Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી સરકારને જબરો ઝટકોઃ મીડિયા સમક્ષ રડી પડ્યા કેજરીવાલઃ તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ ઠરાવતી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ
નવી દિલ્હી તા. ર૭: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિત ર૩ આરોપીઓને શરાબ કૌભાંડમાં નિર્દોષ ઠરાવી સીબીઆઈની આકરી ઝાટકણી કાઢ્યા પછી મોદી સરકાર સામે વિપક્ષોએ તડાપીટ બોલાવી છે, આજે દેશભરમાં પડઘા પડ્યા છે.
દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બન્નેને મોટી રાહત અને 'ક્લીન ચીટ' મળી છે.
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે, કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યુ કે, તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે.
કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપસિંહને નિર્દોષ જાહેર કર્યા હતાં. ત્યારપછી મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણાં મુદ્દાઓ છે, જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.
કોર્ટે ક્લીનચીટ આપ્યા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમે હંમેશાં કહેતા હતાં કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશાં કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે મળીને આમઆદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરૃં રચ્યું. પાંચ મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા હતાં. અમારા ડેપ્યુટી સીએમને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.'
ચૂકાદા પછી મીડિયા સાથે વાત કરતા કરતા અરવિંદ કેજરીવાલ રડી પડ્યા હતા, ત્યારે તેમની બાજુમાં ઉભેલા મનીષ સિસોદીયાએ તેમને સાંત્વના આપી હતી. આ પછી કેજરીવાલે જણાવ્યું હતું કે, "મેં જીવનમાં ઈમાનદારીની કમાણી કરી છે. તેમણે ખોટા કેસ દાખલ કર્યા આજે એ સાબિત થયું છે કે, કેજરીવાલ ખૂબ જ પ્રામાણિક છે. મનીષ સિસોદીયા ખૂબ જ પ્રામાણિક છે. અને આમઆદમી પાર્ટી પણ ખૂબ જ પ્રામાણિક છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે, સત્તા માટે માટે દેશ સાથે આ રીતે રમત ન રમો. બંધારણ સાથે આ રીતે રમત ન રમો..."
બીજી તરફ સીબીઆઈનો દાવો છે કે, કેજરીવાલના નજીકના સાથી વિજય નાયરે દિલ્હી એક્સાઈઝ બિઝનેસમાં હિસ્સેદારો સાથે સંપર્ક કર્યો હતો. તેમણે દારૂ નીતિમાં લાભોના બદલામાં પૈસાની માંગણી કરી હતી. બીઆરએસ નેતા કે. કવિતાના નેતૃત્વ હેઠળના સાઉથ ગ્રુપ સાથે કેજરીવાલના વ્યવહાર માટે નાયર મુખ્ય હતાં. નાયરે સાઉથ ગ્રુપ પાસેથી દારૂ નીતિમાં લાભોના બદલામાં રૂ।. ૧૦૦ કરોડની ઉચાપત કરી હતી. આ પૈસા બે અન્ય આરોપીઓ વિનોદ ચૌહાણ અને આશિષ માથુર દ્વારા ગોવા મોકલવામાં આવ્યા હતાં.
કેજરીવાલના નિર્દેશ પર આ રૂ।. ૧૦૦ કરોડમાંથી રૂ।. ર૪૪.પ કરોડ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતાં. તેથી ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે મેળવેલા નફાનો ઉપયોગ કરવા માટે કેજરીવાલ પણ જવાબદાર છે. કારણ કે આમઆદમી પાર્ટીને તેનો ફાયદો થયો હતો.
સીબીઆઈના જણાવ્યા અનુસાર આપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડનારા બે ભૂતપૂર્વ ગોવા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના એક કાર્યકરે તેમને ચૂંટણી ખર્ચ માટે રોકડ રકમ પૂરી પાડી હતી. એજન્સીએ આપના ગોવા પ્રભારી દુર્ગેશ પાઠકને ગેરકાયદેસર પૈસા મેળવવા અને ઉપયોગ કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતાં.
એજન્સીનો દાવો છે કે, દારૂ નીતિમાં ત્રણ હિસ્સેદારો-દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓનું જૂથ રચાયું હતું. તે બધાએ પોતાના ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. ષડયંત્રમાં સામેલ સરકારી કર્મચારીઓ અને અન્ય આરોપીઓને નાણાકીય લાભ મળ્યો હતો. જ્યારે સરકારી તિજોરીને નોંધપાત્ર નુકસાન થયું હતું.
કોર્ટના ચૂકદા પછી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું હતું કે, આ દુનિયામાં કોઈ ગમે તેટલું શક્તિશાળી બને, શિવની શક્તિથી ઉપર કોઈ ન હોય શકે. સત્યનો હંમેશાં વિજય થાય છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું હતું કે, ભલે ગમે તેટલા ખોટા આરોપો લગાવવામાં આવે, ગમે તેટલો જુલમ કરવામાં આવે, સત્યનો વિજય થાય છે. આજે આખો દેશ ભાજપના કાવતરા અને અરવિંદ કેજરીવાલની અતૂટ પ્રામાણિકતાનો સામનો કરી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial