Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીયમંત્રી શિવરાજસિંહ, પંજાબના સી.એમ. માન તથા 'આપ'ના અધ્યક્ષ કેજરીવાલે કર્યું નિરીક્ષણ
નવી દિલ્હી તા. ૫: પંજાબમાં પૂરપ્રકોપથી તારાજી સર્જાઈ છે અને મૃતાંક વધી રહ્યો છે. હજારો લોકોનુ સ્થળાંતર કરાયુ છે. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી-એનસીઆર સહિતના ઘણાં રાજ્યોમાં લાખો હેકટર ખેતીમાં પાણી ફરી વળ્યા છે. જયારે હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું છે. કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ તથા મુખ્યમંત્રીઓ પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે.
પંજાબમાં ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં ૪૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ૧.૭૧ લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. ૨૩ જિલ્લાના ૧૯૦૨ ગામ પાણીમાં ગરકાવ થયા છે. લગભગ ૩,૮૪,૨૦૫ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી ૨૦,૯૭૨ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
પંજાબના મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી હરદીપ સિંહ મુંડિયને જણાવ્યું કે, ભયાવહ પૂરના કારણે ૨૩ જિલ્લાના કુલ ૧૯૦૨ ગામ પ્રભાવિત થયા છે. જેનાથી ૩.૮૪ લાખથી વધુ લોકોનું જીવન ખોરવાયુ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધીમાં ૨૦૯૭૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે ૧૪ જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી ૪૩ થઈ છે.
હોશિયારપુરમાં સાત, પઠાણકોટમાં છ, બરનાલા અને અમૃતસરમાં ૫-૫, લુધિયાણા અને બઠિંડામાં ચાર-ચાર, ગુરદાસપુર અને એસએએસ નગરમાં બે-બે, પટિયાલા, રૂપનગર, સંગરૂર, ફાઝિલ્કા, અને ફિરોઝપુરમાં ૧-૧ના મોત થયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા ૧ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીના છે. પંજાબમાં પૂરની તબાહીમાં ખેતરો તણાયા છે. ૧.૭૧ લાખ હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થયો છે. ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા, માનસામાં પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી છે. કેજરીવાલે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, તેઓ પંજાબમાં આવેલી આ કુદરતી આફતમાં થઈ શકે તેટલી મદદ કરે.
ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો અમૃતસર, ગુરદાસપુર, અને કપૂરથલાની મુલાકાત લીધી હતી. પૂરપીડિતોને આશ્વાસન આપ્યું હતું કે, આ સંકટની પળમાં કેન્દ્ર સરકાર તેમની સાથે છે. બે કેન્દ્રીય ટુકડી આ પરિસ્થિતિનું આંકલન કરવા પંજાબની મુલાકાત કરી રહી છે. તે આંકલન કર્યા બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે. તેમણે કહૃાું કે, સ્પષ્ટપણે નુકસાન દેખાઈ રહૃાું છે, પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. ખેતરો ડૂબી ગયા છે. પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ અમૃતસર એરપોર્ટ પર શિવરાજ ચૌહાણને પૂરની સ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જાનમાલ, પાક અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનની માહિતી આપવામાં આવી હતી.
આ૫ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રને આ સંકટમાં પંજાબની મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ચંદીગઢ સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પર રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરી હતી. ભગવંત માન હાલ બીમારીથી પીડિત છે. તેમને તાવ આવી રહૃાો હોવાથી તે કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી શક્યા નહીં.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામમાં ગેઝેટેડ અધિકારીની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેથી પૂરપીડિત લોકોની સમસ્યા સરળતાથી વહીવટીતંત્ર સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારે પૂરથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે ખાસ સર્વેક્ષણ કરવા આદેશ આપ્યો છે.
રૂપનગરના ઉપાયુક્ત વરજિત સિંહ વાલિયાએ નંગલ અને આનંદપુર સાહિબના અનેક ગામો ખાલી કરાવ્યા છે. સતુલજ નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાખડા બંધનું જળસ્તર સ્થિર છે. જેમાં ગઈકાલે ૮૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બંધનું જળસ્તર ૧૬૭૯ ફૂટ સુધી પહોંચ્યું છે. પાણીમાં ૭૫૦૦૦ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલ તેમાં વધારો કરી ૮૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં સતત વરસાદને કારણે યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નોઈડા સેક્ટર-૧૩૫ના ગામડાઓ ડૂબી ગયા છે. આ વિસ્તાર ૩ થી ૪ ફૂટ પાણીથી ભરાઈ ગયો છે.
હરિયાણાના પંચકુલા, હિસાર, રોહતક અને ઝજ્જરમાં બધી શાળાઓ બંધ છે. ફતેહાબાદ, કુરુક્ષેત્ર, યમુનાનગર અને ફરીદાબાદમાં પણ કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુરુગ્રામની સિગ્નેચર ગ્લોબલ સલોરા સોસાયટીમાં ગુરુવારે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મહિલાઓ અને બાળકો તેમના ઘરોમાં ફસાયા હતા.
રાજસ્થાનના અજમેરમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ બાદ બોરાજ તળાવની દિવાલ ધરાશાયી થઈ ગઈ. જેના કારણે ૧૦૦૦થી વધુ ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા. લોકોએ છત પર જઈને પોતાનો જીવ બચાવ્યો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ઘણા વાહનો તણાઈ ગયા. ઘરોને નુકસાન થયું. લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી.
ગઈકાલે કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત તમામ રસ્તાઓ ધોવાઈ ગયા હતા અથવા તૂટી ગયા હતા. જેના કારણે ખીણ દેશના બાકીના ભાગથી કપાઈ ગઈ છે.
જમ્મુના રામબન જિલ્લામાં ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ૨૮૩ ઘરોને નુકસાન થયું છે. ૯૫૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સંભવિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, અવિરત વરસાદને કારણે જિલ્લામાં ૮૪ રસ્તાઓ, ૯૮ પાણી પુરવઠા યોજનાઓ અને ૭૧ વીજ પુરવઠા લાઇનોને નુકસાન થયું છે. રામબનના ડેપ્યુટી કમિશનર અલ્યાસ ખાને જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે, ૨૯ ઓગસ્ટના રોજ રામબનના રાજગઢ તાલુકાના દ્રુબાલા ગામમાં અચાનક વાદળ ફાટ્યું હતું, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial