Advertisement
Author: નોબત સમાચાર

પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિની પર મોટરમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે ફીટકાર વરસ્યોઃ જેલહવાલે

આરોપી પોતાની પત્નીથી અલગ થઈ મહિલા પોલીસકર્મી સાથે રહે છેઃ

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૨૩: જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ગયા સોમવારે ધો.૧રની પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થિનીને કાળા કાચવાળી મોટરમાં બેસાડી લઈ અવાવરૂ સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. પ્રેમલગ્ન પછી સંતાન તથા પત્નીને છોડી એક મહિલા પોલીસકર્મી સાથે લિવ ઈન રિલેશનશીપમાં પોલીસ હેડકવાર્ટરમાં રહેતા આ શખ્સ સામે ફીટકાર વરસ્યો છે.

જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની ધો.૧રમાં અભ્યાસ કરતી પુત્રી ચાલુ મહિનામાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા આપવા માટે જામનગર આવતી રહેતી હતી. તે દરમિયાન ગઈ તા.૧રના દિવસે જામનગર પરીક્ષા આપવા આવી ત્યારે તેની સાથે જામનગરમાં મોટરની લે-વેચનો વ્યવસાય કરતો ભરત ગોવિંદભાઈ બામરોટીયા નામનો શખ્સ પરિચયમાં આવ્યો હતો. આ વેળાએ ભરતે તે વિદ્યાર્થિનીના મોબાઈલ નંબર મેળવ્યા હતા.

ત્યારપછી આ વિદ્યાર્થિનીને ભરતે મોબાઈલમાં મેસેજ કર્યાે હતો. તે પછી ગયા સોમવારે તેણી જ્યારે પરીક્ષાનું પેપર આપવા જામનગર આવી અને નવા એસટી ડેપો પર ઉતરી ત્યારે ભરત બામરોટીયા મોટર લઈને આવ્યો હતો. જ્યાંથી તેણે આ વિદ્યાર્થિનીને પરીક્ષા સ્થળે મૂકી જવાનું કહીને બેસાડ્યા પછી સાતરસ્તા પાસેથી નવા બનાવવામાં આવેલા ઓવરબ્રિજ નીચે એક અવાવરૂ સ્થળે લઈ જઈ ત્યાં મોટર પાર્ક કર્યા પછી કાળા કાચ ચઢાવી દઈ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ વેળાએ વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા ભરતે તેણીને ગળા પર ઈજા પહોંચાડી હતી. ત્યારપછી પરીક્ષા કેન્દ્રએ પહોંચી વિદ્યાર્થિનીએ પેપર લખ્યું હતું અને ત્યાંથી સાંજે જ્યારે ઘરે પહોંચી ત્યારે પરિવારજનોએ ગળા પર શું થયું તેમ પૂછતા આ વિદ્યાર્થિનીએ ભરત બામરોટીયાએ ગુજારેલા દુષ્કર્મની વાત કરતા હેબતાઈ ગયેલા પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કરી જામનગર દોડી આવી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં ભરત બામરોટીયા ઝડપાઈ ગયો છે. આ શખ્સને હાલમાં જેલહવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ભરત બામરોટીયાએ અગાઉ એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે પછી સંતાનની પ્રાપ્તિ થઈ હતી અને બંને વચ્ચે વિખવાદ થતાં તેમજ ભરત બામરોટીયા એક મહિલા પોલીસ કર્મચારીના સંપર્કમાં આવતા બંનેએ લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તેથી હાલમાં ભરત બામરોટીયા પોલીસ હેડકવાર્ટરમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh