Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં ૫ર્યટન સ્થળોનો વિકાસ થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુઃ મંત્રી મૂળુભાઈ બેરા
ખંંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાન, દ્વારકા ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ગૌરવતા સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેય સાથે પરેડની નિરીક્ષણ કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રાચીન નગરી દ્વારિકાની પાવન ભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મોહન પધાર્યા અને સુંદર નગરી વસાવી તેમજ દ્વારકાથી થોડે જ દૂર ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ એવા પોરબંદરમાં બીજા મોહનનો જન્મ થયો હતો. આ મોહને સત્ય અને અહિંસાના શસ્ત્રથી અંગ્રેજો ભારત છોડવા મજબૂર કર્યા હતા એટલે આજના દિવસે હું ભગવાન શ્રી કૃષ્ણ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરૃં છું.
ભારત માતાના ચરણોમાં વંદન કરતા મંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ એ આપણા દેશને આઝાદી અપાવનારા અનેક નામી, અનામી શહીદોને સ્મરણ કરવાનો દિવસ છે. આ શહીદોના ત્યાગ અને બલિદાનને પરિણામે આજે આપણે સૌ મહામૂલી આઝાદીના મુક્ત વાતાવરણમાં જીવી રહ્યા છીએ. આજનો દિવસ માત્ર શહીદોને સ્મરણ કરવાનો નહીં પરંતુ આપણી જવાબદારીઓ અને આપણી લોકશાહીનું જતન કરવા માટેનો એક અનન્ય અવસર છે.
વર્ષ ૨૦૨૫ને અનેક મહાપુરૂષોના સ્મરણ કરવાના વર્ષ તરીકે વર્ણવ્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણી લોકશાહીના હાર્દ સમા બંધારણને ૭૫ વર્ષ થયા છે. બંધારણનાં આ અમૃત વર્ષે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલને ભાવપૂર્વક વંદન કરૃં છું. આ સાથે આપણા આદિવાસી ક્રાંતિવીર તથા જનનાયક બિરસા મુંડાજીની જન્મજયંતિનું ૧૫૦મું વર્ષ છે ત્યારે તેમના ચરણોમાં પણ હું વંદન કરૃં છું.
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નવીન ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પૂર્વે આપણા દેશના સાર્વભૌમત્વને પડકારનાર આપણા દુશ્મનોને ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયનો પરિચય કરાવ્યો હતો. ઓપરેશન સિંદૂરએ ભારતના ઉદેશ્ય, નીતિ અને નિર્ણાયક અભિગમની અભિવ્યક્તિ હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરના ભાગરૂપે રાજ્યના ૧૮ જિલ્લાઓ કે જેમાં આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ સફળ આયોજન કરી વિકટ પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓ સમીક્ષા કરી હતી. અને આવા વિકટ સમયમાં ના ગરિકોએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો તે માટે હું સૌનો આભાર વ્યક્ત કરૃં છું તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. વર્ષ ૨૦૨૫થી ૨૦૩૫ના દાયકાને ગુજરાતે હિરક મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દેશમાં વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. જેમાં આગામી ૨૫ વર્ષના ભાવિ લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. *અર્નિંગ વેલ, લિવિંગ વેલ*ના ધ્યેયમંત્રને સાકાર કરવા માટે ગુજરાત તે દિશામાં આગળ વધુ રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક આયોજન કરવામાં આવી રહ્યું છે જેની પ્રતિબિંબ આ વર્ષના બજેટમાં જોવા મળ્યું છે. સમાજના કરોડરજ્જુ કહેવાતા ચાર વર્ગો એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્યની વિકાસગાથામાં ભગવાન શ્રી દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, હરસિદ્ધિ માતા મંદિર, ઘુમલી, કિલેશ્વર મહાદેવ સહિત અનેક તીર્થ તથા પર્યટન સ્થળોને પરિણામે પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને હવે ગુજરાતની શાન અને અસ્મિતાનું પ્રતીક સમા એશિયાઈ સિંહોએ ૧૪૩ વર્ષના લાંબા અંતરાલ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગરને પોતાના દ્રિતિય નિવાસસ્થાન પર પરત ફર્યા છે જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના *વિકાસ ભી, વિરાસત ભી*ના મંત્રને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપેરે ચરિતાર્થ કર્યું છે. દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે ગુજરાત બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની દિશામાં અગેસર થઈ રહ્યું છે જેનો ઉત્તમ ઉદાહરણ ગત વર્ષે ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓની સંખ્યાથી જોઈ શકાય છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજ્યમાં નવા પર્યટન સ્થળો જેવા કે ધરોઈ, પ્રાચીન નગરી વડનગર, નડા બેટ ખાતે સીમદર્શન જેવા સ્થળોનો વિકાસ થતા આપણી સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાને જાણવાનો અવસર પ્રાપ્ત થયો છે.
ઉત્તમ જીવનધોરણ માટે સ્વસ્થ આરોગ્ય હોવું ખૂબ જ આવશ્યક છે. દેશના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાગરિકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે તેમ કહેતા મંત્રીશ્રીએ કહ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યની પાયાની સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં આવી છે. જનની સુરક્ષા યોજના હેઠળ ૨૩૭, પી.એમ.જે.વાય યોજના હેઠળ ૫૩૩ તથા મફત તબીબી સહાય યોજના અંતર્ગત ૯૬ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ તો માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત થઈ બાકી સમગ્ર રાજ્યમાં નાગરિકોની સુખાકારી માટે આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
શિક્ષણ કોઈપણ દેશ તથા રાજ્યની ભવિષ્ય તથા સર્વાંગી વિકાસ માટે પાયાનું પરિબળ હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વિધાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભાર વગરના ભણતર વિચારને મૂર્તિવંત કરવા માટે દર શનિવારે *બેગલેસ ડે* ઉજવવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ હરણફાળ ભરી રહ્યો છે. દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુસર શરૂ કરવામાં આવેલ નામો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ની વિધાર્થિનીઓને અંદાજિત રૂ.૦૪ કરોડ તથા ધોરણ ૧૧ અને ૧૨ની વિધાર્થિનીઓને રૂ.૨ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવશે.
ગુજરાતની કૃષિના અભૂતપૂર્વ વિકાસમાં અન્નદાતાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારની ખેડૂતહિતલક્ષી અનેકવિધ યોજનાઓ અને અન્નદાતાઓની અથાક મહેનતને પરિણામે ગુજરાત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ બન્યું છે. જો વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો વર્ષ ૨૦૨૪- ૨૫માં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ૩૫ હજાર કરતા વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ.૨૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત, ખેડૂતોને આવક વધારવા અને તેને સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવેલો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૭૦ હજાર કરતા વધુ અન્નદાતાઓને રૂ.૪૨ કરોડથી વધુ રકમ સીધી જ તેમના બેંકખાતામાં જમાં કરવામાં આવી છે.
પર્યાવરણની જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ *એક પેડ માં કે નામ* અભિયાન થકી દેશવાસીઓને પર્યાવરણના સંરક્ષણ અને તેનું માનવજીવનમાં મહત્વ અંગે પ્રેરણા આપી છે. સૌના સહિયારા પુરૂષાર્થના પરિણમે રાજ્યમાં અંદાજિત ૬.૫૫ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. વિકસિત ગુજરાતની યાત્રામાં આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ લાભ મળી રહ્યો છે. ત્યારે સૌ સાથે મળી ગુજરાતને અમૃતકાળમાં દેશ તથા દુનિયામાં મોડેલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ લઈએ તથા વિકસિત ગુજરાતના નિર્માણમાં આપણું યોગદાન આપીએ અને ગુજરાત તથા રાષ્ટ્રને વિકાસના પથ પર અગ્રેસર બનાવવા સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રતિબદ્ધ થઈએ.
૭૯માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સંદેશ આપતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતાં. રાધે ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો દ્વારા પણ દેશભક્તિ સભર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
પરેડમાં એન.સી.સી. પુરૂષ પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, પોલીસ પુરૂષ પ્લાટુન, પોલીસ મહિલા પ્લાટુન, એસ.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. મહીલા પ્લાટુન એમ કુલ ૬ પ્લાટુન જોડાઈ હતી.
ઉપરાંત જિલ્લાના વિવિધ ક્ષેત્રો જેવા કે પોલીસ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિભાગના કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત સ્થળ પર તૈયાર કરવામાં આવેલા નેવી, કોસ્ટ ગાર્ડ, એન.ડી.આર.એફ.ના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.
૭૯માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી નિમિતે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, નગરપાલિકા પ્રમુખ શ્રી કોમલબેન ડાભી, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી, લુણાભા સુમણીયા, રમેશભાઈ હેરમા, વિજયભાઈ બુજડ, જે.કે.હાથિયા સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રબુધ્ધ નાગરિકો, વિધાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial