Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરઃ સરદાર પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીઃ સાંસદ પૂનમબેન માડમે યોજી પદયાત્રા

ગામેગામથી માટી અને જળ લઈ 'એકતા વડ' રોપી સરદાર પટેલના એકતાના સંદેશને જિવંત કર્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામજોધપુર વિધાનસભા વિસ્તારની વિશાળ પદયાત્રા યોજાઈ હતી, તે દરમિયાન વિધાનસભા હેઠળ આવતા તમામ ગામોની માટી અને જળથી એકતા વડ રોપી દેલદેવળિયાથી સડોદર સુધીના ૮ કિ.મી.ના પદયાત્રા માર્ગ પર ગ્રામજનોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યુ હતું. નાગરિકોને વિકસિત ભારતની આ યાત્રા સહભાગી બનવા અને 'સ્વદેશી' અપનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સાંસદ પૂનમબેન માડમે આહ્વાન કર્યુ હતું.

આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે, ૮૦-જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરદાર સાહેબના આદર્શોને વાગોળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પદયાત્રામાં ૮૦-જામજોધપુર વિધાનસભા હેઠળ આવતા જામજોધપુર, લાલપુર તથા ભાણવડ વિસ્તારના નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમર્થકો વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

પદયાત્રાનો પ્રારંભ દલ દેવળિયાથી થયો હતો અને તે સડોદર સુધીના ૮ કિ.મી.સુધીના માર્ગ પર આગળ વધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ગામોના લોકોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારા, ફૂલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી. ગ્રામજનોએ આ પાવન અવસરે સરદાર સાહેબને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિધાનસભા હેઠળ આવતા તમામ ગામોની માટી અને જળ એકત્રિત કર્યા હતા. આ એકત્રિત માટી અને જળનો ઉપયોગ કરીને દલ દેવળીયામાં 'એકતા વડ'નું રોપણ કરવામાં આવ્યું હતું.જે ઘટનાએ સરદાર સાહેબના 'એક ભારત'ના સંદેશને જીવંત બનાવીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના રાષ્ટ્ર નિર્માણના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સરદાર સાહેબના આદર્શો, એકતા અને અખંડિતતાનો સંદેશ આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે.

સાંસદ પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિભિન્નતામાં એકતા' અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' જેવા સૂત્રોને ચરિતાર્થ કર્યા છે. વડાપ્રધાને સરદાર સાહેબના વિચારોને માત્ર જીવંત જ નથી કર્યા, પરંતુ આ વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેવી વિરાટ પ્રતિમા દ્વારા શ્રદ્ધાંજલિ આપીને શ્રેષ્ઠતમ કાર્ય કર્યું છે.સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલ અખંડ ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બને તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ થઈને યોગદાન આપવું અનિવાર્ય છે. દરેક નાગરિક સમરસતા અને એકતાના ભાવ સાથે વિકસિત ભારતની આ યાત્રામાં સહભાગી બને અને 'સ્વદેશી' અપનાવી દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે.

આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન રાઠોડ, જામજોધપુર નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, લાલપુર પ્રાંત અધિકારી  સંજયસિંહ અસવાર, વિમલ કગથરા, દિલીપભાઈ ભોજાણી, દરેક ગામના સરપંચો, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો તથા બહોળી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh