Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે દિપાવલી છે, અને સંવત ૨૦૮૧નો છેલ્લો દિવસ છે. આમ, તો આજે બપોર પછી આસો વદ અમાસ જ રહેશે તેથી વિક્રમ સંવતનો અંતે આ વર્ષે બે દિવસો છે, તેમાંથી આજે દિવાળી ઉજવાઈ રહી છે અને આવતીકાલે 'અવકાશ' રહેશે, જેને આપણે ગામઠી ભાષામાં 'ધોકો' કહીએ છીએ. તા. ૨૨મી ઓક્ટોબરે નૂતનવર્ષ ઉજવાશે એટલે કે કારતક સુદ એકમથી વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થશે. આજે ઘેર-ઘેર રંગોળીઓ દોરાઈ છે, આતશબાજી થઈ રહી છે. વેપારીઓ ચોપડા પૂજન કરી રહ્યા છે. મીઠાઈઓની આપ-લે થઈ રહી છે. લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રોનક છે, મંદિરોમાં વિશેષ દર્શનો થઈ રહ્યા છે અને અન્નકોટ મનોરથો સહિતના વિશેષ મનોરથો, સેવા-પૂજા-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજોમાં આજે બાળકોની "હાટડી" ભરવાનો રિવાજ પણ પ્રચલીત છે. મોટા ભાગે રઘુવંશી વ્યાપારી સમાજના લોકો સંતાનોના નામની "હાટડી" ભરે છે, અને ભગવાન સમક્ષ મીઠાઈ-ફરસાણ, ફ્રૂટ-ડ્રાયફ્રૂટ અને વિવિધ પ્રકારની વાનગીઓ ધરીને અને દીપમાળા પ્રગટાવીને વિશેષ સેવા-પૂજા કરે છે, તે પછી પ્રસાદ લોકોને વહેંચીને સામૂહિક રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. આવી જ રીતે જુદા જુદા સમાજોમાં વિવિધાસભર પરંપરાઓ અને રિવાજો મુજબ દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને દીપાવલી પર્વની શુભકામનાઓ પણ અપાઈ રહી છે. ઘરો શણગારાયા છે, આજે રાત્રે ઠેર-ઠેર દીપમાળાઓ, રોશની અને સુશોભન-શણગાર સાથેનો અનોખો ઝગમગાટ અદ્ભુત દૃશ્યો ઊભા કરશે. અયોધ્યામાં તો લાખો દીવડાઓની વિક્રમસર્જક રોશની આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે અને આજે દીપાવલીના દિવસે ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની ઉજવણી પણ અયોધ્યાની રામ જન્મભૂમિ સહિત દેશ-વિદેશમાં થઈ રહી છે.
ગુજરાતના યાત્રાધામો રોશની સુશોભનથી ઝળહળી રહ્યા છે અને યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે, જ્યારે હરવા-ફરવાના સ્થળો તથા ઐતિહાસિક અને હેરિટેજ સાઈટ્સ પર પણ પર્યટકો વધી રહ્યા છે, જામનગરમાં નવીનીકરણ પછીનો ભુજીયો કોઠો, તળાવની પાળ, રણજીતસાગર સાઈટ, નગરના બાગ-બગીચા તથા અન્ય તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, ધાર્મિક સ્થળો તથા હોટલ-રેસ્ટોરન્ટો-ભોજનાલયો-ડાઈનીંગ હોલમાં ભીડ ઉમટવા લાગી છે. જામનગરમાં તો બે-ત્રણ દિવસથી ઘણાં રેસ્ટોરન્ટો, ડાઈનીંગ હોલ અને હોટલ્સની "ઓનલાઈન" તથા "હોમ ડીલીવરી"ની સેવાઓ કામચલાઉ રીતે બંધ કરવી પડી હતી, કારણ કે એટલા બધા ઓર્ડર આવ્યા હતા કે પહોંચી શકાય તેવું નહોતું. બીજી તરફ મોટી હોટલો, રિસોર્ટસ, ટ્રાવેલ્સ તથા નાના-મોટા વાહનોમાં એડવાન્સ બુકીંગ પણ છેલ્લા એક અઠવાડીયામાં વધી જતાં ઘણાં સ્થળો હાઉસફૂલ થઈ ગયા છે. દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશના પ્રવાસ-પર્યટન અને પારિવારિક તથા સામાજિક પ્રવાસો વધ્યા છે અને ટૂર પેકેજોના માધ્યમથી ઘણાં બધા લોકો પ્રવાસ-પર્યટન માટે અન્ય રાજયો કે દેશોમાં પણ પહોંચ્યા છે.
જામ-ખંભાળીયની ડમ્પીંગ સાઈટ સળગી, તેથી જે ચિંતા સર્જાઈ, તેના પરથી તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, બાગ-બગીચા, હોટેલ-રિસોર્ટસ, ધાર્મિક-સામાજિક સ્થળો, વાહન મથકો, પાર્કિંગ સ્થળો, દર્શનીય-ઐતિહાસિક કે હેરિટેજ સ્થળો, રેલવે-બસ વિમાનમથકો સહિત જ્યાં જ્યાં લોકોની ભીડ થતી હોય, તેવા તમામ સ્થળો પર વિશેષ સાવધાની રાખવાની ચેતવણી પણ અપાઈ રહી છે. અને લોકોને ફટાકડા ફોડીને આતશબાજી કરતી વખતે તથા દીપમાળાઓ કે દર્શન-પૂજન-સામૂહિક આરતી વગેરે કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ રહી છે.
દ્વારકામાં જગતમંદિરનો ઝળહળાટ અને નગરીમાં ધમધમાટ દુનિયાભરમાં વિવિધ આધુનિક માધ્યમોથી પ્રસરી રહ્યો છે. અગિયારસથી લાભપાંચમ સુધી જગતમંદિરમાં વિવિધ પ્રકારના વિશેષ દર્શન થઈ રહ્યા છે અને થવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ હુંડી લખી હતી અને તે શામળીયા શેઠે અથવા શામળશાએ સ્વીકારી હતી, તેની સ્મૃતિઓને પણ આવરી લેવામાં આવી રહી છે. સુદર્શન બ્રિજના આકર્ષણ સાથે ભગવાન દ્વારકાધીશના નિવાસસ્થાન મનાતા બેટ દ્વારકા ઉપરાંત લોકો દ્વારકા સંકુલના બીચ શિવરાજપુર, ઓખામઢી અને નાગેશ્વર તથા હર્ષદ માતાજી, જલારામ મંદિર સહિતના દ્વારકામંડળના સ્થાનિક મંદિરોમાં પણ ઉમટી રહ્યા છે.
આપણા દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ તહેવારો-પ્રસંગો અને પરંપરાઓ પ્રચલીત છે, જે હવે પ્રદેશ-ભાષા-જ્ઞાતિ-જાતિ-સમાજના સિમાડા તોડીને સાર્વજનિક થઈ ગયા છે. ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રસર્યા છે તો મહારાષ્ટ્રનો ગણેશોત્સવ પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પ્રચલીત થયો છે., દિવાળી પછી લાભપાંચમ સુધીમાં નૂતનવર્ષ, ભાઈબીજ અને તે પછી દેવદિવાળીના તહેવારો તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સદીઓથી ઉજવાતા હતા, પરંતુ હવે દિવાળી પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવાતું છઠ્ઠનું પર્વ પણ આપણે ત્યાં ઘણું જ પ્રચલીત થયું છે. છઠ્ઠના બીજા દિવસે કારતક સુદ સાતમના દિવસે જલારામબાપાની કર્મભૂમિ વીરપુર તથા જામનગર-હાલાર સહિત દેશ-દુનિયામાં ઠેર ઠેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થાય છે, અને રઘુવંશી પરિવારોના સમૂહ ભોજનના કાર્યક્રમો પણ ઘણાં સ્થળે યોજાય છે. જલારામ જયંતી પણ હવે વૈશ્વિક બની છે. આમ, વિવિધતામાં એકતાના સુત્રને સાર્થક કરતી આ ઉજવણીઓ વિશ્વવ્યાપી બની છે, તેમાં અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયાનું આધુનિકરણ, ઈલેકટ્રોનિક મીડિયાનું કવરેજ, મુખ્ય સ્થળોના સુધરેલા માર્ગો, પરિવહન બુકીંગ અને ટ્રાન્સ્પોર્ટેશનની વધેલી સુવિધાઓ, રોડ-રેલવે-હવાઈ પરિવહનની સુધરી રહેલી અને વિસ્તૃત બની રહેલી સગવડો તથા લોકોમાં પ્રવાસ, પર્યટન અને ધર્મ-ભક્તિ સાથે આનંદ-મોજ-મસ્તીના સંયોજન સાથે આયોજનપૂર્વકના ક્ષમતા મુજબના ટૂર પેકેજોના વિકલ્પો સાથે ગ્રુપ બનાવીને ફરવા જવાની મનોવૃત્તિ પણ કારણભૂત છે.
બીજી ટર્મમાં ચૂંટાયા પછી વિવાદાસ્પદ બનેલા ટ્રમ્પની સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો હોય તેમ લાખો લોકો સડક પર ઉતર્યા હોય કે દિલ્હીમાં જંતરમંતર પર દેશના પેન્શનરોના દેખાવો થયા હોય, અધકચરા યુદ્ધ વિરામોના કારણે ઈઝરાયલ-ગાઝા-હમાસ જેવા ધૂંધવાતા ભારેલા અગ્નિ હોય કે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ, ચીન-અમેરિકા ટ્રેડ વોર અને રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે પછી પાકિસ્તાન સહિતના દેશોમાં આંતરિક ગ્રહ યુદ્ધ ફાટી નીકળ્યા હોય, આ વખતે અનેક પ્રકારના આરોહ-અવરોહ અથવા ઉતાર-ચઢાવ છતાં આપણો દેશ વિચલીત થયો નથી, તે આપણાં દેશની જનતાની તાકાત છે.
હવે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષે દુનિયામાં તૂંડ મિજાજી, તાનાશાહી અને સરમુખત્યારશાહી ધરાવતી શાસનવ્યવસ્થાઓ પર અંકુશ આવે, અથવા નષ્ટ થાય, સુખ-શાંતિ અને સહ-અસ્તિત્વના સિદ્ધાંત સાથે વિશ્વશાંતિ સ્થપાય અને વિશ્વકલ્યાણને કેન્દ્રમાં રાખીને દુનિયાના બધા દેશો પરસ્પર સહયોગી બનીને આગળ વધે તેવી આશા રાખીએ અને નવું વર્ષ આખી દુનિયા માટે મંગળમય, શાંતિમય અને વિકાસ તથા કલ્યાણમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, ઈ-પેપરના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતની વિવિધ સોશ્યલ મીડિયા એક્ટિવિટીઝના ફોલોઅર્સ, મોબાઈલ ફોન-વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યુઝના ગ્રુપના સભ્યો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે, અને નવું વર્ષ સુખ-શાંતિ-સમૃદ્ધિ સારૃં સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય આપનારૃં નિવડે, તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial