Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન-અમેરિકા-ઈઝરાયલના યુદ્ધનો વ્યાપ વધતા ચોતરફ ખાનાખરાબીઃ હડકંપ

ટ્રમ્પે કહ્યું એક મહિનો ચાલશે યુદ્ધઃ સાઈપ્રસમાં બ્રિટન બેઝ પર હુમલો

                                                                                                                                                                                                      

તેલઅવીવ/ વોશીંગ્ટન/ પેરિસ તા. ૨: ઈરાન-અમેરિકા-ઈઝરાયલના યુદ્ધમાં હીઝબુલ્લા, ફ્રાન્સ તથા અન્ય દેશોની સક્રિયતાના કારણે ખાનાખરાબી અને તારાજી સામે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે. મિત્ર દેશોમાં આવેલા ઠેકાણાઓ પર હુમલા થઈ રહ્યા છે. ટ્રમ્૫ે કહ્યું છે કે, આ યુદ્ધ એક મહિનો ચાલશે.

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. જયારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક શંકાસ્પદ ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડયા. અહીં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આના લગભગ ૧૬ કલાક પહેલા દુબઈના પોર્ટ અને બુર્જ ખલીફા પાસે હુમલો થયો હતો.

ઈરાનની સમાચાર એજન્સી ફાર્સ અનુસાર, સનંદજ શહેર પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શહેરને દુશ્મનની મિસાઈલોથી નિશાન બનાવવામાં આવ્યું હતું અને શહેરના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી ઘણી રહેણાંક ઇમારતો નષ્ટ થઈ ગઈ હતી.

તસનીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અમેરિકી અને ઇઝરાયલી સેનાએ ગીચ વસ્તીવાળા વિસ્તારો સહિત શહેરના વિવિધ ભાગો પર છ મિસાઇલો છોડી હતી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક હુમલો દર્શાવવામાં આવ્યો છે, જેમાં આકાશમાં આગ અને ધુમાડાના વિશાળ વાદળો દેખાઈ રહૃાા છે.

અલ અરેબિયાના રિપોર્ટ અનુસાર, ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. ઈરાને કતાર, કુવૈત, દુબઈ, અબુ ધાબી અને બહેરીનને નિશાન બનાવ્યા. દુબઈ અને બહેરીનમાં ઘણાં જોરદાર ધડાકા સંભળાયા.

યુએસ અધિકારીઓએ કુવૈતમાં તેમના નાગરિકોને ચેતવણી જારી કરી છે, જેમાં તેમને દૂતાવાસની ઇમારતમાં ન જવા અને તેમની વર્તમાન જગ્યાઓ ન છોડવા જણાવ્યું છે.

ઈરાને કુવૈત સિટીમાં અમેરિકી દૂતાવાસ, બહેરીનના મનામામાં અમેરિકી નૌકાદળના ૫મા ફ્લીટના મુખ્યાલય અને જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલા મધ્ય પૂર્વમાં વધતા તણાવનું પરિણામ છે અને પ્રાદેશિક સુરક્ષા પર ગંભીર અસર કરી શકે છે. ઈઝરાયલ અને અમેરિકાએ તહેરાત સહિત ૧૦ મોટા શહેરોમાં કરેલા હુમલાઓમાં ૨૦૦થી વધુ મૃત્યુ અને ૭૪૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

ઈરાન યુદ્ધની વચ્ચે નાટો દેશો ફ્રાન્સ, જર્મની અને યુકેનું સંયુક્ત નિવેદન સામે આવ્યું છે. ફ્રાન્સ, જર્મની અને યુકેએ કહૃાું છે કે ઈરાન દ્વારા અવિચારી રીતે કરવામાં આવેલા હુમલાઓએ અમારા નજીકના સાથીઓને નિશાન બનાવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં અમારા સર્વિસ સ્ટાફ અને અમારા સામાન્ય લોકોને ખતરો છે. અમે ઈરાનને આ અવિચારી હુમલાઓને તાત્કાલિક રોકવા અપીલ કરીએ છીએ. અમે આ મામલે યુએસ અને આ વિસ્તારના સાથીઓ સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.

રિપોર્ટ અનુસાર, લેબનોનમાં ઈઝરાયલી હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા છે. લેબનાની મંત્રાલયના હવાલાથી એએફપીએ જણાવ્યું છે કે લેબનાન પર થયેલા ઈઝરાયલી હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા છે અને ૧૪૯ લોકો ઘાયલ થયા છે.

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન કેથરિન વોટ્રિને એકસ પર પોસ્ટ કરીને જણાવ્યું કે અમીરાતી બેઝ નજીક અમારા નેવલ બેઝ પર અબુધાબી પોર્ટને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, અમેરિકી સાંસદોએ સંસદને જણાવ્યું કે એવા કોઈ સંકેત નહોતા કે ઈરાને અમેરિકા પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

રોઇટર્સ અનુસાર, પેન્ટાગોનના અધિકારીઓએ બંધ દરવાજા પાછળ થયેલી બ્રીફિંગમાં સંસદના કર્મચારીઓને જણાવ્યું કે ઇરાનની બેલિસ્ટિક મિસાઇલો અને પ્રોક્સી સેનાઓ અમેરિકી હિતો માટે ખતરો ઉભો કરે છે. તેમણે સ્વીકાર્યું કે એવી કોઈ ગુપ્ત માહિતી નહોતી જે સૂચવે કે તેહરાને અગાઉ અમેરિકી સેના પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

આ રિપોર્ટમાં ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીઓના એ દાવાઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેહરાન દ્વારા અમેરિકી સેના પર હુમલો કરવાની માહિતી હતી.

કુવૈત અને બહેરીનમાં ઈરાનના હુમલા, અમેઝોનનું ડેટા સેન્ટર ઠપ

ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. આઈઆરજીસીનો દાવો છે કે તેમણે કુવૈતનું 'અલી અલ-સલેમ' એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, એડબ્લયુએસમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ છઉજી ના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે. બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર

'ચાર અઠવાડિયામાં

જંગ ખતમ કરીશું'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના ૯ મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો કે આ ઓપરેશન આગામી ૪ અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અત્યાર સુધી અમેરિકાએ ઈરાનના ૧૦૦૦ થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.

ઈઝરાયલનો તેહરાન

પર ભીષણ પ્રહાર

ઈઝરાયલી સેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેહરાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક હોસ્પિટલ અને ઈરાનના સરકારી ટીવી મુખ્યાલયને નુકસાન થયું છે, જેના કારણે ટીવી પ્રસારણ બંધ થઈ ગયું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહૃાું છે કે, *અમે આતંકી શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું અને તે અમે કરીને જ રહીશું.*

૫૬૦ અમેરિકન સૈનિકોના મોતનો ઈરાનનો દાવો

ઈરાનના આઈઆરજીસી એ દાવો કર્યો છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં ૫૬૦ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. તેમણે અમેરિકન યુદ્ધ જહાજ 'યુએસએસ અબ્રાહમ લિંકન' પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું છે, જોકે અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે.

વૈશ્વિક નિંદા અને ભારતીય ફ્લાઈટ્સ પર અસર

અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને કુવૈત સહિત ૭ દેશોએ ઈરાનના મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. દરમિયાન, એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના દેશો (યુએઈ, સાઉદી, ઈઝરાયલ, કતાર) માટેની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન ૨ માર્ચની રાત્રિ સુધી વધારી દીધું છે.

સાઈપ્રસમાં બ્રિટનના

બેઝ પર હુમલો

સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જો કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે.

ફ્રાન્સે યુદ્ધજહાજ રવાના કર્યું

બીજી બાજુ ફ્રાન્સે આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને ટેકો કરતાં યુદ્ધજહાજ રવાના કરી દીધું છે જે મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિને વધુ ભડકાવનારૃં પગલું સાબિત થઈ શકે છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ ઈરાન વિરૂદ્ધ એરસ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઈટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે.

સાઉદી અરેબિયા સ્થિત 'અરામકો'ની

રાસ રિફાઈનરી પર ઈરાનનો હૂમલો

અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધના ત્રીજા દિવસે આજે સાઉદી અરેબિયા સ્થિત 'અરામકો'ની સૌથી મોટી મનાતી રિફાઈનરી રાસ તનૂરા પર ઈરાને હવાઈ હૂમલો કરતા ધૂમાળાના ગુબ્બાર ઉઠતો જોવા મળ્યો છે. આ રિફાઈનરીની ક્ષમતા લગભગ ૫.૫ થી ૬ લાખ બેરલની છે. આ વિશ્વના સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલોજી પૈકીનું એક ટર્મિનલ છે, અહીંથી ક્રૂડ ભરીને તેલ ટેન્કરોને એશિયા, યુરોપ અને અમેરિકા સહિતના ઘણાં દેશોને મોકલવામાં આવે છે. ઈરાને વાતચીતના પ્રયાસના ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે. અને યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh