Advertisement
Author: નોબત સમાચાર

ઘર સામે જોવાના પ્રશ્ને પાડોશીઓ-મહેમાનો વચ્ચે થઈ મારામારીઃ ઉછીના પૈસા મુદ્દે અરલામાં બઘડાટી બોલી

નોકરી મૂકી દેવાનું કહી પરપ્રાંતીયને ધોકાવાળી કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ધુંવાવમાં શુક્રવારની રાત્રે એક યુવાનને ત્રણ શખ્સે મોડે સુધી કેમ જાગે છે તેમ કહી ધોકાવી નાખ્યો હતો. જ્યારે જોગવડમાં ઘર સામે જોવાના પ્રશ્ને ગુરૂવારે રાત્રે બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. નોકરી મૂકી દેવાનું કહી પરપ્રાંતીય શખ્સને પડાણામાં ઉત્તરપ્રદેશના શખ્સે ધોકો ફટકારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. કાલાવડના અરલામાં હાથઉછીના આપેલા પૈસાના મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ ગામમાં મસ્જિદ પાસે રહેતા મોહસીનભાઈ હાજીભાઈ ખફી નામના યુવાન શુક્રવારે રાત્રે એકાદ વાગ્યે ગામના પાદરમાં બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા શબ્બીર હનીફ દેદા તથા ઇમરાન ઈશાભાઈ ધંંુધા અને ઇરફાન ઈશાભાઈ ધંુધા નામના ત્રણ શખ્સે મોહસીનને અમારી સામે કેમ જુએ છે અને હજી સુધી કેમ જાગે છે તેમ કહી ગાળો ભાંડયા પછી પાઇપ-ધોકાથી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહસીનના ભાઈ વસીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા જોગવડ ગામમાં રાણીશીપ વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ દેવાભાઈ બગડા નામના યુવાન ગઈ તા.૨ની રાત્રે સાડા નવેક વાગ્યે પોતાના ઘર પાસે હતા. ત્યારે તેમની સામે રહેતા એક વ્યક્તિના ઘરે કેટલા વ્યક્તિઓ બેસવા આવ્યા હતા. તેઓ ત્યાંથી નીકળતી વખતે ધીરૂભાઈના ઘર સામે જોતા હતા તેથી ધીરૂભાઈએ ઘર સામે કેમ જુઓ છો તેમ પૂછતા ચાર અજાણ્યા શખ્સ તથા બે સ્ત્રીએ ગાળો ભાંડી ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો અને સામે રહેતા પતિ પત્નીએ લાકડી તથા સાવરણાથી હુમલો કરી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરિયાદની સામે મૂળ બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના વતની અને હાલમાં જોગવડ પાટિયા પાસે રહેતા પરવીનબેન મોહમ્મદ ફિરોઝ નામના મહિલાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓ પોતાના ભાઈ દાઉદ અને જાવેદના ઘેર બેસવા આવ્યા હતા ત્યારે ત્યાંથી પરત જતી વખતે એક શખ્સે અહીં શું કામ આવ્યા છો તેમ કહી જાવેદ તથા દાઉદ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ વેળાએ પરવીનબેનના પતિ અને બે પુત્રી છોડાવવા માટે વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો અને ધમકી અપાઈ હતી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના વતની પ્રભુદાસ યાદવ નામના યુવાન શનિવારે સવારે એક દુકાને કરિયાણાનો સામાન લેવા માટે જતા હતા ત્યારે રસ્તામાં મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના વતની મુકેશ કુશકુમાર યાદવે રોકી લઇ નોકરી મૂકી દેજે તેમ કહી લાકડાના ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. તે પહેલા પણ પ્રભુદાસના રહેણાંક પર જઈ આ શખ્સે ગાળો ભાંડી ધમકી આપી હતી. ધોકાના ફટકાથી પગમાં ફ્રેક્ચરની ઈજા પામેલા પ્રભુદાસ યાદવને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા ઈમ્તિયાઝ નુરમામદ આદમાણી નામના યુવાનના મિત્ર ઈલિયાસ શેખે કાલાવડ તાલુકાના મચ્છલીવડ ગામના ધર્મરાજસિંહ જાડેજા પાસેથી વ્યાજે પૈસા મેળવ્યા હતા. તે પૈસાની ઉઘરાણી માટે ધર્મરાજસિંહે ફોન કરી ઈમ્તિયાઝને ગાળો ભાંડી હતી અને શનિવારે ઝઘડો કરવા માટે બોલાવતા ઈમ્તિયાઝભાઈ તથા અન્ય વ્યક્તિઓ ગયા હતા ત્યારે ધર્મરાજસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સે મોટરસાયકલમાં હથિયાર સાથે ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોર પૈકીના ધર્મરાજસિંહે પોતાની પાસે રહેલાં ધારીયાથી અને અજાણ્યા શખ્સે કુહાડીથી વાસિફ આદમાણીને માર માર્યો હતો.

આ ફરિયાદની સામે ધર્મરાજસિંહ દિગુભા જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓએ ઈલિયાસ શેખને રૂ।.૧૫૦૦૦ ઉછીના આપ્યા હતા. પૈસા આપતી વખતે વચ્ચે રહેલા ઈમ્તિયાઝ નુરમામદને તેઓએ પૈસા અપાવી દેવાનું કહેતા ઈમ્તિયાઝએ ગાળો ભાંડી હતી અને ઇમરાન ધોકા સાથે આવ્યો હતો. આ શખ્સોએ ધર્મરાજસિંહને માર મારી હવે પૈસાની માંગણી કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh