Advertisement
Author: નોબત સમાચાર

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ અશોક વાટિકા (ફેઝ-૩)નું આવતીકાલે ઉદ્ઘાટન

પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીના વરદ્દ હસ્તેઃ જામનગર તાલુકાના વસઈ ગામ નજીક આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૪,  જામનગર - ખંભાળિયા માર્ગે  વસઈ ગામ  નજીક આવેલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં અશોક વાટિકા ફેઝ - ૩નું દાતાઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રવિવાર તારીખ ૧૫ના સ્વામિનારાયણ સંપ્રદાયના ડો. જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે કરવામાં આવનાર છે.

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ભાવનાબેન પરમાર, પ્રમુખ ભાસ્કર રાઠોડ, નિત્તલ ધ્રુવ અને ચેતન ચુડાસમા સહિતનાઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે  જામનગર શહેરમાં માનવતા, કરુણા અને નિસ્વાર્થ સેવા ભાવનાનું જીવંત પ્રતીક તરીકે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ આજે સમાજમાં એક અનોખું સ્થાન ધરાવે છે. વૃદ્ધોને માત્ર આશ્રય આપવાનું જ નહીં પરંતુ તેમને માન, સન્માન, પ્રેમ અને આનંદભર્યું જીવન મળે તેવા ઉદ્દાત હેતુ સાથે કાર્યરત આ સંસ્થા આજે સમાજ માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે.

જીવનના અંતિમ પડાવમાં ઘણીવાર વૃદ્ધો એકલતા, અવગણના અથવા આધારના અભાવે મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પરિવાર જેવો સ્નેહ, સુરક્ષા અને માનભર્યું જીવન મળે તે માટે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમની સ્થાપના વર્ષ ૨૦૧૧માં માનવસેવાના પવિત્ર સંકલ્પ સાથે કરવામાં આવી હતી. સમાજમાં એવા ઘણાં વડીલો છે. જેમને પોતાના જીવનના અંતિમ વર્ષોમાં એકલતા અનુભવવી પડે છે. આવા વડીલોને પરિવાર જેવો પ્રેમ, આધ્યાત્મિક શાંતિ અને સુરક્ષિત જીવન મળે તે માટે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી.

આ સંસ્થાનું સ્વપ્ન ત્રણ મુખ્ય ફાઉન્ડર ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ ટીમના સમર્પિત પ્રયાસોથી સાકાર થયું છે.જેમાં શ્રીમતી ભાવનાબેન પરમાર, ભાસ્કરભાઈ રાઠોડ અને નિતલભાઈ ધ્રુવનો સમાવેશ થાય છે.

આ ત્રણે સેવાભાવી વ્યક્તિઓએ સમાજ માટે એક એવું સ્થાન બનાવવાનું સ્વપ્ન જોયું હતું જ્યાં વૃદ્ધોને માત્ર રહેવાની વ્યવસ્થા નહીં પરંતુ પ્રેમ, સ્નેહ અને માન સાથેનું પરિવાર જેવું વાતાવરણ મળે.

વાત્સલ્યધામની આધુનિક અને માનવીય સુવિધાઓ

વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં વડીલોને આરામદાયક અને સુરક્ષિત જીવન મળી રહે તે માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીં રહેવાસીઓ માટે આરોગ્ય, સ્વચ્છતા, આધ્યાત્મિકતા અને મનોરંજનનો સંપૂર્ણ વિચાર કરવામાં આવ્યો છે.

અહીં રહેવા માટે આરામદાયક રૂમ્સ, બે બેડ ની વ્યવસ્થા, સ્વચ્છ અને અલગ ટોયલેટ-બાથરૂમ, હવાના યોગ્ય પ્રવાહ માટે મોટી બારીઓ અને વડીલોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

વાત્સલ્યધામમાં આનંદો હોલ નામનો વિશાળ હોલ છે જ્યાં રોજિંદા સત્સંગ, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામૂહિક કાર્યક્રમો યોજાય છે. લાઇબ્રેરી અને ટેલિવિઝન સુવિધા પણ ઉપલબ્ધ છે. જેથી વડીલો વાચન અને મનોરંજન દ્વારા સમય આનંદ થી પસાર કરી શકે.

આધ્યાત્મિક શાંતિ માટે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અને ભગવાન મહાદેવનું પવિત્ર સ્થાન બનાવવામાં આવ્યું છે. અહીં નિયમિત ભજન, સત્સંગ અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાય છે. પોષણયુક્ત ભોજન અને સ્વચ્છ રસોડું વાત્સલ્યધામનું રસોડું સંપૂર્ણ સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં રહેવાસીઓને તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. ભોજન માટે પ્રસાદમ હોલ બનાવવામાં આવ્યો છે .જ્યાં વડીલોને સન્માનપૂર્વક ભોજન પીરસવામાં આવે છે.

વાત્સલ્યધામમાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જ્યાં વર્ષ ૨૦૨૦ થી નિયમિત ગાયત્રી હવન યોજાય છે. આયુર્વેદિક હવન સામગ્રી અને ગાય ના ઘી થી થતા હવન થી પર્યાવરણ શુદ્ધ બને છે . પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ વાત્સલ્યધામના કેમ્પસમાં નંદનવન બાગ, ઓક્સિજન પાર્ક, સનસેટ લેક વ્યૂ ગાર્ડન અને વોકિંગ ટ્રેક જેવી  સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં વડીલો સવાર-સાંજ ચાલવા, યોગ અને પ્રાણાયામ કરી શકે છે.

વડીલોની તંદુરસ્તી માટે વેલનેસ લાઉન્જમાં મસાજ બેડ, હળવી કસરત સાધનો અને ઇન્ડોર ગેમ્સ ઉપલબ્ધ છે. વાત્સલ્ય ધામનો વિકાસ સમાજના દાતાઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓના સહયોગથી થયો છે. દેશ-વિદેશમાં વસતા અનેક દાતાઓએ ઉદાર સહયોગ આપ્યો છે.

અશોક વાટિકા (ફેઝ-૩)  વિકાસનું નવું અધ્યાય તા. ૧૫ માર્ચ ૨૦૨૬ અને રવિવાર સાંજે પાંચ  વાગ્યે અશોક વાટિકા ફેઝ-૩ નું ભવ્ય ઉદ્ઘાટન યોજાનાર છે. આ પ્રસંગે પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી (બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા)ના હસ્તે ઉદ્ઘાટન થશે.

આ પ્રસંગે દાતાઓનું સન્માન, આધ્યાત્મિક પ્રવચન અને વિશેષ કાર્યક્રમો યોજાશે. અશોક વાટિકા લગભગ ૩૦,૦૦૦  ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું સુંદર ગાર્ડન છે  જેમાં અનેક ફળો ના વૃક્ષો, ઔષધિય છોડ અને ઓર્ગેનિક ખેતીની વ્યવસ્થા છે.

વાત્સલ્યધામ પરિવાર તમામ મીડિયા મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરે છે કે તેઓ આવી સેવા પ્રવૃત્તિઓને સમાજ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાત્સલ્યધામ માત્ર વૃદ્ધાશ્રમ નથી. તે સ્નેહ, સેવા અને માનવતાનું જીવંત મંદિર છે.

વાત્સલ્યધામ કારોબારી કમિટી ૨૦૨૪-૨૦૨૬ મા નિરંજનાબેન વિઠલાણી, જેમીનીબેન મોટાણી, ધ્રુપદભાઈ પરમાર, ઉપેન્દ્રસિંહ જાડેજા, પી.આર.સોમાણી, કિરીટભાઈ મજીઠીયા, કૈલાશભાઈ બદીયાણી, ચેતનભાઈ ચુડાસમા, અશોકભાઈ શેઠીયાનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh