Advertisement
Author: નોબત સમાચાર

આવો, બધું ભૂલીને તહેવારોની આનંદભેર ઉજવણી કરીએ...

                                                                                                                                                                                                      

આજથી તહેવારોના ત્રિવેણી સંગમની ઉજવણી શરૂ થઈ છે અને જામનગરમાં તિરંગા યાત્રા નિકળ્યા પછી આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભે એક તરફ દેશભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે, તો બીજી તરફ અદાલતનો સ્ટે ઊઠી જતાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાવાનો માર્ગ મોકળો થયો છે. જો કે, હવે લોકમેળાના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે, ટ્રાફિક નિયમન તથા સલામતિ-સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થા, જળવાઈ રહે તે માટે આયોજકો અને તંત્રોએ વધુ સતર્ક રહેવું પડશે.

યાત્રાધામ દ્વારકામાં પણ જગતમંદિરને સાંકળતા માર્ગોને વન-વે જાહેર કરાયા અને પાર્કિંગ-નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા, તથા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે, દ્વારકામાં કેટલાય ભીડભાડવાળા રસ્તાઓ પર વાહનોની પ્રવેશબંધી કરાઈ છે. આ પ્રકારના જાહેરનામાઓ હવે જામનગરમાં પણ આજથી પ્રસિદ્ધ થવા લાગશે. ટૂંકમાં આ જાહેરનામાઓનો અમલ કરવાની જવાબદારી પબ્લિકની છે, અને તેનો ભંગ થયે પબ્લિક જવાબદાર ઠરશે, પરંતુ જાહેરનામાનો ચૂસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ જનાર તંત્રમાંથી કોઈ જવાબદાર નહીં ગણાય, તેવું અર્થઘટન રાબેતા મુજબ થશે.

જો નિયમ-કાયદો સુધારીને જાહેરનામાઓના અમલની જવાબદારી કોઈ ચોક્કસ અમલદાર અને તેના તંત્ર, આયોજક કે સંચાલક વિગેરેની રહેશે, તેવી ચોખવટ જે-તે જાહેરનામામાં જ થાય, તો કોઈપણ ભાગદોડ, દુર્ઘટના કે અનિચ્છનિય બનાવ બને, તે પછી ચોક્કસ જવાબદારો સામે તત્કાળ પગલાં ભરી શકાય અને પાછળથી જવાબદારીની ફેંકાફેંકી ન થાય. આ પ્રકારનો કોઈ સુધારો કરવાનું વિચારવું જોઈએ. આ કોન્સેટટ તંત્રો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓ નહીં વિચારે કે સ્વીકારે, કારણ કે તેમ કરવા જતા તેઓના પગની નીચે રેલો આવે, પરંતુ આ પ્રકારની સુધારણા પબ્લિકના હિતમાં પ્રો-પબ્લિક સરકારે વિચારવી જોઈએ, તેમ નથી લાગતું ?

જામનગર ઉપરાંત ખંભાળીયામાં મીની તરણેતર તરીકે ઓળખાતો રખપાંચમનો મેળો પણ યોજાવાનો છે, પરંતુ રાવલના છેક રાજાશાહીના વખતથી યોજાતા લોકમેળાને ગ્રહણ લાગ્યું હોવાનુું કહેવાય છે. તે ઉપરાંત અન્ય કેટલાક મેળાઓનું આયોજન પણ જામનગરની જેમ અનિશ્ચિત જણાતુ હતું, પરંતુ ધીમે-ધીમે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, તેવું લાગે છે.

હકીકતે લાંબો સમય સુધી ઘણી પંચાયત-પાલિકાઓમાં રાજકીય અનિશ્ચિતતા રહી હતી અને વહીવટદારોનું શાસન રહ્યું હતું, અને ચૂંટણીઓ પછી નવા શાસકોને સત્તા મળી છે, પરંતુ શાસક પક્ષની આંતરિક યાદવાસ્થળીના કારણે કેટલાક સ્થળે હજુ પણ ગજગ્રાહ જોવા મળે છે.

રાજ્યમાં અત્યારે ત્રિપલ એન્જિનની સરકાર હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષમાં ઠેર-ઠેર જૂથવાદ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ પ્રમુખોની નિમણૂકો લટકતી રહી હોવાથી હવે તેની માઠી અસરો ભાજપ શાસિત રાજ્યોના પાર્ટીના સંગઠનો પર પણ પડી રહી છે., ભાજપ શાસિત રાજ્યોમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને આંતરિક રીતે ઘુઘવતો અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે.

કોઈક નગરપાલિકાના પ્રમુખ પારિવારિક કારણો જણાવીને  રાજીનામું આપે છે, તો કોઈક સ્થળે કોર્પોરેટરો નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટાભાગે ભાજપનું શાસન છે, અને ત્યાં આંતરિક જૂથવાદ તથા પરસ્પર નિવેદનબાજીના કારણે પણ પાર્ટીની છબિ ખરડાઈ રહી હોવાના રિપોર્ટ ઉચ્ચકક્ષા સુધી પહોંચ્યા હોવાનું જણાવાય છે. ભાજપમાં આંતરિક ડખ્ખાની અસરો આગામી ચૂંટણીઓમાં પણ વિપરીત સ્વરૂપે થઈ શકે છે.

કોંગ્રેસમાં પણ શશિ થરૂર એન મનિષ તિવારી પાર્ટીથી નારાજ હોવાના અહેવાલો પછી હવે આનંદ શર્માએ પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો આવ્યા છે, તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ બદલાયા પછી ગુજરાત  કોંગ્રેસમાં નવસંચાર થશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આ કારણે રાજ્યમાં આમઆદમી પાર્ટી સાથે જોડાણની નવેસરથી વિચારણા થઈ શકે છે. જો કે, મોટા ભાગના વિશ્લેષકો ગુજરાતમાં ત્રીજા પક્ષની સ્વીકૃતિ નકારી રહ્યા છે અને આમઆદમી પાર્ટી માટે પણ સ્વતંત્ર રીતે વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડવાની રણનીતિને યોગ્ય ગણાવી રહ્યા છે. એક વર્ગ એવો પણ છે ક જે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનનો પ્રયોગ સફળ થઈ શકે છે, તેવું માને છે. ઘણાં લોકો એવું પણ માને છે કે બંને મુખ્ય પક્ષોથી નારાજ મતદારો આમઆદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકારી પણ શકે છે. જે હોય તે ખરૃં, પરંતુ અત્યારે તો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી વધી રહી હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તેને શાસકપક્ષે અવગણવા જેવા નથી અને પાર્ટીને હાનિકર્તા સ્થાપિત હિતોને ઓળખીને અલગ તારવા પડે તેમ છે. તેવી જ રીતે કોંગ્રેસે પણ આંતરિક સર્વેક્ષણ કરીને પાર્ટીમાં રહીને જ કોંગ્રેસને હાનિકર્તા પરિબળોને ઓળખવા પડે તેમ છે. અન્યથા બે બિલાડીની લડાઈ વાળી કહેવત આબેહૂબ લાગુ પડી જશે...

અત્યારે તો આ બધી જ રાજકીય ચહલ પહલ, ટ્રમ્પનો ટેરિફ, મુનિરની અણુ યુદ્ધની ધમકી, અમેરિકાનું બદલેલું વલણ, ચૂંટણીપંચના મુદ્દે ચક્રવ્યૂહ અને પ્રદેશ-રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના પ્રમુખની અદ્ધરતાલ રહેલી નિમણૂકોથી લઈને ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના આંતરિક જૂથવાદ સહિતના તમામ મુદ્દાઓને અભરાઈએ ચડાવીને આવો, આપણે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પર્વો-પરંપરાગત ઉત્સવો અને કાનૂડાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરીએ, અતે તમામ તહેવારો નિર્વિઘ્ને અને આનંદપૂર્વક ઉજવાય તેવું પ્રાર્થીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh