Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે જે ટી-૨૦ મેચ રમાઈ, તેમાં કોઈ પણ ટીમ હારે કે જીતે, તો તેની ફાઈનલ મુકાબલા પર કોઈ અસર થવાની નહોતી, કારણ કે ભારત અને પાકિસ્તાનની ટીમો પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને રવિવારે ખરાખરીનો જંગ જામશે, અને તેમાં અત્યારે ટીમ ઈન્ડિયા મજબૂત જણાય છે, આમ ફોર્માલિટી પૂરતી ગઈકાલની મેચ પણ અત્યંત રોમાંચક બની ગઈ અને "ટાઈ" થતાં સુપર ઓવર રમાઈ, જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ. આ મેચમાં એશિયા કપમાંથી બહાર થઈ ગયેલી શ્રીલંકાની ટીમે પણ ભારતીય બોલરોને ધોઈ નાખ્યા અને ૨૦૦ થી વધુ રનનો જંગી જુમલો પણ ચેઈઝ કર્યો. તે જોતાં એવું કહી શકાય કે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અને તેમાં કોઈપણ ટીમે અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.
એવી જ રીતે રાજનીતિમાં પણ કોઈએ હવામાં ઉડવા જેવું નથી. આપણા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્યોની ચૂંટણીઓના માધ્યમથી ઘણી વખત મતદારોએ મજબૂત જણાતી સરકારોને ઘરભેગી કરી દીધી છે અને ઐતિહાસિક જનાદેશો આપ્યા છે. અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ બિહારની ચૂંટણી અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ટી-૨૦ ક્રિકેટ જેવી જ રસાકસી આ ચૂંટણીઓમાં થશે તેમ લાગે છે.
આપણા હાલારમાં પણ આગામી વર્ષ સુધીમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ચોગઠાં ગોઠવાઈ રહ્યા હોય તેમ રાજકીય પક્ષો વધુ સક્રિય થઈ ગયા છે અને નેતાઓના પબ્લિક વચ્ચે જવાના કાર્યક્રમો વધી ગયા છે. હાલારમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની સક્રિયતા વધી ગઈ છે અને વિવિધ કક્ષાએ લોકોના પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. રોજીંદી બેઠકોમાં પણ હોદ્દાની રૂએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી વધી રહી છે. બીજી તરફ વિવિધ લોકપ્રશ્નોના મુદ્દે ધરણાં, રેલીઓ, વિરોધ-પ્રદર્શનો તથા આવેદનપત્રો આપવા જેવી લોકલક્ષી પ્રવૃત્તિઓમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો હોય તેમ જણાય છે. બીજી તરફ શાસકપક્ષ પણ કાર્યકરોમાં જુસ્સો વધારવાના પ્રયાસો કરી રહેલો જણાય છે. પરંતુ આંતરિક ટાંટીયાખેંચ તથા વાયરલ થતી દિગ્ગજ નેતાઓ અને ભાજપના ચૂંટાયેલા નેતાઓ વચ્ચેની ઓડિયોક્લિપો તથા કેટલાક કાર્યકર્તાઓ તથા નેતાઓની ખુલ્લેેઆમ પરસ્પર આક્ષેપબાજી જોતાં ભાજપમાં આંતરકલહની સમસ્યા નિવારવા રાજ્યના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો થાય, તથા પ્રદેશ ભાજપના માળખામાં પણ ધરમૂળથી ફેરફારો થાય તેવા સંકેતો જોતા વિપક્ષો માટે ત્રણ દાયકા જૂની સત્તાને પડકારવાની તકો વધુને વધુ મજબૂત થતી જાય છે.
હાલારમાં કોંગ્રેસ વધુ સક્રિય થઈ ગઈ હોય તેમ વિવિધ મુદ્દે રોજીંદા કોઈને કોઈ આશ્ચર્યજનક કાર્યક્રમો, રેલીઓ, દેખાવો, વિરોધ પ્રદર્શનો વગેરે યોજાઈ રહ્યા છે. હાલારના બંને જિલ્લામાં સક્રિય થયેલા વિપક્ષોની હલચલ જોતાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
જામનગરમાં તો મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટરો સહિત કોંગ્રેસે શહેરમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓની "ઉકરડા વિઝિટ" યોજીને દલા તરવાડીની વાર્તા મુજબ "સ્વચ્છતાનો એવોર્ડ" લેવા રાજયના પાટનગર ગાંધીનગર પહોંચેલા શાસકપક્ષના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમાં પણ પાલતુ બીલાડાઓને શાસકો દૂધ પીવડાવતા હોવાના આક્ષેપો સાથે "ઉકરડા વિઝિટ"ની જે તસ્વીરો પ્રસ્તૂત કરી છે, તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, અને લોકોમાં પણ એવી ચર્ચા છે કે આ પાલતુ બીલાડાઓ કોણ ? આપણાં મહાનગરને કોઈપણ એવોર્ડ મળે, તો તે નગરનું ગૌરવ ગણાય, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા ઉકરડા અને ગંદકી માટે જવાબદાર હોય, તેને કોણ છાવરે છે ? કરોડોના ખર્ચે ગટરવ્યવસ્થાના નિર્માણ પછી પણ ગટરો છલકાઈ જતી હોય ત્યારે બીલાડા ફેઈમ ભ્રષ્ટાચારની આશંકા જાગે, તે પણ સ્વાભાવિક જ છે ને ?
ખેડૂતોને નિયમિત વીજ પુરવઠા માટે રેલીઓ કાઢવી પડે, ગંદકી હટાવવા માટે ઉકરડા વિઝિટોના કાર્યક્રમો યોજવા પડે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ કે માળખાકીય સુવિધાઓના પ્રશ્ને લોકોને સડકો પર ઉતરીને દેખાવો કરવા પડે, ત્યારે શાસન-પ્રશાસન સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. ભલે, મેગા પ્રોજેક્ટો મંજૂર થાય કે વિકાસના વિરાટકાય માચડાઓ ખડકાય, પરંતુ જ્યાં સુધી લોકોના મૂળભૂત પ્રશ્નો ન ઉકેલાય, ત્યાં સુધી બધું નકામું જ છે ને ?
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસે પણ ખંભાળીયામાં ટેકાના ભાવે જણસોની ખરીદીમાં લોલમલોલ, વીજ પુરવઠાની અનિયમિતતા, ઓનલાઈન રજીસ્ટ્રેશનની ટેકનિકલ ખામીઓ, તથા ખાનગી કંપનીઓને સંબંધિત પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવીને સરકારને ઢંઢોળી છે.
રાજયમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે અને જુદા જુદા નામકરણ કરીને કચરો વાળવાના નાટકો કરવામાં આવે ત્યારે જામનગરમાં ઉકરડા વિઝિટ પછી સ્થાનિક જાગૃત નેતાગીરી દ્વારા ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે એનજીટીએ રાજકોટ મહાનગરપાલિકાને સાડા બાવીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, તેમાંથી બોધપાઠ લઈને વેસ્ટ ટુ એનર્જીના બંધ પડેલા પ્લાન્ટને લઈને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જામ્યુકો પણ દંડાઈ શકે છે.
લોકો નગરમાં નિર્માણ થયેલા વિકાસકામો તથા અન્ય જાયન્ટ (મલાઈદાર ?) ડેવલપમેન્ટ પ્રોજેક્ટોની સાથે સાથે લોકોની મૂળભૂત સુવિધાઓ, જન આરોગ્ય, જાહેર સ્વચ્છતાને લઈને પણ પારદર્શક લોકલક્ષી અભિગમ રાખે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial