Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસંત અને પાનખરના ભેદને સમજતા અને પચવતા આવડે તો જીવન ધન્ય બને!
વર્લ્ડ વોર કરતાં વર્ડ વોર (શબ્દ યુદ્ધ) વધુ હિંસક, ખતરનાક, લોહિયાળ અને જીવલેણ નિવડે છે. વર્તમાન સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વાણી વિલાસ જગ વિખ્યાત બન્યો છે. માણસે પોતાની પ્રતિભા, હોદ્દો અને સંસ્કાર મુજબ વાણી, વર્તન અને વિચારોનો અમલ કરવો જોઈએ. બોલવું જેમ કલા છે તેમ સાંભળવું પણ એક કલા જ છે. મોરારિબાપુ કહે છે કે, વક્તા કરતા શ્રોતા મહાન છે. દાંત કરતા ઉદર મહાન છે. જે પચાવે છે તે કાયમ મહાન જ રહે છે. લેખિત શબ્દ કરતાં ઉચ્ચારાયેલ શબ્દ વધુ પડઘાય છે. બાળક ગણતરીના મહિનાઓમાં સમજણપૂર્વક બોલતા શીખી જાય છે, પરંતુ કદાચ એવું બને કે, વ્યક્તિ આખી જિંદગી નીકળી જાય તો પણ સમજણપૂર્વક સાંભળતા ન શીખ્યા હોય! વર્ગમાં વિદ્યાર્થીઓને સમાજ શાસ્ત્ર ભણાવતા શિક્ષકના ઘરમાં ગજગ્રાહ ચાલતો હોય તેવું બની શકે. બીજી તરફ આખી દુનિયામાં ઉચાટ અને યુદ્ધનો ઉન્માદ જગાવતા ડોનાલ્ડ ટ્રમ્પના જીવનમાં પ્રેમ, શાંતિ અને સમજણ હોય શકે છે. મગજના પ્રોસેસરમાં સિક્કાની બે બાજુ હોય શકે છે. પડદા ઉપર ત્રાસ ફેલાવતા શક્તિ કપૂર જેવા ફિલ્મી વિલનના ઘરમાં પદ્મિની જેવી સંસ્કારી પત્ની, શ્રદ્ધા જેવી સુશીલ પુત્રી હોય શકે છે. પરંતુ મુખ્ય શરત એ છે કે, પડદાની જિંદગી સ્ટેજ ઉપર છોડીને ઘરમાં પ્રવેશ કરવો પડે. ક્યાં સ્ટેજ છે અને ક્યાં ઘર છે તે ખબર પડે ત્યારે જીવન ધન્ય બને. ઘરમાં નાટક કરનાર ક્યારેય સારા પાત્ર બની નથી શકતા.
મહાભારત સંઘર્ષનો પ્રારંભ શબ્દ યુદ્ધથી જ થયો હતો. દુનિયાની પ્રાચીન અને અર્વાચીન તંગદિલીનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે, શરૂઆત બોલચાલીથી જ થઈ હશે. ગુજરાતી ભાષામાં તેને 'માથાકૂટ' કહેવામાં આવે છે. કાન અને જીભનો સોફ્ટવેર નિયમિત અપડેટ્સ કરતાં રહેવું જોઈએ. શું બોલવું તેના કરતા શું ન બોલવું તેની જાણકારી મહત્ત્વની છે.
અપડેટ્સ
માણસ ગેજેટ્સને જેટલું મહત્ત્વ આપે છે તેટલું જીવનને મહત્ત્વ નથી આપતો. જીવનમાં પણ ડગલેને પગલે સોફ્ટવેરને અપડેટ્સ કરતા રહેવું જોઈએ. યુવાનીમાં પ્રવેશ થાય એટલે બાળપણને ત્યજી દેવું જોઈએ. પ્રોઢ થયા ત્યારે યુવાની ત્યજી દેવી. વૃદ્ધ થઈએ ત્યારે લવચીકતા અપનાવી લેવી જોઈએ. વસંત અને પાનખરનો ભેદ પરખતાં આવડે ત્યારે જીવન ધન્ય બને. વસંત અને પાનખરને પચાવતા આવડે ત્યારે જીવન સરળ બને. કરોડો લોકો અને લાખો સંજોગોને કારણે જીવનમાં હજારો વાઇરસો ત્રાટકતા રહે છે, તેને ખાળવા માટે આચરણ અને વિચારોના સોફ્ટવેરને અપડેટ્સ કરતા રહેવા જોઈએ. બિલગેટ્સ કે લેરી પેજના સોફ્ટવેરને તો આપણે અપડેટ્સ કરતા રહીએ છીએ, પરંતુ પ્રભુના સોફ્ટવેરને સુધારતા જ નથી!
એક સામાન્ય ક્લિકથી કે થોડી ક્ષણોમાં ગેજેટ્સના સોફ્ટવેરને અપડેટ કરી શકાય છે, પરંતુ મગજમાં લોડ થયેલા સોફ્ટવેરને કદાચ એવું બને કે દાયકાઓ સુધી અપડેટ્સ નથી કરી શકતા. વિચારોના નોટિફિકેશનને મ્યુટ કરવાને બદલે ઓન રાખવા જોઈએ.
જીવનના સોફ્ટવેરને અપડેટ્સ કરવામાં દુરાગ્રહ, પૂર્વગ્રહ, જડતા, અભિમાન, અજ્ઞાનતા અને લાગણીઓ અને શંકા નડે છે.
ધરતી ઉપરની જીવ શ્રૃસ્ટીમાં જીવ તો બધા જીવોમાં છે, પરંતુ લાગણી અને ચેતના માત્ર માણસમાં જ છે. પશુ પક્ષીઓ મોટા ભાગે જડ જેવુ જીવન જીવે છે. જ્યારે માણસ સુશિક્ષિત અને વિચારશીલ પ્રાણી છે. આટલો આધુનિક સોફ્ટવેર અને મોટી હાર્ડ ડ્રાઈવ આપી હોય અને આપણે તેનો યથાર્થ ઉપયોગ ન કરીએ તે આપણામાં અને પશુઓમાં શું ફરક?
આકલન
જીવનને સંજોગો અનુસાર ઢાળતા શીખો. ઉમર અનુસાર પાકટ બનો. વિચારોમાં પરિવર્તનશીલ બનો. ભૂલ થાય તો સુધારો. આપણા અને સામેની વ્યક્તિના દરેક વર્તનનું આકલન કરો. વડીલો, મહારથીઓ, ગુરૂ અને પરિવારના દરેક સભ્યોનું માન સન્માન જાળવો. સંજોગવસાત જ્યારે પણ ભૂલ થાય ત્યારે માફી માંગો. ભૂલનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખો. રાત્રે સૂતા સમયે પાંચ મિનિટ માટે આખા દિવસના તમારા વર્તન બાબતે વિચરો. તેની અસરો બાબતે મનોમંથન કરો. સારી ઘટનાઓનું વધુ પ્રમાણમાં પુનરાવર્તન થાય તેવું કરો. નિરાશાજનક બાબતો ફરી બને નહીં તેવો અભિગમ અપનાવો.
વર્તન
મેલા કપડા જરૂર ધોવા જોઈએ, પરંતુ તેમાં પણ મર્યાદા રાખવી અને કેટલો બળ પ્રયોગ કરવો તેની જાણકારી હોવી જોઈએ. કપડાં ફાટી જાય તે હદ સુધી ધોવાં ન જોઈએ. કેટલાક ડાઘ ધીરે ધીરે અને લાંબા સમયે દૂર થાય છે. આપણું વર્તન પણ ધોબી જેવુ હોવું જોઈએ, વર્તનમાં પ્રમાણ ભાન બહુ મહત્ત્વનું છે. બહુબલી હો તો પણ શક્તિ પ્રયોગ વારંવાર થવો ન જોઈએ. નબળા લોકો ઉપર બળ પ્રયોગ ન કરવો, માફ કરી દેવું અથવા તેનાથી દૂર ખસી જવું. કલયુગમાં સ્વાર્થ અત્ર તત્ર સર્વત્ર છે. નાણું જ નાથાલાલ છે. તમારી આર્થિક પરિસ્થિતિને હાસ્યાસ્પદ બનવા ન દો. વધુ પડતા ધનથી તોછડાઈ આવે તેવું અનુભવે જણાયું છે. ધનને પચાવતા શીખો. દાન દક્ષિણા કરી પ્રસિદ્ધિ ન કરો. જો તમે ધનિકની વ્યાખ્યામાં આવતા હો તો રાત્રે સૂતા સમયે પાંચ મિનિટ મિલકત બાબતે વિચારો. ધન કાયમી નથી. સંબંધો આજીવન છે. જો કે, ધનિકો આવું બહુ વિચારતા નથી તે પણ વાસ્તવિકતા છે. ખિસ્સા ભરવા કરતાં દય ભરો. લાગણીઓનો સંગ્રહ કરો.
વિજ્ઞાન ક્ષેત્રમાં 'બિહેવીયર' માટે આખું અલગ શાસ્ત્ર છે. મનોવૈજ્ઞાનિક શાખા તે બાબતે બહુ ઊંડો અભ્યાસ કરે છે. ગુજરાતીમાં તેને 'વર્તન વિજ્ઞાન' કહેવામાં આવે છે. ફાટી જાય ત્યાં સુધી કપડાંને ધોકા મારનાર મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બીમાર ગણવામાં આવે છે.
'પડી પટોળે ભાત, ફાટે પણ બદલે નહીં'.. એવી ગુજરાતી કહેવત છે. સ્વભાવનું પણ પટોળાની ભાત જેવું જ છે. 'સ્વભાવ સ્મશાન સુધી ભેગો આવે' તે પણ કહેવત છે.
પવિત્રતા
જીવનની મોટા ભાગની સમસ્યાઓ ખોટું બોલવાથી, વધુ પડતું બોલવાથી અને અડધું સાંભળવાથી આવે છે. માણસના મગજમાં વાણી અને વર્તન માટે પ્રોસેસર હોય છે, જે સતત જીભ અને કાનની કામગીરીનું વિશ્લેષણ કરે અને કમાન્ડ આપે. હવે ગરબડ એ છે કે, ધર્મના વિચારો કરતું મગજ ચોરી કરવી, ખોટું બોલવું, આક્રોશ કરવો, ભેદભાવ કરવાના કમાન્ડ કેમ આપે છે? કારણ કે, આપણા મગજમાં સ્વાર્થ અને લાલચ નામનો વાઇરસ ઘર કરી ગયો છે. દિવસની શરૂઆત ધર્મ ધ્યાનથી કરવામાં આવે અને પછી અધર્મનું આચરણ શરૂ થઈ જાય છે!
વાચા અને શ્રવણ પ્રભુનો પ્રસાદ છે. મૂક બધિર લોકોને આ બે ક્રિયાઓનું મહત્ત્વ પૂછજો. આપણે વાચા અને શ્રાવણને ભ્રષ્ટ કરી ચૂક્યા છીએ. ખોટું બોલવું તે પાપ છે. પૂરતું ન સંભાળવું તે પણ પાપ છે. સાંભળેલા શબ્દોનો યોગ્ય અર્થ કરવો તે પ્રાથમિક ફરજ છે. 'સંબંધોમાં અંતર' અને 'કિલોમીટરના અંતર'માં જમીન આસમાનનો તફાવત છે.
શબ્દ અને શ્રવણ તિર્થ સમાન છે તેવું ધર્મ ગ્રંથો કહે છે. જ્યારે પણ વિકટ કે અનિશ્ચિત સંજોગો હોય ત્યારે મૌન પાળો. સામાન્ય સંજોગો હોય ત્યારે પણ મૌન રહેવું જોઈએ. મૌન એ સમાધિ અવસ્થા પણ ગણી શકાય. એક કહેવત અનુસાર 'ડાહૃાા લોકો ઓછું બોલે છે.' બકબકની કોઈ કિંમત હોતી નથી.
સમસ્યા
કળયુગમાં મોટી સમસ્યા એ છે કે.. સાચું શું? માતા પિતાને સંતાનો ઉપર શંકા રહે, પડોશી પડોશી વચ્ચે શંકા રહે, નેતાઓ નેતાઓ વચ્ચે શંકા રહે, વેપારી અને ગ્રાહક વચ્ચે શંકા રહે, શેઠ અને નોકર વચ્ચે શંકા રહે, દેશ દેશ વચ્ચે શંકા રહે.. તો પછી વિશ્વાસ કોનો કરવો?
વાણી, વર્તન અને વિચારો અપડેટ્સ કરવા બાબતે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ માસ્ટર 'ગોર્ક' ને પૂછતાં તે પણ અટવાઈ જાય છે અને ગોળગોળ જવાબો આપે છે. તેને માત્ર 'સોફ્ટવેર અપડેટ્સ' બાબતે જ ગોખણપટ્ટી કરાવવામાં આવી છે. તેને સામાજિક જ્ઞાન બહુ ઓછું હોય તેમ લાગે છે. તેને લાગે છે કે, અપડેટ્સની માત્ર કોમ્પ્યુટર, મોબાઈલ કે આધુનિક ઇલેકટ્રોનીક સીસ્ટમને જ આવશ્યકતા છે, માણસ તો સર્વાંગ સંપૂર્ણ છે. પરતું આ એ. આઈ. ને ખબર નથી કે, યંત્રો તો સુપેરે ચાલે છે, માણસો જ ગોટે ચઢ્યા છે! યંત્રોને જેવો કમાન્ડ આપો તેમ ચાલે, ઘણા લોકો તો લાગણીઓના કમાન્ડ સમજતા જ નથી અને આડેધડ વર્તન કરે છે. વૃદ્ધાશ્રમ તેના ઉત્તમ ઉદાહરણ છે. માતા-પિતાએ ભૂખ તરસ વેઠી મોટા કર્યા હોય તે સંતાનો તેને તરસતા તરછોડી દે છે. લાગણીઓ તો વસંત જેવી હોવી જોઈએ, આપમેળે મહોરે! સંબંધો તો બારમાસી હોય, તેને વસંત કે પાનખર ન આવે. બાવળના વનને ઋતુઓ સ્પર્શ કરી શક્તિ નથી, તે તો કાયમ લીલા છમ્મ રહે છે.
ઉકેલ
જેમાં વાઇરસ ઘૂસી ગયો હોય તે સોફ્ટવેરને 'રન' કરવામાં બહુ મુશ્કેલી થાય છે. બહુ મોટો અટેક હોય તો હાર્ડ ડ્રાઈવ પણ ભૂંસી નાખે છે. મહત્ત્વનો ડેટા ડિલીટ થઈ જાય છે. માણસના મગજ અને હદયનું પણ આવું જ છે. આપણી લોક બોલીમાં કહીએ છીએ કે, 'મગજમાં ઘૂસી ગયું છે'. આ મગજમાં એન્ટિ વાઇરસ રાખવો જોઈએ. 'શાંતિ' બધી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.
'નોબત'ના વાચકો અને ચાહકો શાંતિથી જીવે અને બધાને શાંતિથી જીવવા દે તેવો અનુરોધ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial