Advertisement
Author: નોબત સમાચાર

'વોટ ચોરી' મુદ્દે વિપક્ષના સાંસદોની સંસદભવનથી ચૂંટણી પંચ સુધી કૂચ

પોલીસની મંજુરી નહીં હોવાના કારણે રેલીને અટકાવવાની કાર્યવાહીઃ પોલીસ સાથે માથાકૂટઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના નેતાઓ દ્વારા 'વોટચોરી'નો મુદ્દો જોરશોરથી ઊઠાવવામાં આવી રહ્યો છે. આ મુદ્દે આજે ઈન્ડિયા એલાયન્સના તમામ વિપક્ષી સાંસદો સાથે સંસદભવનથી ચૂંટણી પંચ ઓફિસ સુધી વિરાટ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તૃણમુલ કોંગ્રેસ અભિષેક બેનર્જી, આમ આદમી પાર્ટી, ડીએમકે સહિતના લોકસભા અને રાજ્યસભાના અંદાજે ત્રણસો જેટલા વિપક્ષી સાંસદો 'વોટ બચાવો'ના બેનરો સાથે જોડાયા હતાં.

દેશના ચૂટણી પંચે કોંગ્રેસના જયરામ રમેશને તા. ૧૧/૮ ના બપોરે ૧ર વાગ્યે ચર્ચા માટે સમય આપ્યો હતો, જેમાં ૩૦ રાજકીય વ્યક્તિઓને જ મંજુરી આપવામાં આવી હતી.

ઈન્ડિયા એલાયન્સના સાંસદોની કૂચ સમયે જ વિપક્ષોનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળનાર છે.

વિપક્ષોની કૂચ અંગે પોલીસ વિભાગ તરફથી મંજુરી મળી નથી. જયારે દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે વિપક્ષોની કૂચ માટે કોઈ મંજુરી માંગવામાં જ આવી નથી.

આ સંજોગોમાં સંસદભવનથી શરૂ શાંતિપૂર્ણ કૂચ અને માર્ગ પર બેરીકેડ મુકવામાં આવ્યા હતા. અને સમગ્ર રૂટ ઉપર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જેમાં દિલ્હી પોલીસ, અર્ધ લશ્કરી દળો, એનએસજી, એસપીજી, સહિતની ટીમોના ૭૫૦૦થી વધુનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા.

જો કે સંસદ ભવનથી કૂચ ચાલુ થઈ ત્યાંથી પોલીસે વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, વેણુગોપાલને પોલીસ અધિકારીઓ સાથે ભારે માથાકુટ થઈ હતી. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે તો બેરીકેડને ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.

ઈન્ડિયા બ્લોકની વોટ ચોરીના મુદ્દે યોજાયેલી વિરાટ વિરોધ રેલીના કારણે દિલ્હીમાં ભારે તણાવભર્યો માહોલ સર્જાઈ ગયો હતો.

આજે સવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોએ હોબાળો મચાવી દેતા લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.

આજે સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે દ્વારા ઈન્ડિયા એલાયન્સના તમામ પક્ષોના સાંસદો માટે ડીનર પાર્ટી રાખવામાં આવી છે.

તમામ સભ્યોએ સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા મતચોરીનો આરોપ લગાડયો છે અને આ મુદે ત્યારે રાજકીય ધમાસાણ ચાલી રહયું છે.

વોટચોરી મુદ્દે વિપક્ષની કૂચ દરમિયાન

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોની અટકાયત કરાઈ

દિલ્હી પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સંસદોની અટકાયત કરી છે. વિપક્ષના સાંસદો એસઆઈઆર અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા ચૂંટણી પંચ અને વોટચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા ચૂંટણી પંચ તરફ જઈ રહ્યા હતાં. દિલ્હી પોલીસની પરવાનગી વિના રેલીનું આયોજન કરવા બદલ રેલી અટકાવવામાં આવી હતી તેમજ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh