Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન

કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઘડાયુ સમયબદ્ધ આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ સ્વચ્છોત્સવ-૨૦૨૫ અંતર્ગત જામનગર જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવાશે. જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમના સુચારૃ આયોજન અંગે બેઠક યોજાઈ હતી. તદૃનુસાર જામનગર જિલ્લામાં ત્રણ પખવાડિયા સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર પરિવહન હબ, રોડ-રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો, જળસ્ત્રોતો તથા બજારોની વિશેષતઃ સાફ-સફાઈ કરાશે. આ જ રીતે સમગ્ર રાજ્ય તથા દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને નિર્મળ ગુજરાત ૨.૦ અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ, પરંતુ ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જામનગર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના સુચારૃ આયોજનના ભાગરૃપે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે, નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું લગત વિભાગોને આયોજન કરવા જણાવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા અભિયાનની સાથે સાથે થીમ બેઈઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૃરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અઠવાડિક થીમના આધારે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં,

તા.૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રિક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો તેમજ ટ્રેકિંગ અને કેમ્પિંગ સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૩૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર દરમિયાન વિવિધ નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા, વરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૭ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ, સિગ્નલ્સ, ખુલ્લા પ્લોટ અને પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓ ઉપરાંત બેક લેનની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન વિવિધ વાણિજ્ય વિસ્તારો, એપીએમસી માર્કેટ, શાકભાજી માર્કેટ અને સ્ટ્રીટ ફૂડ માર્કેટ સહિતની વિવિધ બજારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તા.૨૧ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ભંગારનો નિકાલ, રેકર્ડ વર્ગીકરણ અને જૂના વાહનોની હરાજી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.

તા.૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન આઉટગ્રોથ વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી પોઈન્ટથી એપ્રોચ વિસ્તાર સુધીના સ્થળો, શહેરના તમામ ફૂટપાથ, રોડ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh