Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આધુનિક્તા સાથે કેટલાક સ્થળે 'નવરાત્રિ'નો આભાસ થાય
એક માત્ર નવરાત્રિનો તહેવાર જ લાંબો તહેવાર છે. તહેવાર કરતા લોકકલા અને લોકસંસ્કૃતિ નવરાત્રિમાં પ્રગટ થતી જોવા મળે છે. નવરાત્રિ એટલે આબાલવૃદ્ધનો તહેવાર ગણાય છે, પણ યૌવન વધારે હિલોળે ચડે છે.
ગરબો એટલે ગુજરાતનું આગવું લોકધન ગરબો શબ્દ દીપગર્ભ ઘટ એ શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
ગરબાના અનેક પ્રકારો છે, જેમાં એકતાળી, બે તાળી, ત્રણ તાળી અને તાળી અને ચપટી વિગેરે પ્રકારે પ્રચલિત છે. ગરબાની આરાધના માઁ ની આરાધનાથી જ શરૂ થઈ જ્યારે ગરબીનો સંબંધ કૃષ્ણભક્તિ સાથે જોડાયેલો છે.
રાસ એ ગુજરાત પૂરતો જ મર્યાદિત નથી, રાસના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. દાંડિયારાસ, લસારાસ (બબ્બેની જોડીમાં) અને પંડલ રાસ અથવા તો તાલી રાસ.
સૌરાષ્ટ્ર, ગુજરાતના વિવિધ પ્રદેશો સાથે વિશિષ્ટ શૈલીના નૃત્યો જોડાયેલા છે. જે તે પ્રદેશની ઓળખ પણ તે નૃત્યને ગણાવી શકાય છે. ચોમાસામાં લીલાછમ પાકથી લહેરાતું ખેતર અને તેમાં આનંદ, ખુશી થતા મનનો પડઘો ભાવનગર પ્રદેશનું કોળી નૃત્ય 'ઢોલો રાણો'માં દેખાય છે. નળકાંઠાના ભાલના પઢારો રાસની કુશળતા, ગીત, તાલ, લય અને મંજિરારાસ ઉમેરીને એકધારા વાંજિત્રોના સંગાથે વગાડતા જાય છે. બેઠા બેઠા આખા સૂઈ જઈને સુતા સુતા આખા ફરીને બેસી જઈને લયબદ્ધ રીતે આ બેઠોરાસ મંજિરા સાથે ખૂબ જ જોવો ગમે તેવો હોય છે.
શોર્યવાન મેર લોકો દાંડિયાને તલવારના ઘા વીંઝાય તેમ વિંજે છે અને નાના-મોટા બધા સાથે મળીને રાસ લે છે.
ગુજરાતના ઘણાં પ્રદેશોમાં બાળક આવવાનું હોય ત્યારે સીમંત વખતે રાંદલમાને તેડાવવા પૂજાનો મહિમા જોવા મળે છે અને રાંદલમાને રાજી કરવા ઘોડો ખૂંદવામાં આવે છે.
કોળી સમાજની શ્રમજીવી બહેનો ટિપ્પણી નૃત્ય સોરઠ ચોરવાડ પંથકની શ્રેષ્ઠ વિશિષ્ટતા છે. નારીની કોઠાસૂઝ અને મહેનતપણું આ ટિપ્પણી નૃત્યુ પૂરૃં પાડે છે. આખો દિવસ થાકેલી થાક અને શ્રમને નૃત્ય, તાલ, સંગીત અને સૂરને સંગાથે વિસરી જવાને માટે 'ટિપ્પણી' નૃત્યની શરૂઆત થઈ. ચૂનાનો ધાબો દેવા માટે અગાઉના સમયમાં વપરાતું લાકડાનું સાધન એ જ 'ટિપ્પણી' લાંબી લાકડી અને તેના છેડે ચોરસ કે ગોળ લાકડાનો કે લોખંડનો ટૂકડો લગાડેલી ટિપ્પણીઓ લઈ સામસામે ગોળાકાર ફરતા તેને પછાડતા પછાડતા (ધરબતા) નૃત્યુ કરે છે. ગળામાંથી હલક, મંજિરા, ઢોલ, શરણાઈ અને ગીતોની રંગત નૃત્ય કરતી મહિલાઓનો જુસ્સો જોય નર્યો દેખાઈ આવે છે.
માતાજીની સ્થાપના કરવા પૂર્વે આજે પણ આદિવાસી પ્રજા બાજોઠ (બાજોઠ (મોટો પાટલો) ના ચાર ખૂણે વાંસ બાંધી, ચૂંદડીને ફરતી વીંટી વચ્ચે પાટલા પર માતાજીને બેસાડી 'જાગ' નૃત્ય કરવામાં આવે છે. આ જાગમાં માતાજીના જવારા રાખી અને જાગનૃત્ય રચાય છે.
કોળી, કણબી, તેમજ બીજી અન્ય પછાત જાતિની સૌરાષ્ટ્રની એક અત્યંત સુંદર અને કસબભરી રાસ તે ગૂંથણીરાસ છે. આવડત અને પ્રેક્ટીસને આધારે જ આ રાસ થાય છે. ઉપર અધ્ધર બાંધેલ કડીમાં બાંધેલી લાંબા રંગબેરંગી કપડા કે પછી દોરીના છેડા જેટલા હોય તેટલા રમવાવાળા આ દોરી હાથમાં લઈ અલગ રીતે અંદર-બહાર ફરતા રહે છે. ઉઠક-બેઠક અને ફૂદરડી સાથે સાથે દોરી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા રાસ રમવાના ચલન અને ઊંધી રીતે રાસ લઈને ફરીથી ગૂંથણી ખોલી ઉખેવી શકાય છે. જેને ગોફણ રાસ પણ કહેવાય છે.
નવરાત્રિ કે નટરાત્રિ
આજે શેરી ગરબો ખોવાયો છે પાર્ટી પ્લોટ્સ અને વિશાળ ફાર્મ હાઉસમાં બહું ખર્ચાળ ગરબા યોજાય છે, પણ તેમાં માતાજીના ફોટા સુદ્ધા હોતા નથી. માત્ર ને માત્ર શરીર અંગોનું પ્રદર્શન અને સિને કલાકારોની ઘેલછામાં ગરબો ખોવાયો છે. વ્યવસાયિક ગરબાના આયોજન પાછળ ઠંડાપીણા, ટીવી કે ઘરઘંટીવાળા મોટું બજેટ પૂરૃં પાડ છે. તેમાં ફિલ્મ સ્ટાર ભળતા આજે નવરાત્રિ નટરાત્રિ બની ગઈ છે.
ભગતો ખોવાઈ ગયા
આજે ગરબા એટલે મ્યુઝિકના ધમાકા અને મોંઘીદાટ ઓરકેસ્ટ્રા પણ પહેલા એકલા ભગત નવરાત્રિમાં ધૂમ મચાવતા. રપ વર્ષ પહેલા જીતુ ભગત, બિન્દુ ભગત, અમુ, જગત, જશુ ભગત જેવા નાનામોટા ભગતો પોતાની રીતે જ ગરબાના સ્થળે પહોંચી જતા, આજે પણ કેટલાય ભગતોએ પોતાની કળા ટકાવી રાખી છે, જ્યારે કેટલાકે જમાના સાથે ચાલવાનો પ્રયત્ન કર્યો છે.
જિતેન્દ્ર ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial