Advertisement
Author: નોબત સમાચાર

ક્યા ક્યા મુદ્દે, દિવાળી પછી રાઈટ ઓફ ઈન્ફર્મેશન હેઠળ માહિતી મંગાશે ? થોભો, અને રાહ જુઓ...

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાને મીઠાઈ અને ભેટ સોગાદો આપતા હોય છે. દશેરાના દિવસથી મીઠાઈઓ પહોંચાડવાની પ્રથા શરૂ થઈ જાય છે, પરંતુ ખાસ કરીને દિવાળી તથા નૂતન વર્ષના પ્રથમ દિવસે પરસ્પર શુભેચ્છાઓ પાઠવવાની સાથે સાથે મેવા-મીઠાઈ અને ભેટ સોગાદો આપવાની આપણી પ્રાચીન પરંપરા એક પ્રકારનો શિષ્ટાચાર ગણાય છે, પરંતુ આજના યુગમાં શિષ્ટાચારની આડમાં ભ્રષ્ટાચાર પણ આચરાતો હોય છે, અને કાયમ કામ પડતું હોય તેવા સરકારી તંત્રો, અધિકારીઓ અને કર્મચારીઓ જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વગદાર નેતાઓ તથા એજન્ટો-દલાલો અને પર્સનલ આસિસ્ટંટો સુધી આ શિષ્ટાચાર પહોંચતો હોય છે, અને તેનાથી પ્રેસ-મીડિયા પણ કદાચ બાકાત નથી.

શિષ્ટાચાર અને ભ્રષ્ટાચાર વચ્ચે પાતળી ભેદરેખા છે. જો દિવાળી ટાણે અપાતી મીઠાઈ, ભેટ સોગાદ કે રોકડિયા બક્ષીસો, ભેટ કૂપન્સ, ટૂર પેકેજો અથવા એકોમોડેશનની વિશેષ વ્યવસ્થાઓ કરી આપ્યા પછી તેના બદલામાં આખું વર્ષ "મીઠી નજર" રાખવાની અપેક્ષા રાખવામાં આવતી હોય તો તેને કોઈપણ એંગલથી શિષ્ટાચાર ગણી જ શકાય નહીં, અને એ પ્રકારના ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ ગણાય. બીજી તરફ આ પ્રકારની કોઈ પણ અપેક્ષા વિના ટ્રાન્સપરન્ટ ઢબે અને સમાન ધોરણે લોકો પરસ્પર મીઠાઈઓ કે ભેટ સોગાદ આપે, તો તે શિષ્ટાચાર ગણાય, પરંતુ આ ભેદરેખા ઘણી જ પાતળી હોય છે, તેથી ઘણી વખત ભૂંડા ભ્રષ્ટાચારમાં પણ શિષ્ટાચાર દેખાતો હોય છે, જ્યારે ઘણી વખત અણિશુદ્ધ શિષ્ટાચાર સાથે પરસ્પર થતા આ પ્રકારના વ્યવહારોને પણ આશંકાની નજરે જોવામાં આવતા હોય છે. આ પ્રકારના "શિષ્ટાચારો" કોની કોની વચ્ચે, ક્યા ક્યા પ્રસંગે અને કેવા સ્વરૂપમાં તથા કેટલા પ્રમાણમાં થતા હોય છે, તેના પરથી શિષ્ટાચારની આડમાં પનપતા ભ્રષ્ટાચારને પિછાણવાના પ્રયાસો થતા હોય છે.

દિવાળીના દિવસોમાં પ્રાચીન સંસ્કૃતિના શિષ્ટાચારની આડમાં સરકારી કચેરીઓમાં થતા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને ઓળખવા માટે આ વખતે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વિશેષ પ્રબંધો કર્યા હોવાના અહેવાલો સરકારી તંત્રોમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બન્યા છે.

એસીબીએ આ વખતે તમામ સરકારી કચેરીઓમાં ખાનગી વોચર્સ ગોઠવ્યા છે. દિવાળીના તહેવારોમાં કંપનીઓ, કોર્પોરેટ ગ્રુપો, સ્થાપિત હિતો ધરાવતા લોકો સરકારી બાબુઓને મોંઘી ગિફટ આપવા આવતા હોય છે, તેના પર આ ખાનગી વોચર્સ બાજ નજર રાખશે, અને સરકારી નિયમોનો ભંગ થતો જણાય કે શિષ્ટાચારના સ્વરૂપમાં ભ્રષ્ટાચાર પનપતો હશે, તો તેની નોંધ લેવાશે, તેવું જાહેર કરાયું છે.

જો કે, દિવાળી પહેલા જ જામનગરમાં કેટલાક વિસ્તારમાં રોડ પર ધંધો-વ્યવસાય કરવા દેવા માટે રૂ. ૧૪ હજારની નિયત ફી ઉપરાંત "સાહેબની સહી" માટે તગડી રકમ લેવાઈ હોય, તો તેની ઉંડી તપાસ થવી જ જોઈએ ને ?

ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો આ છેલ્લા ૧૪ દિવસમાં લાંચીયા આઠ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને દબોચી લીધા પછી તહેવારો દરમ્યાન ખાનગી વોચર્સ ગોઠવ્યા હોવાથી સરકારી તંત્રોમાં ફફડાટ ફેલાય એ સ્વાભાવિક છે.

માત્ર રાજ્ય સરકારની કચેરીઓ જ નહીં, પણ તમામ સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમો અને રાજયના જાહેર સાહસો સહિતના તમામ પબ્લિક સર્વન્ટ્સને આવરી લેવાયા હશે અને અધિકારીઓ જ નહીં, પરંતુ પદાધિકારીઓ વગેરે પર પણ એસીબી નજર રાખશે, તેવું ઈચ્છીએ. રાજયમાં આર.ટી.ઓના અમદાવાદના એક મહિલાકર્મી આવાસ યોજના સાથે સંકળાયેલા અરવલ્લીના આઉટસોર્સ કર્મચારી તથા ગ્રામસેવક, નડિયાદમાં એક એ.એસ.આઈ., નવસારીના એક કોન્સ્ટેબલ, તથા ખેરગામના એક કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ સામે લાંચરૂશ્વતનો કેસ નોંધાયા પછી તેને પુરવાર કરવા પૂરતા અને સંનિષ્ઠ પ્રયાસો થશે, તેવું પણ ઈચ્છીએ. એટલું જ નહીં, માત્ર દિવાળી ટાણે નહીં, પરંતુ આખું વર્ષ રેન્ડમલી ખાનગી વોચર્સ ગોઠવવા અને વાડ જ ચીભડા ગળે, તેવું પણ બને નહીં, તે જોવું પડે તેમ છે, કારણ કે તાકાતવાળા પરિબળો તથા લોભ-લાલચ કે કોઈપણ રીતે બ્લેકમેઈલીંગ જેવી તરકીબો અજમાવીને ખાનગી વોચર્સ જ ભ્રષ્ટ તરકીબોનું માધ્યમ ન બની જાય, તે પણ જોવું પડે ને ?

ખાનગી વોચર્સની વ્યવસ્થા ઉપરાંત હવે તો "તીસરી આંખ" એટલે કે સીસીટીવી કેમેરા નેટવર્કન્ું નિરીક્ષણ કરવાની છૂટ એન્ટી કરપ્શન બ્યુરોને અપાય અને, તમામ સરકારી બાબુઓ ઉપરાંત પદાધિકારીઓને પણ સીસીટીવી ના દાયરામાં સાંકળી લેવામાં આવે, તો પણ કરપ્શનના કરતૂતોના ઈલે. પુરાવા સાંપડી શકે છે, અને શાકભાજીની માર્કેટની જેમ કેટલાક કામો માટે ભાવતાલ કરતા કે અન્ડરટેબલ લાંચ સ્વીકારતા અધિકારી-પદાધિકારીઓ પર અંકુશ આવે.

હવે કરપ્શનના સ્વરૂપો બદલ્યા છે, પ્રત્યક્ષ લાંચ રૂશ્વતના બદલે પરોક્ષ નવતર પદ્ધતિઓથી લાંચ રૂશ્વતની રકમની ચૂકવણી મિલકત, હવાલો, ટૂર પેકેજ, હાઉસરેન્ટ કે સરકારી બાબુઓના સંતાનો કે પરિવારના નામે થઈ હોય, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ બિહારના લાલુપ્રસાદ યાદવ પર ચાલી રહેલા લેન્ડ ફોર જોબના કેસનું છે. આ કેસનો ફેંસલો આવે ત્યારે ખરો, પરંતુ સરકારી નોકરી આપવાના બદલામાં રોકડના બદલે જમીન કે માલ-મિલકત, વાહન, મોંઘી હોસ્પિટાલિટી કે વીઆઈપી સગવડોના સ્વરૂપમાં પણ આપી શકાતી હોય છે.

એસીબીનું આ રાજ્યવ્યાપી કદમ કેટલું સફળ થાય છે, અને અસરકારક બને છે, તે જોવું રહ્યું, કારણ કે જો આ માત્ર ક્રેડિટ ("હર્ષ") મેળવવા માટે કે યશ મેળવવા માટેનો પ્રોપાગન્ડા હશે તો સૂરસૂરીયું પણ થઈ શકે. આની ખરાઈ કરવા જિલ્લે-જિલ્લે દિવાળી પછી માહિતી અધિકાર હેઠળ જાગૃત લોકો કે વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે, તેવી પ્રબળ સંભાવના છે..!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh