Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધીને ત્યાં સાતમી ઓગસ્ટે 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠકઃ સરકારને ઘેરવા ઘડાશે વ્યૂહ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને બિહારનો એસઆરઆઈનો મુદ્દો હવે કેન્દ્રમાં: થશે બળાબળના પારખા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને વિપક્ષ લડી લેવાના મુડમાં જણાય છે. સાતમીએ રાહુલ ગાંધીના નિવાસે યોજાનારી 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠકમાં ચૂંટણી પંચની 'એસઆઈઆર' પ્રક્રિયા પણ ચર્ચામાં કેન્દ્રસ્થાને હશે. સંયુક્ત આંદોલન અને કાનૂની વિકલ્પો ઉપર પણ ચર્ચા થશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ચૂટણીમાં શાસક પક્ષ અને વિપક્ષ એકબીજાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે, અને વિપક્ષી પક્ષોના જોડાણ ઈન્ડિયા બ્લોકની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.

આ મહત્ત્વપૂર્ણ બેઠક સાત ઓગસ્ટે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિરોધ પક્ષો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રણનીતિ પણ બનાવશે. રાહુલ ગાંધી આ બેઠકમાં કથિત મત ચોરીના પુરાવા રજૂ કરશે. વિરોધ પક્ષો બિહારમાં સંયુક્ત આંદોલન અને કાનૂની વિકલ્પો પર પણ વિચાર કરશે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પછી મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામો દૂર થવાથી વિપક્ષી પક્ષો ચિંતિત છે. તેઓ અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દો ઊઠાવવાની યોજના બનાવી રહ્યા છે, તેમ સૂત્રો જણાવે છે.

બીજી તરફ કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચની કામગીરી પર પ્રશ્નો ઊઠાવ્યા છે. તેમનો આરોપ છે કે ઘણી ચૂંટણીઓમાં મત ચોરી થઈ છે. વિપક્ષી પક્ષો સંયુક્ત રીતે આ બધા મુદ્દાઓ પર રણનીતિ બનાવશે. કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના ઘરે યોજાનારી બેઠકમાં કોંગ્રેસના સાંસદો બેંગલુરૂમાં કથિત ચૂંટણી ગેરરીતિઓ અંગે રજૂઆત કરશે.

રાહુલ ગાંધીના ઘરે યોજાનારી બેઠકમાં સંસદમાં ચાલી રહેલા ગતિરોધ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિપક્ષની આગામી રણનીતિ પર પણ વિચારણા કરવામાં આવશે. આમાં એસઆઈઆર પ્રક્રિયા અંગે બિહાર અને દેશભરમાં સંયુક્ત આંદોલન શરૂ કરવાની શક્યતા પર પણ ચર્ચા કરવામાં આવશે. તેજસ્વી યાદવે અગાઉ બિહાર વિધાનસભા ચૂટણીનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. આ અંગે મોદી સરકારને ઘેરવાનો વ્યૂહ ઘડાશે, તેમ જણાય છે.

કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે એસઆઈઆર કેસ હજુ પણ સુપ્રિમ કોર્ટમાં છે. આ ઉપરાંત એસઆઈઆરમાં ફરિયાદ કરવા અને નિવારણ મેળવવા માટેની પણ જોગવાઈઓ છે. આવી સ્થિતિમાં ચૂંટણીનો બહિષ્કાર કરવા જેવા મોટા પગલાં લેતા પહેલા બધા વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. આ સાથ જે લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને પણ તેમની ફરિયાદ નોંધાવવાની તક મળવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ર૧ ઓગસ્ટ છે. વિરોધ પક્ષો ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવા કે નહીં તે અંગે પણ ચર્ચા કરશે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ માટે આ ચૂંટણી સરળ માનવામાં આવે છે, કારણ કે તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. વિરોધ પક્ષો દરેક પાસાને કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ રહ્યા છે. તેઓ ખાતરી કરવા માગે છે કે મતદારોના અધિકારોનું રક્ષણ થાય અને ચૂંટણી પ્રક્રિયા ન્યાયી બને.

વિપક્ષી પક્ષો માને છે કે મતદાર યાદીમાં અનિયમિતતાઓ એક ગંભીર મુદ્દો છે. આ ચૂંટણીની નિષ્પક્ષતાને અસર કરી શકે છે. તેઓ આ મુદ્દા પર લોકોમાં જાગૃતિ ફેલાવશે અને સરકાર પર આ મામલે યોગ્ય પગલાં લેવા દબાણ કરશે. આ લડાઈમાં વિરોધ પક્ષોની એક્તા મહત્ત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચે ખાતરી કરવી જોઈએ કે મતદાર યાદીમાં કોઈ અનિયમિતતા ન રહે અને બધા પાત્ર નાગરિકોને મતદાન કરવાની તક મળે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh