Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદા શિવને પ્રસન્ન કરવા દેવોએ દીપ સમર્પિત કર્યા હતા
ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી. એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા અને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા. પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માંગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે વત્સ, મારૃં પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી ? શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માંગી લે, ત્રિપુર બોલ્યો હે પિતામહ, દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારૃં મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો. તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા. ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી, અનેક દૈત્યો એની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો. દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતા, સર્વ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો.
વિશેષમાં ત્રિપુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી. જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પુર હતા. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઈચ્છાનુસાર વિચરતો અને વિનાશ સર્જતો. દેવો ત્રસ્ત એન લાચાર બન્યા. આગળની કથા અનુસાર ઈન્દ્ર, બ્રહ્મા એન વિષ્ણુ તેમજ નારદમૂનિનું મિલન થયું. સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું. દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાશ પર આક્રમણ કર્યું. ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યો. એટલે સર્વ દેવો પ્રસન્ન થયા અને હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને દેવદિવાળી કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણી દિવાળીની જેમ જ પ્રબોધિની એકાદશી કે તુલસી વિવાહથી શરૂ કરીને કારતકી પૂર્ણિમા સુધી દેવદિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. લગ્નનો પ્રસંગ પાંચ દિવસનો હોય એ રીતે પૂર્ણિમાને દિવસે તુલસી વિવાહની સમાપ્તિ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial