Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની હોટલની ભળતી વેબસાઈટ બનાવનાર ભેજાબાજની કરાઈ ધરપકડ

સાયબર ક્રાઈમ સેલે રાજસ્થાનમાંથી પકડી પાડ્યોઃ

દ્વારકા તા. ૩૦ઃ દ્વારકાની એક હોટલમાં યાત્રાળુઓને ઉતારા માટે બુકીંગની વ્યવસ્થા આપતી વેબસાઈટ ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યા પછી કોઈ શખ્સે તેના જેવી જ ભળતી વેબસાઈટ બનાવી યાત્રાળુઓ સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ થયા પછી સાયબર ક્રાઈમ સેલે શરૂ કરેલી તપાસમાં રાજસ્થાનના કેકડા ગામમાંથી આ શખ્સને ઉપાડી લેવાયો છે. તેને રિમાન્ડ પર લઈ પૂછપરછ હાથ ધરાઈ છે.

આજના ઈન્ટરનેટ યુગમાં મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન ઉપલબ્ધ છે ત્યારે યાત્રાધામોમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પણ હોટલો કે આશ્રયસ્થાનોમાં ઉતારો મેળવવા માટે ઓનલાઈન બુકીંગ કરી લેતાં હોય છે અને ભાવિકોને સગવડતા મળી રહે તે માટે જે તે સંસ્થા કે હોટલ દ્વારા ઓનલાઈન બુકીંગ વેબસાઈટ શરૂ કરવામાં આવતી હોય છે. તેનો લાભ લઈ કેટલાક તકસાધુઓ આવી વેબસાઈટ જેવી જ લાગતી બનાવટી વેબસાઈટ બનાવી બુકીંગના નામે ફ્રોડ કરતા હોવાની તાજેતરમાં બૂમ ઉઠી છે.

આ બાબતને ગંભીરતાથી લઈ દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે  સાયબર ક્રાઈમ સેલને તપાસનો આદેશ કર્યાે હતો. તે દરમિયાન દેવભૂમિ દ્વારકામાં રહેતા જયદીપભાઈ રાહુલભાઈ અસ્વાર નામના આસામીએ ફરિયાદ નોંધાવી હતી કે, દ્વારકામાં આવેલી દ્વારકાધીશ લોર્ડસ ઈકો ઈન હોટલના નામથી ફેક વેબસાઈટ બનાવી તેમાં પોતાના મોબાઈલ નંબર રાખી પ્રવાસીઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂમ બુકીંગના નામે નાણા પડાવાયા છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેનો ગુન્હો નોંધાયા પછી સેલના પોલીસ ઈન્સ. એ.વાય. બ્લોચે તપાસ હાથ ધરી હતી. જેમાં બેંક એકાઉન્ટની વિગતો ચકાસાતા આ એકાઉન્ટ રાજસ્થાનથી ઓપરેટ થતું હોવાનું ખૂલ્યું હતું. તેથી રાજસ્થાન સુધી તપાસનો દૌર લંબાવાયો હતો. જેમાં સવાઈ માધુપુર જિલ્લાના કેકડા ગામના ઘમંડી હેમરાજ બોધીયા નામના શખ્સનું નામ ઉપસી આવ્યું હતું. તેથી રાજસ્થાન ધસી આવેલી સાયબર સેલની ટૂકડીએ આરોપીને અટકાયતમાં લઈ લીધો હતો. તેને દ્વારકા ખસેડી પૂછપરછ કરાતા બરવાળા ગામમાં એક હોટલમાં નોકરી કરતા આ શખ્સે એકાદ વર્ષ પહેલાં રૂપેશ ધનપાલ મીરા નામના શખ્સ સાથે મળી આવી રીતે ફ્રોડ કરવાનો આઈડિયા ઘડી કાઢ્યો હતો અને રૂપેશની મદદથી યુનિયન બેંક તથા એચડીએફસી બેંકમાં ખાતા ખોલાવી બે સીમકાર્ડ મેળવી રૂપેશને રૂા.૧૦ હજાર વાપરવા આપ્યાની કબૂલાત કરી છે. આ શખ્સે હોટલ દ્વારકાધીશ લોર્ડસ ઈકો ઈનની ફેક વેબસાઈટ બનાવી છેતરપિંડી કર્યાની વિગતો ઓકી નાખી છે.

માત્ર ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર આ શખ્સને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને આજ બપોર સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh