Advertisement
Author: નોબત સમાચાર

ધુતારપર પાસે બે બાઈક ટકરાઈ પડતાં બજરંગપુરના યુવાન અને શ્રમિકના મૃત્યુઃ ચાર વર્ષની બાળકીને ઈજા

આરાધનાધામ પાસે ભેંસ આડી ઉતરતા અકસ્માતઃ નાના માંઢાના યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના કાલાવડ નજીકના ધુતારપર ગામથી પીઠડિયા તરફના રોડ પર ગઈકાલે સાંજે બે બાઈક સામસામે ટકરાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં બજરંગપુરના એક યુવાનનું તથા સામેના બાઈકના ચાલક શ્રમિકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. શ્રમિક સાથે જઈ રહેલી ચાર વર્ષની બાળકી પણ ઘવાઈ છે. જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આરાધનાધામ નજીક બે સપ્તાહ પૂર્વે રોડ પર આવી ગયેલી ભેંસ સાથે અકસ્માત ટાળવા જતાં મોટા માંઢાના યુવાનનું બાઈક સ્લીપ થયું હતું. ઘવાયેલા યુવાનનું મૃત્યુ થયું છે.

જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં વસવાટ કરતા રમેશભાઈ કાબાભાઈ દોમડીયા (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે સાતેક વાગ્યે જીજે-૧૦-એસ ૯૪૪૫ નંબરના મોટરસાયકલ પર પીઠડીયા ગામથી બજરંગપુર પરત આવતા હતા.

તેઓ જ્યારે ખારાવેઢા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૬-બીએફ ૩૦૨૭ નંબરના ડબલસવારી મોટરસાયકલે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. બંને વાહનોના ચાલકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં રમેશભાઈને કપાળ, મ્હોં તથા ગોઠણમાં ઈજા થઈ હતી. જ્યારે સામેના બાઈકના ચાલક બિસનસિંગ શંકરભાઈ અજનારને પણ ગંભીર ઈજા થઈ હતી. તેની સાથે રહેલી ચાર વર્ષની એક બાળકીને પણ પગ તથા માથામાં ઈજા પહોંચી હતી. 

ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી રમેશભાઈ તથા બિસનસિંગને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતક રમેશભાઈના નાનાભાઈ ભરતભાઈ કાબાભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એ.આર. પરમારે ૩૦૨૭ નંબરના બાઈકચાલક બિસનસિંગ અજનાર સામે ગુન્હો નોંધ્યો છે. ઘવાયેલી બાળકીને સારવાર આપવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના હરદેવસિંહ વજુભા જાડેજા (ઉ.વ.૪૪) નામના યુવાન ગઈ તા.૧૬ની બપોરે ખંભાળિયાથી પોતાનું કામ પૂર્ણ કરીને મોટરસાયકલ પર નાના માંઢા તરફ પરત ફરી રહ્યા હતા.

તેઓ જ્યારે નાના માંઢા-આરાધનાધામ રોડ પર એક કેન્ટીન નજીક પહોંચ્યા ત્યારે અચાનક માર્ગ પર ભેંસ આવી જતાં તેની સાથે ટક્કર ન થાય તેનો પ્રયાસ કરવા જવામાં હરદેવસિંહનું બાઈક સ્લીપ થયું હતું. રોડ પર પડી ગયેલા આ યુવાનને ખાનગી વાહનમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ અરવિંદસિંહ વજુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. વાડીનાર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh