Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૫ થી ૧૭ નવેમ્બર દરમિયાન મુખ્ય લગ્નવિધિઓઃ તા. ૭ થી ૧૫ સુધી દિવ્ય મનોરથ દર્શનનો લ્હાવોઃ
જામનગર તા. ૭: કાલાવડમાં આજથી 'દોહરો શુભલગ્ન પ્રસ્તાવ'નો દિવ્ય પ્રારંભ થયો છે અને આ શુભદિવસો દરમિયાન મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજનો થયા છે. પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોતમલાલજી તથા શ્રીગોપેશરાયજીના ત્રિદિવસીય લગ્ન પ્રસ્તાવ નિમિત્તે કાલાવડમાં ૨૦ એકરની બગીચીમાં 'રસિક સંકેતવન' આજથી અલૌકિક મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા શરૂ થઈ ગઈ છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે એક અભૂતપૂર્વ અને દિવ્ય અવસરના સાક્ષી બનવા કાલાવડ (શીતલા) નગર સુસજ્જ થયું છે. રસકુંજ હવેલી-રાજકોટ અને કમલકુંજ હવેલી-કાલાવડ આચાર્યગૃહના આંગણે, આજથી કારતક વદ ૨, તા. ૦૭ નવેમ્બર ૨૦૨૫થી *દોહરો શુભલગ્ન પ્રસ્તાવ*નો માંગલિક પ્રારંભ થયો છે. આ અલૌકિક પ્રસંગ અંતર્ગત આજે સાંજે ૫.૦૦ કલાકે શ્રીમદનમોહનપ્રભુ એવમ્ શ્રીબાલકૃષ્ણલાલપ્રભુ (શ્રીલાલન) રસકુંજ હવેલી-રાજકોટથી કમલકુંજ હવેલી-કાલાવડ (શીતલા) પધારી રહૃાા છે, જ્યાં પ્રભુની દિવ્ય, ભવ્ય અને અલૌકિક સ્વાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નગરને પાવન કરતી હવેલી પહોંચશે.
આ દૈદિપ્યમાન લગ્ન પ્રસ્તાવ નિમિત્તે કાલાવડ (શીતલા)માં શ્રી હરિ દર્શન વિલા, દિવ્ય જયોત સ્કુલની બાજુમાં, ભગવતી પરા, મીઠીવીડી પાછળ સ્થિત ૨૦ એકરની વિશાળ બગીચીમાં 'રસિક સંકેતવન' નામે ભવ્ય અને જાજરમાન લગ્ન પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ત્રિદિવસીય મંગલ વિવાહ વિધાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ સમગ્ર આયોજન શ્રીવલ્લભકુલભુષણ નિ.લી.પૂ.પા.ગો.૧૦૦૮ શ્રીવ્રજભુષણલાલજી મહારાજશ્રી, નિ.લી.પૂ.પા. ગો.૧૦૮ શ્રીવિઠ્ઠલનાથજી મહારાજશ્રી એવમ્ નિ.લી.પૂ. પા.ગો. ૧૦૮ શ્રી રસિકરાયજી મહારાજશ્રીનાં આશિર્વાદ ફલસ્વરૂપ તથા પૂ.પા.ગો.૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી યોજાઈ રહૃાું છે.
આ દોહરો શુભલગ્ન પ્રસ્તાવ નિ.લી.પૂ.પા. ગો.૧૦૮ મહારાજશ્રી શ્રીવિઠ્ઠલનાથજી મહારાજશ્રી (ચોપાસની-જુનાગઢ)નાં પૌત્ર અને નિ.લી.પૂ.પા. ગો.૧૦૮ શ્રીરસિકરાયજી મહાજશ્રીનાં આત્મજ, એવા પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રી એવમ્ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ગોપેશરાયજી મહારાજશ્રી (ચોપાસની-રાજકોટ-કાલાવડ) નો છે. મુખ્ય લગ્ન વિધિઓ કારતક વદ-૧૧-૧૨-૧૩ તદઅનુસાર તા. ૧૫-૧૬-૧૭ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસોમાં નિશ્ચિત કરવામાં આવી છે. જે અંતર્ગત, તા. ૧૫ નવેમ્બર, શનિવારે સવારે ૧૦.૦૦ કલાકે ગણેશ સ્થાપન અને સાંજે ૬.૦૦ કલાકે નીચ્ચય તાંબુલ (સગાઇ) યોજાશે. તા. ૧૬ નવેમ્બર, રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે શ્રી કુલદેવતા સ્થાપન વૃદ્ધિની સભા અને સાંજે ૬.૦૦ કલાકે બન્ને દુલ્હેરાજાઓની વિરાટ બીનેકી (વરઘોડો) ગાજા-બાજા અને રસાલા સાથે કમલકુંજ હવેલીથી પ્રસ્તાવ પંડાલ સુધી યોજાશે, જે બાદ રાત્રે ૧૦.૩૦ કલાકે મુખ્ય વિવાહ પ્રસ્તાવ વિધિ (હસ્ત મેળાપ) સંપન્ન થશે. તા. ૧૭ નવેમ્બર, સોમવારે સવારે ૧૨.૦૦ કલાકે બડી પઠોની ગંગા પૂજી, કુલદેવતા વિસર્જન અને સાંજે ૭.૦૦ કલાકે ગૃહ-પ્રવેશની વિધિઓ યોજાશે.
આજથી શરૂ થયેલા આ મહોત્સવમાં તા. ૭ નવેમ્બરથી તા. ૧૫ નવેમ્બર દરમ્યાન કાલાવડમાં પ્રભુનાં નિત્ય નૂતન દિવ્ય મનોરથ દર્શનનો લ્હાવો વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થશે. જેમાં તા. ૦૮ શનિવારે બેંગની ઘટા, તા. ૦૯ રવિવારે શરદ રાસોત્સવ, તા. ૧૦ સોમવારે દીપ માલિકા, તા. ૧૧ મંગળવારે કેસર બરાસના સોના-ચાંદીના વરખના અઠ ખંભા, તા. ૧૨ બુધવારે ભોજન થાળી, તા. ૧૩ ગુરૂવારે દ્વાદશ કુંજ અને તા. ૧૪ શુક્રવારે વિવાહ ખેલ સહિતના મનોરથો સાંજે ૭.૦૦ કલાકે કમલકુંજ હવેલીએ યોજાશે. આ ઉપરાંત, તા. ૧૦ થી ૧૪ નવેમ્બર દરમિયાન નિત્ય સાંજે ૫.૦૦ વાગ્યે જનાનામાં મહિલાઓ માટે 'લાડકા લાડુ' અંતર્ગત રાસ-ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા. ૦૮ થી ૧૩ નવેમ્બર સુધી રોજ રાત્રિના ૯.૦૦ થી ૧૨.૦૦ કલાકે કમલકુંજ હવેલી પાસે રાસ-ગરબાનું આયોજન છે. તા. ૧૪ નવેમ્બર, શુક્રવારે રાત્રિના ૯.૦૦ કલાકે પ્રસ્તાવ સ્થળ 'રસિક સંકેતવન'માં 'મહા રાસ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવ્ય પ્રસ્તાવ પ્રસંગે શ્રીવલ્લભકુલ શિરોમણી નિ.લી.પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રીવ્રજભુષાલાલજી મહારાજશ્રીનાં સ્વગૃહના સમગ્ર આચાર્યશ્રીઓ સપરિવાર તેમજ દેશભરમાંથી સમસ્ત વૈષ્ણવાચાર્યો પધારી પ્રસ્તાવને દિવ્યતા પ્રદાન કરશે. આચાર્યગૃહ અને દોહરો વિવાહ પ્રસ્તાવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય સમારોહમાં રાજકીય આગેવાનો પણ હાજરી આપશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, પૂર્વ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનો હાજરી આપશે. મુખ્ય ત્રણેય દિવસો, તા. ૧૫, ૧૬ અને ૧૭ નવેમ્બરના સવારે ૧૧.૩૦ વાગ્યાથી અને સાંજે ૭.૩૦ વાગ્યાથી સમસ્ત વૈષ્ણવો માટે મંડાણમાં મહાપ્રસાદનો પ્રારંભ થશે, જેનો લાભ લેવા સમસ્ત વલ્લભીય વૈષ્ણવ શ્રૃષ્ટિને આચાર્યગૃહ અને દોહરો વિવાહ પ્રસ્તાવ સમિતિનું ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial