાની ગોદમાં બેસાડીને ત્યાંના પરોક્ષ સત્તાધીશ સેનાધ્યક્ષ મુનિરના માધ્યમથી ડોનાલ્ડ ટ્રમ્પ કાંઈક નવો જ ખેલ ખેલી રહેલા જણાય છે.

પાકિસ્તાન સાથે નવા કરાર

અમેરિકાએ પાકિસ્તાનમાં તેલ સંશોધન એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ક્રૂડ-ઓઈલનું સંશોધન કરવાના નવા કરારો કર્યા હોવાના અહેવાલોએ જે-તે સમયે આશ્ચર્ય જન્માવ્યું હતું, પરંતુ હવે તેના 'અસ્સલ' કારણો સામે આવવા લાગ્યા છે, અને અમેરિકાની 'કહીં પે નિગાહે... કહીં પે નિશાના' જેવી 'હિડન પોલિસી'નો પર્દાફાશ થયો છે.

રિયલ અર્થ મિનરલ્સ પર નજર

અમેરિકાની નજર નેચરલ પ્રોડક્શન્સ તથા રિયલ અર્થ મનિરલ્સ પર છે. પાકિસ્તાનમાં ઘણાં રિયલ અર્થ મિનરલ્સ નીકળે છે, પરંતુ જેનો સેમી કન્ડક્ટરમાં મુખ્ય ઉપયોગ થાય છે, તે તાંબા (કોપર) જેવી ખનિજોના ભંડાર પર અંકુશ જમાવવાની અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે.

મુનિરે બલુચિસ્તાન વેંચી નાંખ્યુ?

પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ ટ્રમ્પને પણ આંટો મરાવે તેવા પાક્કા વેપારીઓ બની ગયા છે અને વર્તમાન સેનાધ્યક્ષ મુનિર તેમાં અગ્રીમ હરોળમાં છે. તાંબા સહિતની રિયલ અર્થ મિનરલ્સ એટલે કે પૃથ્વીના પેટાળમાં પડેલી મૂલ્યવાન ખનિજો બલુચિસ્તાનમાંથી નીકળતી હોવાથી ટ્રમ્પે મુનિરને પટાવીને ખાનગીમાં એ રિયલ અર્થ મિનરલ્સ પર કબજો જમાવવાનો કારશો રચ્યો હોવાનું કહેવાય છે, અને મુનિરે ટ્રમ્પને બલુચિસ્તાન વેંચી માર્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પાકિસ્તાનની આઝાદીથી જ બલુચિસ્તાન પોતે સ્વતંત્ર દેશ હોવાનો દાવો કરી રહ્યું છે અને ખનિજથી સમૃદ્ધ બલુચિસ્તાન પર કબજો જમાવવા અમેરિકાએ શકુનિચાલ ચાલી છે. હકીકતે બલુચિસ્તાનની સ્વાતંત્ર્ય ચળવળ ચલાવતી સેના બલુચ લિબરેશન ફ્રન્ટ પાકિસ્તાનની નમાલી સેનાને હંફાવી રહી છે. મુનિરે ટ્રમ્પ સાથે સોદાબાજી કરીને બલુચની સ્વાતંત્ર્ય ચળવળ ચલાવતી સેના બીએલઓને જ આતંકવાદી સંગઠન જાહેર કરાવ્યું, તેની પાછળ અમેરિકાની રિયલ મિનરલ્સ (ખનિજો) પર એકહથ્થુ કબજો જમાવવાની મેલી મુરાદ જ કામ કરી રહી હોય તેમ જણાય છે.

રિયલ મિનરલ્સનો ખજાનો

હકીકતમાં અમેરિકાને પણ ખબર છે કે ભારત તેના ઈશારે નાચે તેમ નથી અને ભારત તથા ચીન વચ્ચે પણ ગાઢ વ્યાપારિક સંબંધો છે. રશિયાનો પ્રયાસ ભારત, ચીન અને રશિયાનું ગઠબંધન રચીને અમેરિકાને પછાડવાનો છે, પરંતુ ભૂતકાળથી વર્તમાન સુધીના અનુભવોના કારણે ભારત ચીનનો ભરોસો કરી શકે તેમ નથી. બીજી તરફ ચીનને પણ આર્થિક કોરિડોર માટે પીઓકે અને બલુચિસ્તાનમાંથી પસાર થવું પડે તેમ છે. તે ઉપરાંત ચીનની નજર પણ પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં રહેલા ખનિજોના ભંડાર પર પહેલેથી જ છે.

હવે અમેરિકા-ચીન વચ્ચે રિયલ અર્થ મિનરલ્સના વર્ચસ્વની લડાઈ

બલુચિસ્તાન સહિત પાકિસ્તાનની ખનિજો માટે હવે અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ વધશે, જેનો પ્રભાવ પાકિસ્તાન પર સીધી રીતે પડશે અને ચીન અને અમેરિકા વચ્ચે સેન્ડવીચના વેજીટેબલ જેવી સ્થિતિમાં મૂકાયેલા પાકિસ્તાન અને તેની જનતાના ભાગે બરબાદી સિવાય કાંઈ નહીં આવે, પરંતુ મુનિર એન્ડ કાું., ટ્રમ્પનો પરિવાર તથા કેટલાક બ્યુરોક્રેટ્સ જરૂર માલામાલ થઈ જશે.

જાપાન-ચીનનો પીએમનો પ્રવાસ

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાન તથા ચીનનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે એ દરમિયાન અમેરિકાને કાઉન્ટર કરવાના નવા સમિકરણો રચાઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh