Advertisement
Author: નોબત સમાચાર

એચ-વન-બી વિઝા ફી સામે સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં સામૂહિક અરજી

રાષ્ટ્રપતિને નહીં, સંસદને જ નવી ફી લાદવાનો અધિકાર હોવાની દલીલ

                                                                                                                                                                                                      

સાન ફ્રાન્સિસ્કો તા. ૪: ટ્રમ્પના વધુ એક નિર્ણયનો વિરોધ થયો છે અને એચ-વનબી વિઝા ફીને અમેરિકાના સંગઠનોએ કોર્ટમાં પડકારી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ-વનબી વિઝા ફી વધારીને ૧,૦૦,૦૦૦ ડોલર કરવાના આદેશ સામે કાનૂની લડત શરૂ થઈ ગઈ છે. શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ આદેશને તાત્કાલિક રોકવા માટે અરજી દાખલ કરી છે. આ મુકદ્દમો ટ્રમ્પની બે અઠવાડિયા પહેલા જાહેર કરાયેલી જાહેરાતને કોર્ટમાં પડકારતો પહેલો કાનૂની કેસ છે.

આ જાહેરાત મુજબ, અમેરિકામાં પ્રવેશતા નવા એચ-વનબી વિઝા ધારકોને ફક્ત ત્યારે જ પ્રવેશ મળશે જો તેમના નોકરીદાતાઓ આ વધારાની જંગી ફી ચૂકવે.

જોકે, આ આદેશ જેમની પાસે પહેલેથી વિઝા છે અથવા જેમણે ૨૧મી સપ્ટેમ્બર પહેલા અરજી કરી છે તેમને લાગુ પડતો નથી.

અરજદારો જેમાં યુનાઇટેડ ઓટો વર્કર્સ યુનિયન, અમેરિકન એસોસિએશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ, એક નર્સ ભરતી એજન્સી અને અનેક ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે, તેમણે દલીલ કરી હતી કે, 'ટ્રમ્પ પાસે કાયદેસર રીતે સ્થાપિત વિઝા પ્રોગ્રામમાં આવા ફેરફારો કરવાનો અથવા નવી ફી લાદવાનો અધિકાર નથી. અમેરિકાના બંધારણ મુજબ માત્ર કોંગ્રેસ (સંસદ) પાસે જ ટેક્સ અથવા ફી લાદવાની સત્તા છે.'

વિઝા ફી વધારવાના પગલાને યોગ્ય ઠેરવતા ટ્રમ્પ વહીવટીતંત્રે દાવો કર્યો છે કે 'સિસ્ટમનો દુરૂપયોગ અટકાવવા અને અમેરિકન વેતન સ્તર ઘટતા અટકાવવા માટે આ જરૂરી હતું.' વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને જણાવ્યું હતું કે, 'આ પગલું એવી કંપનીઓને પણ ખાતરી આપે છે જેમને ખરેખર વિદેશી પ્રતિભાની જરૂર છે.'

હાલમાં નોકરીદાતાઓ એચ-વનબી સ્પોન્સરશિપ માટે કંપનીના કદના આધારે લગભગ ૨,૦૦૦થી ૫,૦૦૦ ડોલર ફી ચૂકવે છે. ટ્રમ્પના આદેશથી આ ખર્ચ અનેક ગણો વધી જશે.

એચ-વનબી પ્રોગ્રામ હેઠળ વાર્ષિક ૬૫,૦૦૦ વિઝા આપવામાં આવે છે, જેમાં એડવાન્સ ડિગ્રી ધારકો માટે વધારાના ૨૦,૦૦૦ વિઝા હોય છે. ૨૦૨૩-૨૪ના ડેટા અનુસાર, કુલ મંજૂર થયેલા વિઝામાંથી આશરે ૭૧ ટકા વિઝા ભારતને મળ્યા હતા, જે આ પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી દેશ છે.

અરજીમાં ચેતવણી આપવામાં આવી છે કે આ નવો આદેશ એક *પે-ટુ-પ્લે* (પે-ટુ-પ્લેય) સિસ્ટમ બનાવશે, જ્યાં માત્ર ઊંચી ફી ચૂકવવા પરવડી શકે તેવી કંપનીઓ જ વિદેશી નિષ્ણાતોને નોકરી પર રાખી શકશે, જેનાથી નવીનતા અને ભ્રષ્ટાચારની સંભાવના વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh