Advertisement
Author: નોબત સમાચાર

કેબલ નેટવર્ક-સિનેગૃહોને રોજેરોજની ચૂંટણી જાહેરાતોની સીડી મોકલવા ફરમાન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૬/૦૪/ ૨૦૨૬ના યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સંસ્થાઓ દ્વારા ઈલેક્ટ્રોનિક મીડિયા, સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલો, રેડિયો અને સિનેમાગૃહોના માધ્યમથી મોટા પાયે પ્રચાર કરવામાં આવતો હોય છે. આ પ્રચાર પ્રસારણ દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય અને હરીફ ઉમેદવારો કે નાગરિકો તરફથી મળતી ફરિયાદોની સત્યતા ચકાસી શકાય તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવેલા આ આદેશ અનુસાર, જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલો, સિનેમાગૃહો, રેડિયો, દૂરદર્શન અને આકાશવાણી કેન્દ્રોએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ સવારના ૬ થી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલા પ્રસારણની સીડી તૈયાર કરવાની રહેશે. આ સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં સંબંધિત ચૂંટણી અધિકારીને રૂબરૂ પહોંચાડી તેની પહોંચ મેળવી રેકોર્ડ જાળવવાનો રહેશે.

આ ઉપરાંત, જરૂરિયાત જણાતા ૨૪ કલાક પૂર્ણ થતા પહેલા પણ પ્રસારણની વિગતો માંગવામાં આવે તો તે રજૂ કરવાની રહેશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh