Advertisement
Author: નોબત સમાચાર

બાઈક ધીમુ ચલાવવાનું કહેતા સિક્કામાં થઈ મારામારી સ્કૂટર અંગે પૂછતા જામનગરમાં વકીલને અપાઈ ધમકી

ભાઈના ઝઘડાના પગલે યુવાન પર ચારનો હુમલોઃ સરૂ સેક્શન રોડ પર યુવાનને માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના સિક્કામાં રવિવારની રાત્રે એક શખ્સે બાઈકનો કાવો મારતા થયેલા ઝઘડા પછી બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જ્યારે રવિવારે સાંજે રણજીતસાગર રોડ પર એક યુવાનને ચાર શખ્સે માર માર્યાે હતો. ગઈકાલે રાત્રે સરૂ સેક્શન રોડ પર એક યુવાનને ચાર શખ્સે ધોકાવી નાખ્યો હતો અને પંચવટીમાં એપાર્ટમેન્ટમાંથી સ્કૂટર લઈને જતાં શખ્સોને ત્યાંના રહેવાસીએ સ્કૂટર અંગે પૂછતા તેઓને ગાળો ભાંડી ધમકી આપવામાં આવી હતી.

જામનગર તાલુકાના સિક્કામાં ઈન્દિરાનગર પાસે ધુળીયા પ્લોટમાં રહેતા હુસેનભાઈ મામદભાઈ ચબા નામના યુવાન રવિવારની રાત્રે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે સાહીલ આમીન સુંભણીયા નામનો શખ્સ બાઈક લઈને નીકળ્યો હતો. તેણે કાવો મારતા તેને ફોન કરીને હુસેન ચબાએ શાંતિથી બાઈક ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી.

ત્યારપછી સાહીલ, આમીન તેમજ આમીન સુંભણીયા, હુસેન મામદ સુંભણીયા, ઈસ્માઈલ બેલાઈ નામના શખ્સો પાઈપ, ધોકા સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ હુસેન પર હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર હુસેનના ભાઈ ઈસ્માઈલ તથા તેના માતાને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી. સિક્કા પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે.

આ ફરિયાદની સામે હુસેન મામદ સુંભણીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેના ભત્રીજા સાહીલને હુસેન ચબાએ રવિવારે રાત્રે ફોન કર્યાે હતો તેથી હુસેન મામદ સંુભણીયા, સાહીલ, આમીન તથા હુસેન સુંભણીયા વાત કરવા માટે ગયા હતા ત્યારે ઝપાઝપી થતાં હુસેન મામદ ચબા અને ઈસ્માઈલ મામદ ચબાએ ચપ્પુ તથા પાઈપથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ છએય આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

જામનગરના પંચવટી ગૌશાળા વિસ્તારમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ કમલેશ બિહારીભાઈ પંડયા રવિવારે રાત્રે પોતાના ઘરે આવ્યા ત્યારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અજાણ્યા શખ્સો એક્સેસ લઈને નીકળતા કમલેશભાઈએ આ કોનુ વાહન છે? તેમ કહેતા આ શખ્સોએ તે સ્કૂટર આ જ એપાર્ટમેન્ટમાં રહેતા જીતુભાઈ મનસુખભાઈ વિઠ્ઠલાણીનું હોવાનું કહ્યું હતું. તેથી કમલેશભાઈએ તેઓને બોલાવવાનું કહેતા ધસી આવેલા જીતુભાઈ વિઠ્ઠલાણીએ નીચે આવ્યા પછી ગાળાગાળી કરી હતી અને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગરના રણજીત સાગર રોડ પર નંદનવન પાર્કમાં રહેતા સમીર ઈકબાલ પીપરવાડીયા નામના પીંજારા યુવાનનો ભાઈ શનિવારે પાનની એક દુકાન પાસે હતો ત્યારે મસીતીયાના ઈમરાન અબુભાઈ પાતાણી ઉર્ફે ભૂરા સાથે તેને ઝઘડો થયો હતો. તે પછી રવિવારે સાંજે જ્યારે મારૂ કંસારા હોલ પાસે સમીર ઈકબાલભાઈ પોતાની રેંકડીએ હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા ઈમરાન ઉર્ફે ભુરા, અસલમ સુમરા, સમીર સુમરા, હાજી બશીર ખીરાએ ગાળો ભાંડી સમીર પર ઢીકાપાટુ તથા છરીથી હુમલો કરી માર માર્યાે હતો અને ઈકબાલે તારા ભાઈને કહેજે મારી સામે ન આવે નહીંતર પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં ચારેય સામે ફરિયાદ કરવામાં આવી છે.

ગાંધીનગર નજીકના મોમાઈનગર પાસે પુનીતનગરમાં રહેતા યશપાલ સિંહ ભરતસિંહ જાડેજા ગઈકાલે સરૂ સેક્શન રોડ પર દેવ ડિવાઈન બિલ્ડીંગ નજીક હતા ત્યારે રાજદીપસિંહ સોઢા તથા જયરાજસિંહ સોઢા અને બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. આ ચારેય વ્યક્તિએ પાઈપ તથા ઢીકાપાટુથી હુમલો કરી યશપાલસિંહને માર માર્યાે હતો અને ગાળો ભાંડી હતી. ત્યારપછી જયરાજસિંહે ફોન કરીને યશપાલસિંહના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી ઠપકારી હતી. મોડીરાત્રે સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh