Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે રાજસ્થાન પછી ગુજરાત બીજા ક્રમે
ગુજરાતીઓના પ્રિય અને ધર્મ શિરોમણી માસ શ્રાવણનો આજથી પ્રારંભ થયો. ભક્તો શિવમય બન્યા છે. ગુજરાતીઓના દિલમાં ધર્મ અને ધંધો કાયમ માટે ટોપ ટ્રેન્ડ કરતો હોય છે. જો કે હમણાં હમણાં તે ક્રમમાં નાનકડો ફેરફાર જણાયો છે. આ શ્રાવણ માસમાં ધર્મ પછી બીજા ક્રમે 'સોલાર' ટ્રેન્ડ કરે છે. લગભગ ગુજરાતની ૫૦ ટકા વસ્તી સોલાર શક્તિમાંથી કમાણી કરવાના અવનવા રસ્તા શોધે છે! જ્યાં તક મળે ત્યાં સોલાર પેનલ ફીટ કરવા માટે જગ્યા શોધે છે. હજારો ખેડૂતો ખેતી કામ છોડી ચૂક્યા છે. સોલાર પાવર કંપનીઓ જમીન ૩૦ વર્ષના ભાડા પટ્ટે રાખે છે. બે વર્ષનું ભાડું કરાર સમયે જ આપી દે છે! ખેતીમાં હવે રસકસ રહૃાો નથી. ભાગીયા ભાગે આવવા દેતા નથી. દલાલો કમાવા દેતા નથી. જીવાતો પાક બગાડી નાખે છે, ખાતર સમયસર મળતું નથી. મોંઘવારી બેફામ વધી રહી છે. આવા સંજોગોમાં લાંબાગાળાની કાયમી મોટી આવકની લાલચ જાગે તે સ્વાભાવિક છે.
અંબાણી, અદાણી, ટાટા જેવા અબજોપતિ લોકો પણ જો સૂર્યશક્તિમાંથી શક્તિમાન થવાના પ્રયાસો કરતા હોય ત્યારે માધ્યમ વર્ગ તો કેમ બાકાત રહી શકે? કચ્છથી બનાસકાંઠા સુધીની જમીનો ઉપર કોર્પોરેટ કંપનીઓના સોલાર ફાર્મ ચાલુ થઈ ગયા છે. જામનગરથી જામજોધપુર અને જામનગરથી ઓખા સુધીના પટ્ટ ઉપર સોલાર પેનલો પથરાઇ રહી છે.
હવે સોલાર ફાર્મ અને પવન ચકીની સાથે 'હાઇબ્રીડ ફાર્મ'નો કોન્સેપ્ટ આવ્યો છે. સોલાર પેનલોની વચ્ચે પવન ચકી નાખવાની! આમ સૂર્ય અને હવા એમ બન્નેમાંથી વીજળી મેળવવાની!
જામનગર
જામનગર જિલ્લામાં સોલાર ફાર્મનો ક્રેઝ ટોચ ઉપર છે. કેટલાક ગામોમાં જમીનોના ભાવ આસમાને પહોેંચ્યા છે. એક વિઘા જમીનના ભાવ ૬૫ લાખથી એક કરોડ સુધી પહોેંચ્યા છે. જમીન ૩૦ વર્ષના ભાડે દેવી હોય તો એક વિઘા જમીનનું તગડું ભાડું આપવામાં આવે છે. જમીનો લેવા માટે ઠેર ઠેર દલાલો ફરી રહૃાા છે. કરાર કર્યા પછી જ્યાં સુધી સોલારની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતને ખેતી કરવાની છૂટ પણ આપવામાં આવે છે. દર ત્રણ વર્ષે પાંચ ટકાનો ભાડા વધારો પણ આપવાની શરત છે. જામનગર જેવી હાલત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. ત્યાં પણ ખેડૂતો હવે ખેતીમાંથી છૂટવા માંગે છે. ૩૦ વર્ષની લાંબા ગાળાના બેઠી આવકના સુંદર સ્વપ્ન આવે છે.
ફોસીલ એનર્જી
વર્તમાન સમયમાં આપણે ઉર્જા મેળવવા જે પેટ્રોલ, ડિઝલનો ઉપયોગ કરીએ છીએ તેને ફોસીલ એનર્જી અથવા અશ્મિભૂત એનર્જી કહેવામાં આવે છે. તેના પુરવઠાનો અંત હવે નજીક છે. આથી, વૈક્લપિક ઉર્જા ઝડપથી વિકસાવવી જરૂરી છે. જરૂરિયાત સંશોધનની માતા છે. અશ્મિભૂત એનજીનું સ્થાન ઝડપથી પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા લઈ રહી છે. ભારત સરકારે જાહેર કર્યું છે કે, દેશમાં કુલ વપરાશના ૫૦ ટકા બિન અશ્મિભૂત એનર્જીએ સ્થાન લઈ લીધું છે. આ લક્ષ્ય ૨૦૩૦ સુધીનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે લક્ષ્ય ૨૦૨૫ માં જ એટલે કે, પાંચ વર્ષ પહેલાં સિદ્ધ કરી લેવામાં આવ્યું છે! ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૪.૮ ગીગા વોટની છે, તેની સામે બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન ૨૪૨.૮ ગીગા વોટ થયું છે! આમ ભારત હવે ફોસીલ એનર્જી ઉપરની પોતાની નિર્ભરતા બહુ ઝડપથી ઘટાડી રહૃાું છે.
પવન ઉર્જા
ભારતમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રનો હવા, પવનથી પ્રારંભ થયો. ગુજરાતીઓ સૌ પ્રથમ સુઝલોન કંપનીથી આ ક્ષેત્રને ઓળખતા થયા. પવન ઉર્જા નવીનીકરણીય ઊર્જાનું એક સ્વરૂપ છે જે પવન ટર્બાઇનનો ઉપયોગ કરીને પવનની ગતિ ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટર્બાઇન્સમાં બ્લેડ હોય છે, જે પવન ફૂંકાય ત્યારે ફરે છે, અને આ પરિભ્રમણ એક જનરેટર ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. પવન ઊર્જા એક સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્ત્રોત છે, જે વધુ ટકાઉ ઊર્જા પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ઉર્જા નિર્માણ કાર્યમાં હવાની ગતિ બહુ મહત્ત્વની છે. જેની ઝડપ/ગતિ કાયમ એક સમાન રહેતી નથી, મોટી વધઘટ થાય છે. આથી ઉત્પાદન પણ અનિશ્ચિત રહે છે. તે માત્ર મેદાનોમાં જ સ્થાપિત કરી શકાય છે. સ્થાપન પણ બહુ ખર્ચાળ છે. નિર્માણ અને મરામત બન્ને સમય અને શક્તિ માંગે છે. સામાન્ય લોકોને માટે તે કપરૃં કામ છે.
પવન ઉર્જા ઉત્પાદનમાં રહેલી ક્ષતિઓને કારણે તેનો વિકાસ બહુ થયો નથી. તેની સામે સુર્ય શક્તિ આધારિત ઉર્જા સુલભ, સરળ અને નિયમિત હોવાથી તે ઝડપથી ફેલાઈ રહી છે. નાની અગાસીમાં પણ સોલાર પેનલ લગાવી શકાય છે. સામાન્ય જ્ઞાન ધરાવતા કારીગરો ફીટ કરી શકે છે અને જાળવણી પણ કરી શકે છે. ઉર્જાનો આ કાયમી અને નિશ્ચિત સોર્સ છે. પવન કરતાં તેની ગુણવત્તા પણ ઊંચી છે.
અમલ
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં, ગુજરાત ભારતના સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે, જેની કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા ૧૬.૭ ગીગા વોલ્ટ (૧૬૭૯૫ મેગા વોલ્ટ) છે. ગુજરાત રાજસ્થાન પછી ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું સૌર ઉર્જાથી ચાલતું રાજ્ય છે. દેશની વસ્તીના માત્ર ૫% વસ્તી હોવા છતાં, ગુજરાત ભારતના રહેણાંક છત સોલાર સિસ્ટમના લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. મે ૨૦૨૫ સુધીમાં, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ ૩.૩૬ લાખથી વધુ છત સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ૧૨૩૨ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થાય છે. આના પરિણામે ૧૨૪૮ મેટ્રિક ટન કોલસાની બચત થઈ છે અને ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ ના પ્રથમ નવ મહિનામાં, ગુજરાતે ભારતના છત સૌર સ્થાપનોમાં ૩૮% ફાળો આપ્યો હતો.
મુખ્ય સૌર પ્રોજેક્ટ્સ
ચારણકા સોલાર પાર્કઃ પાટણ જિલ્લામાં આવેલું, આ એશિયાના સૌથી મોટા સૌર પાર્કમાંનું એક છે, જેની ક્ષમતા ૭૦૦ મેગાવોટથી વધુ છે. તે જાહેર-ખાનગી ભાગીદારી માટે એક મોડેલ રહૃાું છે અને તેણે રોજગારની તકો ઊભી કરી છે.
ધોલેરા સોલાર પાર્કઃ ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ, તે ૫ ય્ઉ ક્ષમતાનું લક્ષ્ય રાખે છે, જે મોટા પાયે સૌર વિકાસ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.
ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કઃ કચ્છના રણમાં વિકાસ હેઠળ, આ હાઇબ્રિડ પાર્ક (સૌર અને પવન) ૩૦ ય્ઉ રિન્યુએબલ ઉર્જાનું લક્ષ્ય રાખે છે, જેમાં ૨૦૨૫ સુધીમાં ૩ ય્ઉ પહેલાથી જ કાર્યરત છે, જે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થવાની અપેક્ષા છે. તે ૧૫,૨૦૦ થી વધુ ગ્રીન જોબ્સનું સર્જન કરશે અને વાર્ષિક ૫ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે.
કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટઃ વડોદરામાં નર્મદા કેનાલ પર ૧૦ મેગાવોટનો કેનાલ-ટોપ સોલાર પ્લાન્ટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરતી વખતે પાણીનું બાષ્પીભવન ઘટાડે છે.
નીતિ અને પ્રોત્સાહનો
ગુજરાત સોલાર પોલિસીઃ આ નીતિએ સૌર પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા મર્યાદા દૂર કરી, સૌર ઉત્પાદન માટે છત ભાડે લેવાની મંજૂરી આપી અને નેટ-મીટરિંગ સુવિધાઓ પૂરી પાડી. સરપ્લસ વીજળી પ્રથમ પાંચ વર્ષ માટે ૨.૨૫ /યુનિટના દરે ખરીદવામાં આવે છે, પછી સ્પર્ધાત્મક બોલી દ્વારા નક્કી કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% છે.
સૂર્યશક્તિ કિસાન યોજનાઃ ખેડૂતોને સૌર પેનલ ઇન્સ્ટોલેશન ખર્ચ પર ૬૦% સબસિડી મળે છે, જેમાં ૩૦% ઓછા વ્યાજની લોન તરીકે હોય છે, અને તેઓ પ્રથમ સાત વર્ષ માટે ૭/યુનિટ અને ત્યારબાદ ૩.૫/યુનિટના દરે ગ્રીડમાં વધારાની ઊર્જા નિકાસ કરી શકે છે.
પીએમ સૂર્ય ઘર યોજનાઃ ૩ કિલો વોલ્ટ સુધીની છતવાળી સોલાર સિસ્ટમ માટે ૪૦% સુધી અને ૩-૧૦ કિલો વોલ્ટ વચ્ચેની સિસ્ટમ માટે ૨૦% સુધીની સબસિડી આપે છે. રાજ્ય સરકારે ૧૭૭ કરોડ સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર લગાવવા માટે આપ્યા છે.
ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસીઃ ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનજીર્નો લક્ષ્યાંક રાખે છે, જેમાં સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ૫ લાખ કરોડના રોકાણ લક્ષ્યાંકનો સમાવેશ થાય છે.
ઉત્પાદન અને માળખાગત સુવિધા
ગુજરાત સૌર ઉત્પાદન માટેનું કેન્દ્ર છે, જેમાં અદાણી સોલાર (૩.૫ ગીગાવોટ ક્ષમતા), વારી એનર્જી (ચીખલીમાં ૫.૪ ગીગાવોટ સોલાર સેલ ગીગાફેક્ટરી), અને સોલેક્સ એનર્જી (સુરતમાં ૧૫ ગીગાવોટ મોડ્યુલ અને ૫ ગીગાવોટ સેલ ક્ષમતાનું આયોજન) જેવી કંપનીઓ છે. આ સુવિધાઓ હજારો નોકરીઓનું સર્જન કરે છે, જેમાં વારી એકલા ૯,૫૦૦ પ્રત્યક્ષ અને ૩૦,૦૦૦ પરોક્ષ નોકરીઓનું સર્જન કરે છે.
નવીન પહેલ
મોઢેરાઃ ભારતનું પહેલું ૨૪ટ૭ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, જેમાં ૧,૩૦૦ થી વધુ છત પર સોલાર સિસ્ટમ અને જમીન પર માઉન્ટેડ પ્લાન્ટ છે.
સુરતનો સૌર ઉર્જાથી ચાલતો બસ ડેપોઃ ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ૧.૬ કરોડનો ખર્ચ છે અને વાર્ષિક ૭ લાખ ઊર્જા ખર્ચ બચાવે છે.
ગ્રીન હાઇડ્રોજનઃ ગુજરાત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની શોધ કરી રહૃાું છે, ડિસેલિનેશન અને નિકાસ ક્ષમતા માટે તેના દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહૃાું છે.
પડકારો
પવન અને સૂર્ય ઉર્જા પ્રોજેક્ટમાં રોજગારી બહુ ઓછું સર્જન થાય છે. ચારણકા સોલાર પાર્ક પ્રોજેક્ટ્સને સ્થાનિક ઇકોસિસ્ટમને અસર કરવા અને નોકરીઓ (૩૦ હજારના વચન સામે માત્ર ૬૦ સ્થાનિક નોકરીઓ) અને સ્વચ્છ પાણી જેવા વચન આપેલા લાભો પહોંચાડવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. પ્રદૂષણ ઓછું કરવા માટે રામબાણ ઈલાજ ગણાતાં પવન અને સુર્ય ઉર્જા રોજગારી આપવામાં નબળા પડે છે.
પોતાના ઘરની છત ઉપર સોલાર ફીટ કરનારને વીજ બિલમાં મોટી રાહત મળે છે, આથી આ પરિવારો વીજળીનો બેફામ ઉપયોગ કરે છે. કામ વગર પણ ઉપકરણો ચાલુ રાખે છે. વીજળી વેડફે છે. ઉર્જા વપરાશ ક્ષેત્રે આપણે બહુ બેજવાબદાર છીએ.
'નોબત'ના વાચકો અને ચાહકો વીજળી, પેટ્રોલ, ડીઝલ ઈંધણનો કરકસરયુક્ત વપરાશ કરે તેવી હાર્દિક વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial