Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી વરસાદની નવી આગાહી થવા લાગી છે અને નવા એલર્ટ જાહેર થયા છે, આવતીકાલથી થનારા કેટલાક ફેરફારોની દૂરગામી અસરો થવાની છે, અને કુદરતી માહોલની સાથે સાથે રાજ્યનો રાજકીય માહોલ પણ કરવટો બદલી રહ્યો હોય, તેમ જણાય છે, કારણ કે પ્રદેશ કોંગ્રેસ, એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ રાજ્યમાં એકદમ સક્રિય થઈ ગયા છે અને રાષ્ટ્રીય કોંગ્રેસના નકશાકદમ પર રાજ્યોમાં પણ વોટચોરીના ગંભીર આક્ષેપો અને સુત્રોચ્ચારો સાથે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જોરશોરથી શરૂ કરી દીધા છે.
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું ગઈકાલે આયોજન થયું, અને આ પ્રકારના કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે આ આક્રમક દેખાવો, સુત્રોચ્ચારો તથા સત્યાગ્રહોએ રાજ્યના લોકોનું ધ્યાન તો ખેંચ્યું જ છે, પરંતુ તેની દેશવ્યાપી અસરો પણ દેખાવા લાગી છે. કોંગીનેતાઓએ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પક્ષે "વોટચોરી"નું મોડલ ઊભું કર્યું છે.
કોંગ્રેસ રાજ્યમાં વોટચોર, ગાદી છોડના નારાઓ લગાવીને ગગન ગજવી રહી છે. કોંગ્રેસ નેતાઓએ આ બેનર હેઠળ શરૂ કરેલી ચળવળના ભાગરૂપે રેલીઓ, પ્રદર્શનો, કૂચ, સત્યાગ્રહ અને મતાધિકાર જાગૃતિ યાત્રાઓ યોજાઈ રહી છે.
કોંગ્રેસના સાંસદ ગેનીબેને તો ભાજપ પર ગંભીર આક્ષેપો કરીને કહ્યું હતું કે ભાજપે ગુજરાતમાં વોટચોરીનું મોડલ ઊભું કર્યું છે, અને વર્ષ-૨૦૧૭ની ચૂંટણી સમયે સાડા સાત હજાર જેટલા બોગસ મતદારો સામે કોઈ પગલા લેવાયા નહોતા, અમિત ચાવડાએ કહ્યું કે કોઈ કેન્દ્રીય મંત્રીના મતક્ષેત્રમાં જો બોગસ વોટર્સનું લિસ્ટ મળી આવે તો તે શરમજનક બાબત ગણાય, તેમણે ઘોષણા કરી કે રાજ્યના તમામ મતક્ષેત્રોમાંથી બોગસ વોટર્સ શોધી કાઢવા કોંગ્રેસ અલાયદું આંદોલન કરશે., આ ઉપરાંત ગુજરાતમાં બેરોજગારી તથા દેશમાં મોંઘવારી સહિતના મુદ્દે પણ પ્રદેશ કોંગ્રેસના વિવિધ ઘટકો તમામ જિલ્લાઓમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપશે, તેવું પણ જાહેર કરાયું છે.
બીજી તરફ ભારતીય જનતાપક્ષ દ્વારા ઈન્ડિયા ગઠબંધન પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો વિશ્લેષકો "ચોરનો ભાઈ ઘંટી ચોર" ની કહેવત મુજબ પ્રવર્તમાન સમયમાં લગભગ તમામ રાજકીય પક્ષોમાં કોઈ મોટો તફાવત નથી, તેમ જણાવીને ભાજપ સામે ઊભા થઈ રહેલા આંતરિક અને બાહ્ય પડકારો જોતા ગમે ત્યારે કાંઈપણ થઈ શકે છે અને પોલિટિકલ સુનામી આવી શકે છે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જે રાજ્યમાં કરવટ બદલી રહેલી રાજનીતિના સંકેતો આપી રહ્યા છે. કોઈએ હાલમાં ગુજરાતમાં ૬૨લાખ જેટલા બોગસ મતદારો હોવાના આક્ષેપો કર્યા પછી ગુજરાતમાં પણ બિહાર ફેઈમ રાજકીય હલચલ થવા લાગી હોય, તેમ જણાય છે.
અત્યારે એસઆરઆઈના મુદ્દે બિહારથી ઉઠેલા વિરોધનો વંટોળીયો આખા દેશ પર છવાઈ ગયો છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું આંદોલનનું આ નવું મોડલ વધુ તેજ ગતિથી આગળ વધશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
કોંગ્રેસે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા મેગા પ્રોગ્રામના જે સંકેતો આપ્યા છે, તેની પાછળ પોલિટિકલ સરપ્રાઈઝનું ફેકટર પણ કામ કરી રહ્યું હોય, તેમ જણાય છે. કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે વોટચોરી પુરવાર થઈ ગયા પછી વડાપ્રધાને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.
અત્યારે "ગુજરાત મોડલ"ની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ગુજરાતનું વિકાસ મોડલ લઈને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા, તે પછી "ગુજરાત મોડલ"ની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે., કોંગ્રેસે ભાજપ પર ગુજરાતમાં વોટચોરીનું મોડલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યા પછી વળતા પ્રહારમાં ભાજપ તરફથી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહીં હોવાથી જુઠ્ઠાણાના આંદોલનનું નવું ગુજરાત મોડલ પ્રસ્તુત કર્યું હોવાના પ્રતિઆક્ષેપો લગાવાઈ રહ્યા છે. તેવા સમયે આમઆદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સામે ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલવા માટે એક અલગ જ પ્રકારના ગુજરાત મોડલને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. "ગુજરાત મોડલ" અત્યારે દેશવ્યાપી રાજનીતિ અને મુખ્ય સ્પર્ધક રાજકીય પક્ષોમાં સમરાંગણનો કેન્દ્રવર્તી મુદ્દો બની ગયું છે, જેને ઘણાં લોકો દેશને આઝાદી મળી, ત્યારથી આજ સુધી દેશની રાષ્ટ્રીય કક્ષાની રાજનીતિમાં ગુજરાતની ભૂમિકા તથા યોગદાનની ફલશ્રુતિ ગણાવીને ગુજરાતની ગરિમા ગણાવવાનું ગૌરવ પણ લઈ રહ્યા છે ને ?
હકીકતે અત્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ પર તમામ રાજકીય પક્ષોનું ધ્યાન કેન્દ્રિત થયું છે, અને દેશવ્યાપી ઘટનાક્રમો તથા રાજકીય, સામાજિક અને અન્ય જાહેર-ખાનગી કે પારંપરિક પ્રવૃત્તિઓમાં પણ બિહારની ચૂંટણીનો પ્રભાવ વર્તાઈ રહ્યો હોય તેવું લાગે છે. દેશમાં ચૂંટણી બિહાર વિધાનસભાની થનાર છે, પરંતુ તેના પ્રચંડ પ્રચારનો શોરબકોર આખા દેશમાં સંભળાઈ રહ્યો છે, અને તેમાં પણ વિવિધ પક્ષોે પર "ગુજરાત મોડલ" ના થઈ રહેલા પરસ્પર આક્ષેપો જોતા બિહારની ચૂંટણીમાં વિજય-પરાજયની ચાવી પણ ગુજરાતમાં જ હોવાની વ્યંગવાણી પણ સંભળાઈ રહી છે.
આ નારેબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો, દાવાઓ અને વાયદાઓ, સુત્રોચ્ચારો તથા વ્યાપક પ્રચાર-પ્રસાર વચ્ચે જનતાના મૂળભૂત મુદ્દાઓ, જરૂરિયાતો અને સળગતી સમસ્યાઓ તો જાણે વિસરાઈ જ ગઈ છે. પરસ્પર કીચળ ઉછાળીને પોતાના ઝભ્ભા પર ઓછા ડાઘ હોવાની દલીલો કરતા રાજકીયક્ષેત્રના નેતા-પ્રવક્તા તથા પેઈડ પોલિટિકલ પંડિતોના શોર-બકોર વચ્ચે હવે જનતાએ જ નક્કી કરવું પડશે કે કૌન સચ્ચા કૌન જૂઠ્ઠા ?
ડ્રગ્સની હેરાફેરી અને સ્મગલીંગમાં પણ "ગુજરાત મોડલ" ઊભું કરીને ડ્રગ્સ માફિયાઓએ રાજ્યના દરિયાકાંઠાથી લઈને દેશવ્યાપી નેગવર્ક ઊભું કર્યું છે. પોલીસતંત્રના આંકડાઓને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી લગભગ ૧૬ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે...જય જય ગરવી ગુજરાત...મેરા ભારત મહાન !!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial