Advertisement
Author: નોબત સમાચાર

આજથી શરૂ થતાં વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ માટે ખેલૈયા સાથે પોલીસ પણ તૈયાર

અર્વાચીન-પ્રાચીન ગરબીના સ્થળોએ ચૂસ્ત બંદોબસ્તઃ રોમિયોને પાઠ ભણાવવા પોલીસ સજ્જઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૨: જામનગર શહેર-જિલ્લામાં આજથી વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેર તથા જિલ્લામાં યોજાતા બાવીસ અર્વાચીન ગરબા તેમજ સાડા સાતસો પ્રાચીન ગરબીઓના સ્થળે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટેની કેટલીક વિગતો ગઈકાલે એસપી દ્વારા આપવામાં આવી હતી.

જામનગર શહેર તથા જિલ્લામાં આજથી નવરાત્રિ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં નાગરિકો નવરાત્રિ મહોત્સવ માણી શકે અને તમામ સ્થળોએ કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે તે માટે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીના વડપણ હેઠળનો પોલીસ કાફલો બંદોબસ્ત ગોઠવી રહ્યો છે.

જામનગર જિલ્લામાં જુદા જુદા પાર્ટી પ્લોટ્સમાં આ વર્ષે યોજાનારા બાવીસ જેટલા અર્વાચીન આયોજન તેમજ નાની મોટી ૭૫૦ જેટલી પ્રાચીન ગરબીઓમાં તેમજ દશેરાની ઉજવણી અંતર્ગત યોજાનારી છ શોભાયાત્રા, રાવણદહનના બે કાર્યક્રમમાં પણ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.

જામનગરના જિલ્લા પોલીસવડા ડો. સૈનીની અધ્યક્ષતામાં એક એએસપી, ચાર ડીવાયએસપી, ર૧ પીઆઈ, ૩૦ પીએસઆઈ સહિત ૭પ પોલીસ અધિકારીઓના વડપણ હેઠળ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝના જવાનો, જીઆરડી જવાનો, ટ્રાફિક શાખાના ૪૫ કર્મચારી મળી ૮૦૦ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્તમાં જોડાશે.

પોલીસની ૩૦ મોટર, જનરક્ષક પોલીસના ૨૭ વાહનો, ૮૦ પોલીસ બાઈકની મદદથી સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. છ ચેકપોસ્ટ પર વીડિયોગ્રાફી થશે, ૨૦૬ બોડીવોર્ન કેમેરા તેમજ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ કરવામાં આવશે. કાળી ફિલ્મોવાળી મોટરો, નંબર પ્લેટ વગરના વાહનો, મોડીફાઈડ કરેલા સાયલેન્સર લગાડેલા વાહનો, વધુ સ્પીડમાં દોડતા વાહનો સામે પણ કાર્યવાહી થશે. અસામાજિક પ્રવૃત્તિ આચરતા અને રોમીયોગીરી કરતા શખ્સોને પકડી પાડવા પોલીસની ખાસ ટીમો નજર રાખશે.

તે ઉપરાંત પાર્ટી પ્લોટ કે અન્ય મેદાનમાં યોજાતા ગરબાના સ્થળે પાર્કિંગ તથા અંધારાવાળી જગ્યાઓએ ફરજિયાતપણે લાઈટ અને સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગરબાના સ્થળોએ પ્રવેશ તથા બહાર નીકળવાના જુદા જુદા ગેઈટની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ જે તે ગરબાના આયોજકોએ ગરબા સ્થળની આજુબાજુમાં સો મીટર સુધી પાર્કિંગ માટે વ્યવસ્થા ગોઠવવા અને ટ્રાફિકજામ ન થાય તે જોવા સૂચના અપાઈ છે. ફાયર સેફટીની જરૂરી વ્યવસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવા એસપી દ્વારા સૂચના આપવામાં આવી છે. ગરબાના સ્થળ પર સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા તેમજ વોશરૂમ અને પાણીની પણ વ્યવસ્થા રાખવાની થશે.

જે તે ગરબાના સ્થળે રાખવામાં આવેલી એલઈડી સ્ક્રીન પર પોલીસના ઈમરજન્સી વાહન તથા મહિલા અભયમ્ના પોસ્ટર પ્રસારીત કરવાના રહેશે જેથી લોકો ઈમરજન્સીના સમયમાં તેનો ઉપયોગ કરી શકે. ગરબાના સ્થળોએ રોમિયોગીરી અટકાવવા જામનગર જિલ્લા પોલીસની શી ટીમ ખાનગી વસ્ત્રોમાં ફરજ પર રહેશે અને છેડતી, પજવણી કરતા શખ્સોને પકડી પાડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh