Advertisement
Author: નોબત સમાચાર

બોર્ડની પરીક્ષાઓની તૈયારીઃ પહેલા, દરમિયાન અને પછી...

                                                                                                                                                                                                      

દર વર્ષે બોર્ડની પરીક્ષા આવતી હોય છે અને આવવાની હોય છે. દર વર્ષે નવી રચનાઓ, કદાચ નવા સિલેબસ, નવી પદ્ધતિઓ વગેરે આવતું હોય છે અને બદલાતું રહે છે. તેમ દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ આવે છે. અને નવા-નવા વિદ્યાર્થીઓ આવે છે અને બદલાતા રહે છે. તેમ વિદ્યાર્થીઓમાં અલગ-અલગ ભાવ, વિચારો, પદ્ધતિઓ સંગત વગેરે બાબતો પર અસર કરે છે. તેમ વિદ્યાર્થીઓ પર જ નહીં વાલીઓ પર અસર કરે છે.

તરૂણાવસ્થાનો સમયગાળો

આપણે જોઈએ છીએ કે વ્યક્તિની અમુક અવસ્થાઓ હોય છે. તેમાં આપણે પસાર થવું જ પડે છે. જેમ કે ગર્ભાવસ્થા, શૈશવસ્થા, કિશોરાવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં આપણે જોઈએ કે તરૂણાવસ્થાનો સમયગાળો ૧૨ વર્ષથી ૧૮ વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થાને કુમારાવસ્થા કે પૈગંડાવસ્થા પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન આપણી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આવતી હોય છે અને તેમાં આપણે સારી રીતે પસાર થવાનું હોય છે. આ જ આપનો ટર્નીંગ પોઈન્ટ હોય છે. આ અવસ્થા દરમિયાન તરૂણોને પોતાની કારકિર્દી નક્કી કરવાની હોય તેમજ પોતાનામાં આવતા વિવિધ પરિવર્તનોને સમજવાનો પ્રયાસ કરતો હોવાથી તે મૂંઝવણ અનુભવે છે. અને પોતાની આ મૂંઝવણનો ઉકેલ શોધવા તેઓ પ્રયત્નશીલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એટલે કે ધોરણ ૯ની પરીક્ષા પાસ કરી નથી ને ધોરણ ૧૦નું અને ધોરણ ૧૧ પાસ કર્યું નથી ને ધોરણ ૧૨ એટલે બોર્ડની પરીક્ષા... ટેન્શન શરૂ...

બાળકોની ગ્રહણ શક્તિ

વિદ્યાર્થીઓ ખૂબ જ કોમળ હોય છે. તેમની વિચારવાની સક્ષમતા, કરવાની ક્ષમતા અને ગ્રહણ કરવાની ક્ષમતા દરેક બાળકમાં અલગ-અલગ  હોય છે. આપણે જોઈએ કે એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૩૫ થી ૪૦ ની હશે! પરંતુ તેમાં દરેક બાળક યુનિક હોય છે. તેમાં દરેક બાળકની ગ્રહણ શક્તિ અલગ-અલગ હોય છે. તેમાં કોઈ ઝડપથી શીખે, ધીમે-ધીમે શીખે, કોઈકને સમજાતું નથી હોતું આવી બધાની બધી પરિસ્થિતિઓ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલીક મૂંઝવતી બાબતો પર ચર્ચા કરવી છે.

હજુ આપણા હાથમાં પેપર આવ્યું નથીને વિચારવાનું શરૂ થઈ જાય કે પેપર કેવું હશે? સહેલું હશે? કે અઘરૃં? પેપરમાં આવડી તો જશે ને? પેપરમાં સારી તૈયારી કરી હતી? પણ કેમ ઓછા માર્ક્સ આવ્યા? આ ઉપરાંત કેટલીક બાબતો પર મનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રશ્ન કરતા હશે?

પરીક્ષા પહેલા

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે વિચારતા હોય છે કે સિલેબસ ક્યારે પૂર્ણ થશે? ક્યારે ટેસ્ટ પેપર લેવાશે? વગેરે પરીક્ષામાં વિચારતા હોય છે.

વિદ્યાર્થીઓ આજે પરીક્ષા પહેલાની તૈયારી વિષે વાત કરવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પહેલીવાર અને છેલ્લીવાર આપવાની છે. તો પરીક્ષામાં આપણે લડી લેવું જોઈએ. બેસ્ટમાં બેસ્ટ પરફોર્મ્સ થાય એવી તૈયારી કરવી જોઈએ.

પરીક્ષા પહેલા કેટલીક બાબતોની કાળજી લેવી પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ પહેલા તો સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ વિષયો અને દરેક ચેપ્ટર સમજવાની જરૂર છે. ત્યારપછી સમય અનુસાર વ્યવસ્થિત રીતે એક-એક બાબતો, દાખલાઓ, સંકલ્પનાઓ વ્યાખ્યાઓ, અર્થ, પરિમિતિના દાખલાઓ, એકાઉન્ટ, સ્ટેટના દાખલાઓ વગેરે જે-તે બાબતો પર ચર્ચા કરવી જોઈએ. એકથી વધારે વખત રિપીટ કરવું, શિક્ષકોની મદદ લો, તમારા અંગત મિત્રોની, માતા-પિતા તથા અન્ય વ્યક્તિની મદદ લો. આથી આપણી સમજ શક્તિ, વિચારો, ગ્રહણ શક્તિ વગેરે બાબતોમાં બદલાવ આવશે.

પરીક્ષા પહેલા મન શાંત રાખો, ચિંતન કરો. યાદ રાખવાનો પ્રયત્ન કરો, એકથી વધારે વખત લખવું યાદ કરવું. વિવિધ વિષયોના પેપર સેટ વસાવીલો અને તે ત્રણ-ત્રણ કલાક સુધી યાદ કરીને લખો, પ્રેક્ટીસ કરો. તો આપણે જરૂર આવડી જશે જ!  અમુક વિદ્યાર્થીઓ સવારે વાચન કરતા હોય છે અને અમુક વિદ્યાર્થીઓ રાત્રિ મોડે-મોડે સુધી વાચન કરતા હોય છે. પરંતુ એવું કહેવાય છે કે સવારનું વાચન ખૂબ જ સારૃં હોય. તેમાં ઝડપી યાદ રહી જાય અને ભુલાતું નથી. પરંતુ આપણે યોગ્ય લાગે તેમ સમયસર વાચન કરવું. દિવસ દરમ્યાન ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ કલાક વાચન કરવું. ઊંઘ વ્યવસ્થિત લેવી, પૌષ્ટિક આહાર લેવો. વધારે પડતા વિચારો કરવા નહીં. આ બધું આપણી પરિસ્થિતિ મુજબ કરવું જોઈએ. અને પરીક્ષા દરમ્યાન ઓછામાં ઓછી ૮ થી ૧૦ કલાક ઊંઘ લેવી જ જોઈએ. પરીક્ષાઓ પહેલા આપણી થોડીક આદતો બદલવી જોઈએ. જેમકે વિદ્યાર્થીઓના મિત્રો સાથે ફરવા જવું, ખરાબ સંગત, ખોટો સમય વેડફવો, વ્યસન કરવું આ બધું કરવું જોઈએ નહીં. પરિવાર સાથે બહાર ફરવા જવું, પ્રસંગમાં જવું, ફિલ્મ જોવા જવું, મોબાઈલનો ઉપયોગ વગેરે બાબતો પર થોડા દિવસ પ્રતિબંધ મૂકવો જોઈએ.

પરીક્ષા દરમિયાાન

પરીક્ષા દરમિયાન વર્ષ દરમિયાન જેટલી સારી મહેનત કરી હોય તે મહેનતનો રંગ ત્રણ કલાકમાં આપી જાય તેમ સારામાં સારૃં પેપર લખવાનું છે. જે આવડે અને જેવું આવડે તેવું ખુબ જ સારૃં પરફોર્મન્સ બતાવવાનું છે. તે દરમ્યાન હળવાશથી કોઈ જ પ્રકારનાં ટેન્શન કે નેગેટીવ વિચાર કરવો નહીં. પ્રસન્નતાથી પેપર લખવા જવું. ખૂબ જ સારૃં થશે અને મને બધું જ આવડી જશે તે પ્રકારના વિચારો કરવા. પરીક્ષા દરમ્યાન તમારે જોઈતી વસ્તુઓ અગાઉથી આગલા દિવસે જ તૈયારી કરી લેવી. યોગ્ય કપડાં, પાણીની બોટલ જરૂરી દવાઓ સાથે રાખવી. પરીક્ષા દરમ્યાન ખૂબ જ કાળજી રાખી આપણું પેપર પૂર્ણ કરવું. આજુ-બાજુ લોકો શું કરે છે? તેની ચિંતા કરવી નહીં. પેપર દરમ્યાન અક્ષરો, સારા કરવા, વિભાગ યોગ્ય જગ્યાએ લખવા. સંપૂર્ણ પેપર લખવું. અધૂરૃં મુકવાનું નહીં એટલે કે ટાઇમ મેનેજમેન્ટ અગાઉથી નક્કી કરી લેવો વગેરે. પરીક્ષા ખંડમાં વિવિધ બાબતો ખબર ન પડે તો શિક્ષકને પૂછી લેવું અથવા અગાઉથી વાલી કે મિત્રો દ્વારા જાણી લેવું જોઈએ.

પરીક્ષા પછી...

પરીક્ષા આપ્યા પછી આપ ખૂબ જ હળવાશ અનુભવશો. તે પછી વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોયા હશે કે રીઝલ્ટ ક્યારે આવશે? એની ચિંતા અત્યારે ન કરવી પણ પરિણામ જયારે આવે ત્યારે. પરિણામ જેવું આવે તેવું? સ્વીકારી લેવાનું મન બનાવવું જોઈએ.

આપણે બધાને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. આપણા નસીબમાં એટલે ઓછા ટકા આવે તો ગભરાવાનું નહીં. ભગવાન કે નસીબ આપણે કોઈ ચોક્કસ દિશામાં લઇ જવાના હશે! એવું વિચારી લેવું. પરીક્ષા પછી આપણે જેવી મહેનત કરી હશે. તેવું ફળ એટલે કે પરિણામ ચોક્કસથી મળશે.

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...

આલેખનઃ રવિ ખેતાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh