Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈની એનઆઈએ કોર્ટમાં ૧૭ વર્ષે આવ્યો ચુકાદોઃ અદાલતે કહ્યું: "એક પણ આરોપ પુરવાર થતો નથીઃ આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી"
મુંબઈ તા. ૩૧: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ જાહેર થયા છે. કોર્ટે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. એક પણ આરોપ પુરવાર થઈ શકયો નથી.
આજે એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આ નિર્ણય ૧૭ વર્ષ પછી આવ્યો. ન્યાયાધીશ એ.કે. લાહોટીએ કહૃાું કે એ સાબિત થઈ શક્યું નથી કે જે બાઇકમાં બ્લાસ્ટ થયો હતો તે સાધ્વી પ્રજ્ઞાના નામે હતી. એ પણ સાબિત થઈ શક્યું નથી કે કર્નલ પ્રસાદ પુરોહિતે બોમ્બ બનાવ્યો હતો. કાવતરાનો કોઈ પણ ખૂણો સાબિત થયો નથી.
આ વિસ્ફોટમાં ૬ લોકો માર્યા ગયા હતા. લગભગ ૧૦૧ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ પાછળ હિન્દુ રાઇટ વિંગ સાથે સંકળાયેલા લોકોનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૧માં, આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. ૨૦૧૬માં, એનઆઈએએ ચાર્જશીટ દાખલ કરી હતી.
મુંબઈની સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ૧૭ વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપીઓ ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણીને અદાલત દ્વારા આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), શસ્ત્ર અધિનિયમ અને અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં ૬ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર પોલીસના એટીએસ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ)એ શરૂઆતમાં આ કેસની તપાસ કરી હતી, ત્યારબાદ તે એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલી રહેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને આરોપોને કારણે આ ચુકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ બ્લાસ્ટ રમઝાનના મહિનામાં અને નવરાત્રિ પહેલાં જ થયો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એ.કે. લાહોટી દ્વારા થઈ રહી હતી. સાધ્વી પ્રજ્ઞાની ઓક્ટોબર, ૨૦૦૮માં ધરપકડ કરવામાં આવી હતી. બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ હોવાથી તેમની ધરપકડ થઈ હતી. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી સ્ક્વોડએ દાવો કર્યો હતો કે, મુસ્લિમની વસ્તી ધરાવતા વિસ્તારને નિશાન બનાવી બ્લાસ્ટ કરવાના ષડયંત્રમમાં સાધ્વી પ્રજ્ઞા સામેલ હતાં. આ સિવાય લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત કે જે તે સમયે સેનાની મિલિટ્રી ઈન્ટેલિજન્સ વિંગમાં સેવા આપી રહૃાા હતાં. તેમના પર અભિનવ ભારત નામના કટ્ટરપંથી હિન્દુ સંગઠનને મદદ કરવાનો આરોપ મૂકાયો હતો. તેમની આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોની વ્યવસ્થા કરી આપી હોવાના આરોપસર ધરપકડ થઈ હતી.
આ કેસમાં ૩ તપાસ એજન્સીઓ અને ૪ ન્યાયાધીશો બદલાયા છે. પહેલા નિર્ણય ૮ મે ૨૦૨૫ના રોજ આવવાનો હતો, પરંતુ બાદમાં તેને ૩૧ જુલાઈ સુધી અનામત રાખવામાં આવ્યો હતો.
એનઆઈએ કોર્ટમાં પહોંચેલી સાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું, મેં શરૂઆતથી જ કહ્યું છે કે જેને પણ તપાસ માટે બોલાવવામાં આવે છે, તેની પાછળ કોઈને કોઈ આધાર હોવો જોઈએ. મને તપાસ માટે બોલાવવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી. મને ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી મારૃં આખું જીવન બરબાદ થઈ ગયું. હું સાધુનું જીવન જીવી રહી હતી, પરંતુ મને ફસાવવામાં આવી અને આરોપી બનાવવામાં આવી હતી. કોઈપણ સ્વેચ્છાએ અમારી સાથે ઉભું રહ્યું નહીં. હું જીવિત છું કારણ કે હું સંન્યાસી છું. તેમણે ષડયંત્ર હેઠળ ભગવાને બદનામ કર્યા. આજે ભગવા જીત્યા છે, હિન્દુત્વ જીત્યું છે, અને ભગવાન દોષિતોને સજા કરશે.
માલેગાંવ બ્લાસ્ટ કેસ સુનાવણીની સમરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial