Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન સાથેના વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં પણ ગુજરાતી શૂરવીરોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી

કારગીલ યુદ્ધની કેટલીક ઓછી ચર્ચાયેલી શૌર્ય કથાનો અને વીરગાથાઓ ઘણી જ રોચક છે

                                                                                                                                                                                                      

એ ગૌરવપ્રદ સમય હતો, જ્યારે પાકિસ્તાનને પછાડીને ભારતે કારગીલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. તે વખતે પણ ભારતે તમામ આંતરરાષ્ટ્રીય યુદ્ધોના નિયમોનું પાલન કર્યું હતું. એટલું જ નહીં, ભારતે વર્ષ ૧૯૭૧ ના યુદ્ધ પછી પાકિસ્તાનના કબજે કરેલા ઘણાં વિસ્તારો પરત કરી દીધા હતાં, તેવી જ રીતે કારગીલ યુદ્ધમાં પાકિસ્તાને પરોઠના પગલાં ભર્યા અને નવાઝ શરીફ યુદ્ધ રોકાવવા વિશ્વ સમુદાયથી અને અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે કરગરવા લાગ્યા હતાં, તે સમયે પણ પાકિસ્તાનના કોઈ વિસ્તારો કબજે નહીં કરીને તથા સંયમ રાખીને પાકિસ્તાન કરતા ભારત કેટલું અલગ છે અને આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમોનું ચૂસ્તપણે પાલન કરે છે, તે પૂરવાર કર્યું હતું, પરંતુ નકટુ પાકિસ્તાન હજુ સુધી સુધર્યું જ નથી. તેથી હવે ભારતે પણ સિંધુ સમજુતિ રદ્ કરવાનું કહીને પાકિસ્તાનને તેની હેસિયત બતાવી દીધી છે. હજુ તો આ પ્રકારની જાહેરાત જ કરી છે, ત્યાં પાકિસ્તા(!) ને પરસેવો છૂટવા લાગ્યો છે, ત્યારે હકીકતે ભારતથી તમામ નદીઓનું પાણી પાકિસ્તાનમાં જતું સંપૂર્ણપણે રોકાઈ જશે, ત્યારે શું થશે? ભારતે તે સમયે (વર્ષ ૧૯પ૬) માં ભારતીય ઉપખંડમાં શાંતિ સ્થપાયેલી રહે, તે માટે આ સમજુતિ કરી હતી, પરંતુ ભારત સાથે સતત આતંકવાદના માધ્યમથી પ્રોક્સી વોર લડી રહેલા પાકિસ્તાનને શાંતિ જોઈતી જ નથી, તો ભારતે શા માટે ઉદાર (મૂર્ખ) બનવું જોઈએ?

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં વીરગતિ

પામેલા નામી-અનામી શહીદોને સલામ

આપણે ગતાંકમાં ભારત-પાક. વચ્ચેના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતી નરબંકાઓની સંક્ષિપ્ત જાણકારી મેળવી હતી. હવે આજે વર્ષ ૧૯૭૧ ના ભાત-પાક. યુદ્ધ દરમિયાન સરહદે દુશ્મનોની સામે સામી છાતીએ લડીને તથા આ યુદ્ધ માટે જાન-સટોસટી બાજી લગાવીને પોતાને કુરબાન કરી દેનાર ગુજરાતી નરબંકાઓને પણ ગૌરવભેર સ્મરીને તેઓને દિલની ઊંડાણેથી સ્મરણાંજલિ અર્પીએ.

'જરા યાદ કરો કુરબાની'ને આગળ વધારતા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતના જાંબાજ જવાંમર્દોની થોડી-ઘણી જે કાંઈ માહિતી ઉપલબ્ધ થઈ છે, તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, અને કારગીલ યુદ્ધની જેમ જ વર્ષ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધના સમયે પણ નામી-અનામી ઘણાં લોકોએ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સહયોગ આપ્યો હોય, બલિદાન આપ્યું હોય કે શારીરિક-આર્થિક-પારિવારિક હાની છતાં માઁ-ભોમની રક્ષા માટે સર્વસ્વ અર્પણ કર્યું હોય, તે સૌ કોઈને સલામ કરીએ.

આવો, આપણે વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ગુજરાતના જે જવાંમર્દોએ શહીદી વહોરી લીધી હતી તેની ઉપલબ્ધ થતી કેટલીક વીરગાથાઓનો પરિચય મેળવીએ... ઉલ્લેખનિય છે કે વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં શહીદ થયેલા જવાંમર્દોની કેટલીક કહાનીઓ ગુમનામ રહી ગઈ છે, પરંતુ સરકારી રેકોર્ડ અને પ્રકાશિત થયેલા સાહિત્ય ઉપરાંત વિવિધ ગ્રંથોમાં આ અંગે છૂટક છૂટક અલગ-અલગ ઉલ્લેખો જોવા મળે છે, તે જોતા એવું જણાય છે કે, વર્ષ ૧૯૭૧ માં પણ જે દેશભાવનાઓ પ્રબળ રીતે ઉદ્ભવી હતી, તેના કારણે દુશ્મનોને પરોઠના પગલાં ભરવા પડ્યા હતાં અને હજારો પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારવી પડી હતી, તેમાં લોંગોવાલા સંઘર્ષ સહિત અનેક મોરચે ગુજરાતી જાંબાઝોનો પણ સિંહફાળો હતો, અને તેમાંથી શહીદ થયેલા જવાંમર્દ ગુજરાતીઓ પૈકી કેટલાક દૃષ્ટાંતો ઘણાં જ પ્રેરણાદાયી છે.

જરા યાદ કરો કુરબાની

વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતના ફોજી જવાનો અંગે વર્ષ ર૦૦૦ માં કારગીલ યુદ્ધના સંદર્ભે પ્રકાશિત ઉલ્લેખો મુજબ વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતી ફોજીઓમાં તા. ર૪ મી નવેમ્બર-૧૯૭૧ ના દિવસે ત્રણ ગુજરાતી જવાનો વીરગતિ પામ્યા હતાં. જેમાં જી ડી.એસ.એમ. સુકરભાઈ ચૌધરી, સ્વ. એમ(ઈ) આઈએસએસ બુખારી, સ્વ. હિરાલાલ, ગાર્ડસ રેજિમેન્ટના સ્વ. કેદારનાથ, તા. ૧૩ મી ડિસેમ્બર-૧૯૭૧ ના દિવસે વીરગતિ પામેલા ગુજરાતી શહીદો સેકન્ડ લેફ્ટનન્ટ નાગાર્જુન સિસોદિયા (મોઢવાડા-પોરબંદર), તા. ૧પ મી ડિસેમ્બર-૧૯૭૧ ના શહીદ થયેલા રાયફલમેન વનરાજસિંહ ઝાલા, ૧૮ મી ડિસેમ્બરે શહીદ થયેલા જીડીએસએમ લક્ષ્મણસિંહ, ઉપરાંત ચોક્કસ તારીખ નોંધાયેલા નથી તેવા સ્વ. જવાનસિંહ (રાજ રાયફલ્સ), કેપ્ટન કે.એસ. રાઠોડ (આસામ રાયફલ્સ), રાયફલમેન સ્વ. નાનજી, સીએલકે સ્વ. કનૈયાલાલ ભાવસાર, આઈએમએસ-ખુખરીના નંદુભાઈનો સમાવેશ એ યાદીમાં સામેલ છે, જેનો ઉલ્લેખ જરા યાદ કરો કુરબાનીમાં થયો છે.

આ ઉપરાંત જે છૂટક છૂટક સ્થળેથી જાણકારી ઉપલબ્ધ થાય છે તે મુજબ ૧પ ડિસેમ્બર-૧૯૭૧ ના દિવસે શહીદ થનાર જવાનસિંહ ઝાલા (મહેસાણા), વનરાજસિંહ ઝાલા-જૂનાગઢ, ર૪ મી નવેમ્બરના શહીદ થયેલા હીરાલાલ મેઘજીભાઈ (જામનગર) , કાદરખાન તુર્ક-ર૪  નવેમ્બર-૧૯૭૧ (ભાવનગર), કલ્યાણસિંહ રાઠોડ-પાંચમી ડિસેમ્બર-૧૯૭૧ (સાબરકાંઠા), નંદુભાઈ ફકીરચંદ ૯ મી ડિસેમ્બર-૧૯૭૧ (અમદાવાદ), પાંડુરંગ કદમ (૩-૧ર-૭૧, વડોદરા) વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે, યાદ કરો કુરબાનીમાં મુખ્યત્વે કારગીલના શહીદોની જ ચર્ચા કરવામાં આવી છે, જેથી વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ગુજરાતના શહીદોની વિગતો એકત્રિત કરાઈ નહીં હોય, પરંતુ ક્યાંય નોંધ લેવાઈ હોય કે ન હોય, પરંતુ ભારતમાતાની રક્ષા અને આંતરિક સુરક્ષા માટે સરહદે અને દેશમાં જે કોઈ નામી-અનામી શહીદોએ વીરગતિ વ્હોરી લીધી છે અને જીવનભરની દિવ્યાંગતા વ્હોરી લીધી છે, તથા પરિવારથી સેંકડો-હજારો કિલોમીટર દૂર રહીને પોતાની ફરજો બજાવી હોય, અને બજાવી રહ્યા હોય, તેવો સૌ કોઈને કોટિ કોટિ સલામ...

કારગીલ યુદ્ધની ઓછી

ચર્ચાયેલી કહાનીઓ

ગતાંક સુધી આપણે ઓપરેશન સિંદૂર પછી વર્ષ ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સુધીના યુદ્ધોની ઘણી વિગતોની ચર્ચા કરી, ઉપલબ્ધ જ્ઞાન, જાણકારી, પ્રકાશનો તથા મીડિયા-રિપોર્ટર્સના નીચોડ સમી હતી, જેમાં કારગીલ યુદ્ધની કેટલીક ઓછી ચર્ચાયેલી કેટલીક બાબતો પર સંક્ષિપ્ત દૃષ્ટિપાત કરીએ...

કારગીલ યુદ્ધના શહીદોના પરિવારો પૈકી કેટલીક માતાઓ, ભાઈઓ, પિતા કે પરિવારજનોએ પોતાનો સ્વજન દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયો, તેનું ગૌરવ લઈને પોતે હજુ પણ પોતાના પરિવારમાંથી યુવાનોને દેશની સરહદે લડવા મોકલવા તૈયારી બતાવી રહ્યા હતાં, જે દેશવાસીઓમાં ભરેલી દેશભક્તિની પ્રબળતા દર્શાવી રહી હતી. કેટલાક કિશોરો તથા યુવાનો પોતે પણ પોતાના સ્વજનની જેમ સેનામાં જોડાઈને દેશસેવા કરશે, તેવા સંકલ્પો કરતા પણ જોવા મળ્યા હતાં, અને તે પેઢીના કેટલાક તે પછી સેનામાં જોડાયા હોવાની ઘટનાઓ પણ બની હતી.

તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કહ્યું હતું કે, 'આપણાં જવાનો માઁ-ભોમની રક્ષા માટે સામી છાતીએ લડતા રહ્યા છે, અને કોઈની પીઠમાં ગોળી વાગી નથી, પણ છાતીમાં વાગી છે, અને છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ તેઓએ આપણા હાથમાં દેશની રક્ષાની જવાબદારી સોંપી છે, અને આપણે આપણા દેશ પ્રત્યેનો કર્તવ્યધર્મ નિભાવવામાં પાછીપાની કરવાની નથી'.

કારગીલ યુદ્ધ સમયે માત્ર રર દિવસ પહેલા જેના હસ્તે મીંઢળ બંધાયું હોય, તેવો નયલોહિયો ક્વાંટનો જુવાન લગ્ન માટે રજા પર વતનમાં આવ્યો હતો, પરંતુ સરહદેથી તેડુ આવતા તરત જ સરહદે રવાના થયો હતો.

કારગીલ યુદ્ધમાં એક પુત્ર રમેશ જોગલને ગુમાવ્યા પછી તેમના માતાએ કઠણ હૈયે કહ્યું હતું કે, 'દેશ માટે બીજા દીકરાને સરહદે મોકલવો પડે તો પણ તૈયાર છું.'

શહીદવીરોની સ્મૃતિઓમાં તેઓના વતનમાં સ્મૃતિસ્તંભ, ખાંભી અને પ્રતિમાઓ મૂકાઈ હતી અને સ્થાનિક સરકારી સ્કૂલો તથા કેટલાક જાહેર સ્થળો, માર્ગો વગેરેને શહીદનું નામકરણ કરાયું હતું.

કાશ્મીરમાં યુદ્ધમાં બહાદુરીપૂર્વક ઝઝુમનાર અમદાવાદના વતની મેજર મોહિત સક્સેનાને 'વીરચક્ર' એનાયત થયું, તેની સમગ્ર શહેરમાં ઉજવણી થઈ હતી.

કારગીલ મોરચે લડતાં લડતાં કેટલાક ગુજરાતીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતાં, તેમાં મહાર યુનિટના ભાણવડના વતની સિપાઈ ભીમસિંહ દેવસિંહભાઈ, લાન્સ નાયક જશવંત પટેલ (ગુજરાત), કેપ્ટન હમીરસિંહ (૧ર-ગ્રેનેડિયર્સ)-વડોદરા, મહાર યુનિટના પટેલ ઉત્તમભાઈ, કુકરવાડા-ભરૂચ, પટેલ મહેબુબભાઈ-કેશવાણા (ભરૂચ), નાયક ભૈરિયા પ્રતાપસિંહ અને સિપાઈ બી.એન. મોલરે વગેદે ગુજરાતીનો સમાવેશ થાય છે.

કારગીલ યુદ્ધ જમ્મુ-કાશ્મીર પૂરતું લિમિટેડ રહ્યું હતું, છતાં પાકિસ્તાનને સ્પર્શતા રાજ્યોના સરહદી જિલ્લાઓમાં પણ વિશેષ સતર્કતા રાખવામાં આવી હતી અને નવાઝ શરીફ વિશ્વસમુદાય સમક્ષ અને ખાસ કરીને મહાસત્તાઓ સમક્ષ કરગર્યા ન હોત, તો તે સમયે પણ દેશનો જુસ્સો એવો હતો કે જો પૂર્ણકક્ષાનું યુદ્ધ થયું હોત તો પાકિસ્તાન ફરીથી આતંકવાદના માધ્યમથી પરોક્ષ યુદ્ધ કરવાને લાયક પણ રહ્યું ન હોત.

તે સમયે જામનગર જિલ્લામાં (હાલના દેવભૂમિ દ્વારકા સહિત) દેશભાવનાની જવાળા એટલી પ્રજ્જવલિત થઈ હતી કે ગામેગામથી જવાનો સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની તત્પરતા બતાવતા હતાં.

ભારતીય સેનાની ત્રણેય પાંખો, અર્ધલશ્કરી દળો, સ્થાનિક સુરક્ષા દળો અને સરહદી રહીશોનો સમન્વય

પાકિસ્તાનના ઓપરેશન બદ્રની સામે ભારતના ઓપરેશન વિજયમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો, અર્ધસૈન્ય દળો, બીએસએફ, એસએનબી, સીઆરપીએફ, એસઆરપી, સ્થાનિક સુરક્ષા દળો અને પોલીસ-ગૃહરક્ષક દળો સહિતની સંયુક્ત ફોર્સ તથા સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો સમન્વય થયો હતો. પાકિસ્તાને આ યુદ્ધ માટે પહેલેથી તૈયારીઓ કરી હતી અને બંકર્સ, પુરવઠો તથા આવાગમનની તમામ ગોઠવણો કરી લીધી હતી. તે ઉપરાંત પાકિસ્તાની સેના ઘૂસણખોરોના વેશમાં ભારતના ઊંચી પહાડીઓ પર એવી રીતે ગોઠવાઈ ગઈ હતી કે ભારતીય સેનાને પહાડીઓ પર સીધા ચઢાણ ચઢવા પડે તેમ હતા, જ્યારે પહાડીઓ પરથી આક્રમણ કરવું દુશ્મનો માટે સરળ હતું. તે ઉપરાંત ભારતીય વાયુદળના વિમાનો મદદમાં આવે, તો તેને તોડી પાડવાની વ્યવસ્થાઓ પણ પહેલેથી પાકિસ્તાની સેનાએ કરી હતી, પણ તેઓની આ અભેદ્ય જેવી જણાતી વિકટ વ્યૂહરચનાને પણ ભેદીને ભારતીય સુરક્ષા દળો-સ્થાનિકોના સહયોગથી તથા યોગ્ય સમયે લેવાયેલા વ્યૂહાત્મક શાસકીય નિર્ણયોના કારણે ભારતીય સેનાએ અંતે ઝળહળતો વિજય મેળવ્યો હતો, એ ઓપરેશન બદ્રના ભૂક્કા બોલી ગયા હતાં અને ઓપરેશન વિ+જયનો જયજયકાર થયો હતો.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh