Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરનો દરવાજો અચાનક ખોલાતા સ્કૂટર ટકરાઈ પડ્યું: પ્રૌઢના પગ પર ક્રેઈન ફરી વળીઃ ફલ્લા પાસે અકસ્માતમાં મહિલાને ફ્રેક્ચરઃ
જામનગર તા. ૧૩: લાલપુરના ધરમપુર ગામના પાટીયા પાસે શનિવારે સવારે એક મોટર આગળ જતા ટ્રોલીવાળા ટ્રેક્ટરની પાછળ ટકરાઈ પડતા બે યુવાનના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ખીજડીયા બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. બેડ પાસે રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીને મોટરે ટક્કર મારી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી છે. લખતર ગામમાં ધૂળના ઢગલા પર બેસેલા પ્રૌઢના પગ પર ક્રેઈન ફરી વળી છે. શનિવારે સવારે ફલ્લા પાસે ટ્રકની ટક્કરથી આગળ ફંગોળાયેલી મોટરમાં જઈ રહેલા મહિલાને ફ્રેક્ચર થયું છે. સપ્તાહ પૂર્વે તળાવના પાછળના ભાગ પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને મોટરે ઠોકર મારી છે.
જામનગરના કામદાર કોલોની વિસ્તાર પાસે આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના પોપટભાઈ વેલજીભાઈ કદાવલા (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ ગઈ તા.૮ની સાંજે ચારેક વાગ્યે સુમેર કલબ રોડ પર જોેલી બંગલા પાસે તળાવના ભાગ નજીકથી ચાલીને આવતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે આ પ્રૌઢને ટાટા કંપનીની હેરિયર મોટરના ચાલકે હડફેટે લઈ પછાડી દીધા હતા. હેમરેજ તેમજ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પોપટભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પુત્ર કપિલભાઈએ મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ નજીકના મોટી લાખાણી ગામમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે કુલદીપસિંહ જગતસિંહ જાડેજા નામના યુવાન શનિવારે સવારે પોતાની જીજે-પ-આરડબલ્યુ ૪૬૬૦ નંબરની મોટરમાં ફલ્લામાં ગાંઠિયા લેવા આવ્યા પછી ત્યાંથી રમીલાબેન અમરસીંગ ભાંભોર સાથે મોટરમાં પરત ફરતા હતા ત્યારે ફલ્લા પાસે આવેલી હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે એચઆર-૫૫-એએક્સ ૮૩૦૩ નંબરના ટ્રકના ચાલકે તે મોટરને પાછળથી ટક્કર મારતા મોટર આગળ ઉભેલા પીકઅપ બોલેરોની પાછળ જોડાયેલા મિલરમાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરમાં બેસેલા રમીલાબેનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. કુલદીપસિંહે પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચેના રોડ પર ગૌશાળા નજીકથી શુક્રવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પસાર થઈ રહેલા ભીખુભાઈ નરશીભાઈ ભોજાણી નામના ૪૦ વર્ષના યુવાનને જીજે-૩-બીડબલ્યુ ૨૮૯૧ નંબરના ટ્રકના ચાલકે ફૂલસ્પીડમાં ધસી આવી ટક્કર મારી દીધી હતી. રોડ પર ફંગોળાઈ ગયેલા ભીખુભાઈ પરથી ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતા બંને પગમાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. આ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહનની શોધ શરૂ કર્યા પછી મૃતકની ઓળખ મેળવી હતી. જેમાં ગોકુલનગરમાં રહેતા લક્ષ્મીબેન ઉર્ફે શાંતાબેન પ્રવીણભાઈ ગોહિલે મૃતક પોતાના ભાઈ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોલીસે તેઓની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જોડિયા તાલુકાના લખતર ગામમાં વસવાટ કરતા અમરશીભાઈ માવજીભાઈ ચૌહાણ નામના પ્રૌઢ ગઈ તા.૩ની સવારે દસેક વાગ્યે ધ્રોલથી જોડિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ પાસેના જીઈબીના ૬૬ કેવી સબ સ્ટેશન પાસે વેલ્ડીંગની દુકાન નજીક ધૂળના ઢગલા પર બેઠા હતા ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થયેલા જીજે-૩૯-સી ૨૧૦૫ નંબરની ક્રેઈનના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી અમરશીભાઈના પગ પરથી ક્રેઈન ફેરવી દેતા ફ્રેેકચર સહિતની ઈજા પામેલા પ્રૌઢને સારવાર માં ખસેડવામાં આવ્યા છે.
લાલપુર તાલુકાના બબરજર ગામના વાડી વિસ્તારમાં રહેતા મિલનભાઈ લખમણભાઇ બંધીયા તથા જગદીશભાઈ સામતભાઈ ગોજીયા નામના બે યુવાન શુક્રવારની રાત્રે વિન્ડ વર્લ્ડ કંપનીની પવનચક્કીની સાઈટ પર નોકરી પર હતા તે પછી સવારે પાંચેક વાગ્યે જીજે-૧૬-બીજી ૨૫૨૦ નંબરની ઇકો મોટરમાં પવનચક્કીના કામ માટે શેઢાખાઈ સાઈટથી ખાયડી ગામમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે જગદીશભાઈ મોટરનું ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.
આ મોટર જ્યારે ધરમપુર ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે કોઈ રીતે જગદીશભાઈએ મોટરના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેઓની મોટર આગળ દોડી જતાં ટ્રેક્ટર અને ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મોટરના ચાલક જગદીશભાઈ સામતભાઈ ગોજીયા (ઉ.વ.૨૫)નું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જયારે ઘવાયેલા મિલનભાઈને સારવારમાં ખસેડાયા પછી તેઓનું પણ મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રાજશીભાઈ અરશીભાઈ બંધીયાએ પોલીસમાં જાણ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામમાં રહેતા કરશનભાઈ સગાભાઈ લુણા નામના વિદ્યાર્થી ગયા મંગળવારે બપોરે બેડ પાટીયા પાસે રોડ ક્રોસ કરવા ઉભા હતા ત્યારે જીજે-૧૦-ડીએન ૧૧૦૭ નંબરની મોટરે તેઓને ઠોકર મારી હતી. જેમાં આ તરૂણને ફ્રેક્ચર થઈ ગયા છે.
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં અટલ આવાસમાં રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈ બાવળીયા ગઈ તા.૧૪ ફેબ્રુઆરીની બપોરે અંબર ચોકડીથી ગુરૂદ્વારા સર્કલ વચ્ચે જીજે-૧૦-ડીકે ૪૪૭૧ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે રોડ પર ઉભેલી ૭૭૭૭ નંબરની એક મોટરનો દરવાજો અચાનક ખોલવામાં આવતા સ્કૂટર સાથે સંજયભાઈ તે દરવાજામાં ટકરાઈ પડ્યા હતા. જેમાં તેઓને ગંભીર ઈજા થયા પછી ઓપરેશન કરવા પડયા હતા. તેઓએ મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial