Advertisement
Author: નોબત સમાચાર

આતંકીસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે? પૈસાનો ખેલ.. દેશ સાથે ખીલવાડ... ક્રિકેટરો કરે બહિષ્કાર.. ચૂપ કેમ છે સરકાર ?

                                                                                                                                                                                                      

એશિયા કપનું શિડ્યુલ જાહેર થયા પછી ૧૫મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ક્રિકેટ મેચ રમાશે, તેવું જાહેર થતા જ દેશભરમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને આ વખતે યજમાની ભારતે કરવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તો સ્થગિત કરી દીધા હોવાથી યુ.એ.ઈ.માં ૯ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી (તટસ્થ સ્થળે) આ ટૂર્નામેન્ટ રમાડાશે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ ૧૪મી સપ્ટેમ્બરે યોજાશે, અને આ ગ્રુપમેચ પછી એવી સંભાવનાઓ પણ રહે છે કે સુપર ફોરમાં અને ક્વાલિફાય થાય તો ફાઈનલમાં પણ બંને ટીમો સામે સામે આવી શકે છે. એ.સી.સી. દ્વારા આ ટૂર્નામેન્ટનો વિસ્તૃત શિડ્યુલ જાહેર થયા પછી દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો આને પૈસાનો ખેલ જણાવી રહ્યા છે, અને દેશ સાથે મોદી સરકાર ખીલવાડ કરી રહી હોવાના તીખા તમતમતા આક્ષેપો થઈ રહ્યા છે, અની બી.સી.સી.આઈ.ને આવું કરતું રોકવાના બદલે ગઈકાલ સુધી સરકાર તદૃન ચૂપ શા માટે હતી ? આજે પણ આ મુદ્દે ગોળ ગોળ વાતો શાસક પક્ષોની નેતાગીરી શા માટે કરી રહ્યી છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે, વિપક્ષો તો ત્યાં સુધી આક્ષેપ કરી રહ્યા છે કે આઈ.સી.સી.ના પ્રમુખપદે કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારે દેશવાસીઓ જ નહીં, યુદ્ધોમાં પાકિસ્તાન સામે લડતા લડતા શહીદો થયેલા તથા પહલગામમાં જેની ધર્મ પુછીને પાક પ્રેરિત આતંકવાદીઓએ હત્યા કરી, તે દિવ્યાત્માઓનું પણ અપમાન છે, તેવો પ્રચંડ આક્રોશ પણ વિવિધ રાજકીય પક્ષો જ નહીં, કેટલાક અન્ય ગણમાન્ય લોકો તથ વ્યક્ત કી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર પછી વિશ્વના જુદા જુદા દેશોમાં ભારત તરફથી પાકિસ્તાનની અસલિયત દુનિયા સમક્ષ મુકવા ગયેલા સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો પૈકીના એક ડેલિમેશન માં સામેલ મહારાષ્ટ્રના સાંસદ અને શિવસેના (યુબીટી) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કહ્યું કે જ્યારે આપણો દેશ કારગીલ વિજય દિવસ ઉજવી રહ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી હતી, ત્યારે જ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ ઘમંડ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં રમાનાર ક્રિકેટ મેચની ઘોષણા કરી રહ્યા હતા, જે આપણા શહીદોનું અપમાન છે. ઓપરેશન સિંદૂરનું સત્ય દુનિયા સમક્ષ મુકવા, જ્યારે ડેલિગેશનનો વિશ્વના જુદા જુદા દેશોમાં ગયા, ત્યાં ભારત સરકારના સંદેશ મુજબ ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવનું બંધ નહીં કરે, ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર નહીં રાખે, કે વાટાઘાટો પણ નહીં કરે. હવે જો વાતચીત જ નહીં, ક્રિકેટ રમવા માટે  પણ તૈયારી બતાવાઈ રહી હોય, તો તેનો વિરોધ આખો દેશ કરશે, બીજી તરફ એવા પ્રતિભાવો પણ આવ્યા કે પાકિસ્તાન સાથે મેચ નહીં રમવા દેવાની ચર્ચાનું આયોજન કરનાર ભારતીય ન્યુઝ ચેનલો પૈકી કેટલીક ચેનલો વચ્ચેના પણ પાક.ના પ્રતિનિધિઓને ચર્ચામાં સામેલ કરવા ન જોઈએ ?

પ્રિયંકા ચતુર્વેદી જ નહીં, વિપક્ષના અનેક નેતાઓના આક્રોશપૂર્ણ નિવેદનો આવ્યા પછી ટેલિવિઝન ચેનલો પર ચાલતા ડિબેટીંગમાં એન.ડી.એ.ના સાથીદારો સહિત શાસક પક્ષના પ્રવકતાઓ ગેં..ગેં...ફેં...ફેં....કરતા અને ફીફાં ખાંડતા જોવા મળ્યા, કારણ કે આખી દુનિયાની ક્રિકેટ ટૂર્નામેન્ટોનો કંટ્રોલ જેની પાસે હોય છે, તેના અધ્યક્ષ જ કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર હોય અને ઓપરેશન સિંદૂર હજુ ખતમ ન થયું હોય ત્યારે આ પ્રકારે નફ્ફટ, નમાલા અને નપાવટ પડોશી દગાબાજ દેશની ટીમ સાથે ક્રિકેટ રમવાની ઘોષણા થાય, તે પણ શરમજનક ગણાય, એટલું જ નહીં, આવી ઘોષણા થઈ જ શા માટે ? તેવા સવાલોનો કોઈ જવાબ પણ મળી શક્યો નહોતો.

એવી દલીલ થઈ રહી હતી કે આંતરરાષ્ટ્રીય શિડ્યુલ્સ બે મહિના પહેલા તૈયાર થઈ જતા હોય છે, અને બી.સી.સી.આઈ. સરકારી નથી, તેથી હવે સરકાર કદમ ઉઠાવશે જેથી પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમાય, જેની સામે એવો આક્રોષ થઈ રહ્યો હતો કે સરકારે આ શિડ્યુલ જાહેર થાય, ત્યાં સુધી ઈરાદાપૂર્વક રાહ જોઈ, અને જોયું કે, જન-પ્રતિભાવો કેવા પડે છે...જો આટલો પ્રચંડ વિરોધ ન થયો હોત તો "રમત" ચાલુ રાખવી અને  હવે "જનભાવનાઓને અનુરૂપ" ગણાવીને મેચ રદ કરવાનો "યશ" પણ લઈ લેવાની ગંદી રાજનીતિ અપનાવાઈ રહી છે., અન્યથા ક્ેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ આઈ.સી.સી.ના અધ્યક્ષ હોય અને કેન્દ્ર સરકારને શિડ્યુલ જાહેર ન થઈ જાય, તેવું બને જ નહીં ને ?

આ ટૂર્નામેન્ટ રદ થાય કે ભારત નહીં રમે, તો બહુ બહુ તો જંગી નાણાકીય નુકસાન થાય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ ભારતને ટૂર્નામેન્ટમાં રમવું જ નહીં પડે અને ભારતની ટીમ પાકિસ્તાન સામે ન રમે, તો ભારતીય ટીમને પોઈન્ટનું નુકસાન થાય, તેનાથી વધુ શું થાય ?, પરંતુ આ પ્રકારનું કદમ પાકિસ્તાન અને વિશ્વને આતંકવાદ વિરોધી કડક સંદેશ આપે, અને ભારતની આતંકવાદ વિરોધી રણનીતિની મક્કમતા પૂરવાર થાય, દેશભરમાંથી એવી જનભાવનાઓ પણ ઉઠી રહી છે કે બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી. ભલે નિયમો બતાવે અને સરકાર શાહમૃગીવૃત્તિ અપનાવીને ચૂપ રહે, તો પણ ભારતીય ક્રિકેટ ટીમે અને તમામ ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે રમવાની ચોખ્ખી ના પાડીને બહિષ્કાર કરી દેવો જોઈએ.

આજે સંસદમાં ઓપરેશન સિંદૂરને સાંકળીને થનારી ચર્ચામાં પણ આ મુદૃો અગ્રેસર રહેવાનો જ છે અને તેથી જ આજે જે કાંઈ બની રહ્યું છે, તે મોદી સરકારની નીતિ વિષયક આલોચનાઓનું પરિણામ ગણાવાઈ રહ્યું છે, પરંતુ એવું કહી શકાય કે "અગર અંત ભલા તો સબ ભલા..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh