Advertisement
Author: નોબત સમાચાર

જાગ રે રૈયત જાગ... જાગ રે રૈયત જાગ... જાગ રે, તારો ભેરૂ જગાડે... જાગ રે રૈયત જાગ...

                                                                                                                                                                                                      

નેપાળમાં સોશ્યલ મીડિયાનો પ્રતિબંધ હટાવ્યા છતાં રાજાશાહીની માંગણી સાથે આંદોલન ચાલુ છે. ભારતમાં પણ રાજાશાહીના સમયમાં જનતાને રૈયત કહેવામાં આવતી હતી અને રૈયત પ્રત્યેની રાજાની ફરજો "રાજધર્મ" ગણવામાં આવતો હતો. પ્રાચીન કાળમાં પણ આપણાં દેશમાં નાનામાં નાના નાગરિકના અભિપ્રાયને કેટલું મહત્ત્વ આપવામાં આવતું હતું, તે આપણાં રામાયણ, મહાભારત સહિતના ઘણાં ગ્રન્થોમાં લખાયેલું છે. આપણે ત્યાં એક લોકગીત ઘણું જ પ્રચલીત છે...જેના "જાગ રે માલણ જાગ.."થી શરૂ થયેલા શબ્દપ્રયોગો કર્ણપ્રિય લાગે છે, અને તેનો શબ્દાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ વિવિધાસભર સંદેશ પણ આપે છે.

આપણો દેશ આઝાદ થયો, તે પછી દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો, સમાન બંધારણ, સમાન ન્યાયતંત્ર, સમાન શાસન-પ્રશાસન અને સમાન સુખ-સુવિધાઓ મળ્યા હોવાના દાવાઓ થતા રહ્યા હોવા છતાં દેશમાંથી અનેક અસમાનતાઓ ગઈ નથી, અને કેટલીક અસમાનતાઓ તો કદાચ વધુ પનપી રહી છે. આપણે એટલે કે રૈયતે આ અસમાનતાઓના બુનિયાદી કારણો શોધી કાઢીને તેને ખતમ કરવા પડશે, અને આઝાદીના લડવૈયાઓએ જે પ્રકારની સમાનતાઓના સપનાં જોયા હતા, તે જ દેશદાઝ અને વિભાવનાઓ સાથેની વાસ્તવિક સમાનતાઓ મેળવવા આપણે સ્વયં ઝઝુમવુ પડશે, અને તે માટે રાજકીય, સામાજિક અને તમામ દૃષ્ટિએ તટસ્થતાથી વિચારવું જ પડશે. લોકતંત્રમાં જ્યારે જ્યારે રૈયત રિસાઈ જાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત સત્તાઓ પણ પલટાઈ જતી હોય છે અને ઊંડા મૂળિયા ધરાવતી શક્તિઓને પણ હરાવીને પાઠ ભણાવતી હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો આપણાં દેશમાં પંચાયતોથી લઈને પાર્લામેન્ટ અને ગામ, તાલુકા, જિલ્લા, રાજ્યથી કેન્દ્ર સુધીના સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં જોવા મળે છે. જે પાળની વર્તમાન સ્થિતિ પણ જનતાની તાકાત જ દર્શાવે છે ને ?

જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં "યદા યદા હી ધર્મસ્ય, લ્ગાનિર્ભવતિ ભારત" વાળા શ્લોકમાં કહ્યું છે કે જ્યારે જ્યાર ધરતી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મનો વ્યાપ વધે છે, ત્યારે ત્યારે ધર્મના પૂનઃસ્થાપન અને અધર્મનો નાશ કરવા માટે, સાધુઓ એટલે કે સારા લોકોના રક્ષણ અને અસૂરો-દુર્જનોના નાશ માટે તેઓ પ્રત્યેક યુગમાં પૃથ્વી પર અવતરે છે, તેવી જ રીતે જ્યારે જ્યારે શાસકો-પ્રશાસકો રાજધર્મની અવગણના કરીને મનસ્વી બની જાય છે, ત્યારે ત્યારે ભેરૂ (ભાઈ) ની જેમ નિઃસ્વાર્થે સમર્પિત ભાવથી ગાંધીજી, જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે જેવા નિઃસ્વાર્થ મહાનુભાવો રૈયતની પડખે આવીને ઘમંડી શાસકોને પડકારે છે, અને તેમાંથી જ ક્રાન્તિ સર્જાય છે. જો કે, એ માટે રૈયતને જગાડવા આ પ્રકારના રૂપાંતરિત ગીતો ગાઈને રૈયતના અંતરાત્મા ને ઝંઝોળવો પડતો હોય છે. અને ગાવું પડતું હોય છે કે "જાગ રે રૈયત જાગ...જાગ રે રૈયત જાગ...".

લોકતંત્રમાં જે જનતા સરકાર કે શાસકોને ચૂંટે છે, તે જ જનતા જ વિપક્ષને પણ ચૂંટે છે, શાસકપક્ષો અને વિપક્ષોની સહિયારી જનલક્ષી જવાબદારીઓ હોય છે, અને જ્યારે જ્યારે શાસકપક્ષ કે તેના તંત્રો લાપરવાહી દાખવે, જનવિરોધી નિર્ણયો કરે કે રાજધર્મનું પાલન ન કરે ત્યારે ત્યારે વિપક્ષે ભેરૂ થઈને લોકોની પડખે ઊભું રહેવું જોઈએ અને ડ્રામેબાજી કે પબ્લિસિટી સ્ટંટ નહીં, પરંતુ હકીકતમાં રૈયતની વેદનાની વાચા બનીને અવાજ ઉઠાવવો જોઈએ, ખરૃં ને ?

આપણાં રાજ્યમાં આ વર્ષે ઠેર-ઠેર ભારે વરસાદ થયો, તે પછી એક તરફ તો પીવના પાણીની સમસ્યા ઊભી નહીં થાય અને વર્ષ સારૃં જશે, તેવી આશા ઊભી થઈ છે, તો બીજી તરફ જેના ખેતરો વરસાદી પાણીમાં ડૂબી ગયા હોય કે નુકસાન થયું હોય, તેઓને સમયોચિત સરકારી સહાય મળશે કે કેમ ? તે અંગે આશંકાઓ પણ ઊભી થઈ છે, તે ઉપરાંત વરસાદ પછી તદૃન તૂટી-ફૂટી ગયેલા ગ્રામ્ય, શહેરી અને ધોરીમાર્ગોએ ભયંકર ભ્રષ્ટાચાર પણ ઉજાગર કર્યો છે, અને પ્રિ-મોન્સુન કામગીરીની પણ પોલ ખોલી નાખી છે.

સરકારી તંત્રો અને શાસકોના પ્રવક્તાઓ રાહત-બચાવ, સર્વેક્ષણ, સહાય અને રાહત પેકેજની તૈયારી હોવાનો આભાસ ઊભો કરી રહ્યા છે, ત્યારે વિપક્ષો આ જ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે, અને શાસકોને જગાડવી અવનવી ઢબે રજૂઆતો થઈ રહી છે. આંદોલનો, વિરોધ-પ્રદર્શનો, દેખાવો અને સત્યાગ્રહોના આયોજનો, સુત્રોચ્ચારો, નારેબાજી અને રેલીઓ કાઢીને આવેદનપત્રો અપાઈ રહ્યા છે.

આ તરફ બે ત્રણ દિવસથી વિવિધ મુદ્દે જામનગરના લાલબંગલા સર્કલમાં દેખાવો, વિરોધ-પ્રદર્શનો, ધરણાં વગેરેના કારણે ધમધમાટ જોવા મળી રહ્યો છે, અને વરસતા વરસાદ વચ્ચે પણ સુત્રોચ્ચારો, તાળાબંધી અને આશ્ચર્યજનક કાર્યક્રમો યોજીને ધ્યાનપૂર્વક ચળવળો થઈ રહી છે, જેથી જામનગર તરફ સમગ્ર રાજ્યનું ધ્યાન દોરાયું હોય તેમ જણાય છે, અને છેક વિધાનસભા સુધી તેના પડઘા પડી રહ્યા છે.

દૃષ્ટાંત તરીકે જામનગરના માર્ગો પર પડેલા ખાડાઓ-ગંદકી, ઉકરડા અને તદ્વિષયક છૂપા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષે ઢોલ-નગારા, ઝાલર, શંખનાદ, ઘંટારવ સાથે "જાગ રે મેયર જાગ...જાગ રે મેયર જાગ...જાગ રે, નગરની જનતા જગાડે...જાગ રે મેયર જાગ..." જેવા ગીતો ગાઈને બંધ ચેમ્બર સામે ધરણાં કર્યા, અને આવેદનપત્રના માધ્યમથી જનતાની વેદના વ્યકત કરી હતી, જે તિવ્ર જનક્રોશની પ્રસ્તુતિ જ હતી.

વિપક્ષે ભાજપ સરકાર પર "૪૦ ટકા કમિશન...જનતાનું શોષણ" જેવા સુત્રોચ્ચારો કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને જામનગર મહાનગરપાલિકાના શાસકો અને પ્રશાસકો (તંત્ર) દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

કોંગ્રેસે કહ્યું કે જામનગર ગંદવાડનગર અને ખાડાનગર બન્યું છે, તેથી રોગચાળો અને ગંદવાડ ફેલાયો છે. ઘેર ઘેર મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓના ખાટલા છે, ત્યારે કુંભકર્ણ જેવ ઊંઘમાં પોઢેલા મનપાના શાસકોને જગાડવા આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે ખાડાનગરના નામની કેક કાપીને તથા ખાડાઓ પર પાટાપીંડી કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. બીજી તરફ ભાજપ મહિલા મોરચાએ લાલબંગલા સર્કલમાં કરેલા વિરોધ પ્રદર્શનમાં દિગ્ગજ મહિલા નેતાઓ જોડાઈ હતી, અને બેનર, પોસ્ટર, સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અને આર.જે.ડી. સામે ધરણાં કર્યા હતા, તથા રાહુલ ગાંધીના નામ સાથે સુત્રો પોકાર્યા હતા.

આ મહિલા અગ્રણીઓ પી.એમ.ના માતાના વિષે બિહારમાં વિપક્ષોના મંચ પરથી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ-પ્રદર્શન કરી રહી હોવાનું જણાવાયું હતું.

એક તરફ કોંગ્રેસનું આંદોલન તથા બીજી તરફ ભાજપના મહિલા મોરચાના વિરોધ-પ્રદર્શનો નિહાળીને સામાન્ય જનતા પણ વિચારી રહી હશે કે યે ક્યા હો રહા હૈ...? કિસ કે લીયે હો રહા હૈ...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh