Advertisement
Author: નોબત સમાચાર

જાગ્યા ત્યારથી સવાર

                                                                                                                                                                                                      

આપણો દેશ કૃષિપ્રધાન ગણાય છે, પરંતુ કૃષિ આધારિત ઉદ્યોગો સહિતના ઔદ્યોગિક એકમો ઝડપભેર વધી રહ્યા છે, અને શહેરો વિસ્તરી રહ્યા છે. મોટા મોટા શહેરોની નજીકના ગામડાઓનું શહેરીકરણ તથા વિલીનીકરણ થઈ રહ્યું છે, તો શહેરો પર વસતિ અને તેની સુવિધાઓ-ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું દબાણ વધી રહ્યું છે. આપણાં શહેરનો હિસ્સો બની ગયા છે. તો ઘણી ગ્રામ પંચાયતો શહેરને સંલગ્ન હોવાથી કેટલુંક વહીવટી તથા સુખ-સુવિધાઓને સંબંધિત સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.

ગુજરાતમાં જેમ જેમ ઉદ્યોગો વિકસતા ગયા, તેમ તેમ શહેરીકરણ પણ વધ્યું. વર્ષ-૧૯૮૦ના દાયકામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મેગા સિટી ગણાતા હતા અને મેટ્રોપોલિટન સિટી બન્યા હતા તે પછી ક્રમશઃ અન્ય શહેરોને પણ મ્યુનિસિપાલિટી અથવા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, જેને હવે મહાનગર સેવા સદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પછી વર્ષ ૨૦૨૫માં પહેલાના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર મળીને ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો હતા, તેમાં અન્ય ૯ મહાનગરપાલિકાઓનો ઉમેરો થતા ગુજરાતમાં કુલ ૧૭ મ્યુનિ. કોર્પોરેશનો અથવા મહાનગર સેવા સદનો થયા. આમ, નગરોમાંથી મહાનગરો બનવાનું કારણ મૂળભૂત વસ્તી વધારા કરતા પણ વધુ ગામડાના લોકોનું સ્થળાંતર છે. મોટી સંખ્યામાં ગામડાના લોકો વિવિધ કારણોસર શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે.

સરકારે મોટા શહેરોની આજુ-બાજુના વિસ્તારો માટે અર્બન ડેવલપમેન્ટ પ્લાન અમલી બનાવ્યા છે, જેને આપણે જાડા, ખાડા, વાડા, રાડા વગેરે ટૂંકા નામે ઓળખીએ છીએ. ગુજરાતમાં છેલ્લી વસતિ ગણતરી સમયે શહેરી વસતિ ૪૨ ટકાની આજુબાજુ હતી, જેમાં વર્ષ ૨૦૨૧ પછી અત્યાર સુધીમાં ૮ ટકાનો વધારો થયો છે અને શહેરી વસતિ ૫૦ ટકાને ઓળંગી ગઈ છે, તેથી કહી શકાય કે ગુજરાતના ગામડાઓનું ઝડપભેર શહેરીકરણ થઈ રહ્યું છે, અને જે ગામડા મોટા શહેરોથી દૂર છે, તે ભાંગી રહ્યા છે.

અત્યારે ગામડાઓ તથા શહેરોની વસતિ લગભગ સરખી થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૭માં ગુજરાતની વસતિ લગભગ ૭.૫ કરોડે પહોંચશે, જેમાં શહેરો તથા ગામડાઓમાં ૩૭ અને ૩૮ ટકાની વચ્ચે વસતિ રહેશે. આનો અર્થ એવો થાય કે ગાંધીજીના ગામડાઓનું ગરવુ ગુજરાત હવે શહેરી સ્ટેટ બનવા જઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારે કાઢેલા તારણો, વસતિ ગણતરી ક્ષેત્રના અનુભવીઓ, તદ્વિષયક તજજ્ઞો અને પ્રવર્તમાન કેટલાક ડેટાની દૃષ્ટિએ એટલુ જરૂર કહી શકાય કે ગુજરાત ઝડપભેર ગામડાઓના ગુજરાતની ઓળખ ગુમાવી રહ્યું છે, અને અર્બન સ્ટેટ તરીકેની નવી પહેચાન પણ બનાવી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વ બેંકના એ તારણોને સમર્થન મળી રહ્યું છે, જેમાં કહેવાયુ હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાની ૭૦ ટકા જેટલી વસતિ શહેરી વિસ્તારોમાં રહેતી હોવાનો અંદાજ ઉકત વિવિધ પરિબળોના ઊંડા અભ્યાસ પછી કાઢવામાં આવ્યો છે. કદાચ આ કારણે જ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને અગ્રીમ વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય માટે પણ શહેરીકરણને સકારાત્મક બદલાવ ગણાવાઈ રહ્યો છે.

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના મૂળ બૃહદ મુંબઈ રાજ્ય હતું, ત્યારથી જ ફેલાવા લાગ્યા હતા, પરંતુ કૃષિપ્રધાન રાજ્ય હોવાથી નેશનલ પોલિસીઝ તથા પોલિટિકલ ઈન્ટ્રેસ ગ્રામ્યલક્ષી હતો. ગુજરાત રાજ્યની રચના પછી પણ બે દાયકા વીતી ગયા પછી ધીમે ધીમે વર્ષ ૧૯૯૦ના દાયકાથી ઉદ્યોગો વિકસવા લાગ્યા અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગોને પ્રોત્સાહનો આપતી નવી નીતિ પણ બની હતી. તે પછી જેમ જેમ ઔદ્યોગિકરણ વધતુ ગયું તેમ તેમ શહેરીકરણ પણ વધતુ ગયું. હાલારમાં પહેલા મીઠાપુરમાં જાયન્ટ ટાટા કંપની, સિક્કાની દિગ્વિજયગ્રામ સિમેન્ટ ફેકટરી અને દ્વારકાની એ.સી.સી. સિમેન્ટ ફેકટરીઓ જ હતી, પરંતુ તે પછી ક્રમશઃ રિલાયન્સ, એસ્સાર આવ્યા, નયારા બન્યુ, બીજી નાની-મોટી વિવિધ ક્ષેત્રની ઘણી ફેકટરીઓ ધમધમવા લાગી, ફર્ટિલાઈઝર તથા માઈન્સ આધારિત ઉદ્યોગો વિકસ્યા, દિગ્જામ જેવી મીલ ધમધમતી રહી. જામનગરનો બાંધણી ઉદ્યોગ તથા બ્રાસ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો, અને તેના કારણે શહેરોનો વિસ્તાર તથા વસતિ વધવા લાગ્યા. સમયાંતરે દિગ્જામ, એ.સી.સી. જેવા ઉદ્યોગો બંધ થયા, પરંતુ તેની સામે અન્ય મધ્યમ તથા ભારે ઉદ્યોગોનું આગમન થયું, અને આ જ રીતે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિકરણ તથા શિક્ષણનો વ્યાપ વધતા શહેરીકરણ પણ વધ્યું. આ શહેરીકરણના ફાયદા અને ગેરફાયદા ભલે ગમે તે હોય, પરંતુ વર્તમાન યુગની વાસ્તવિકતા એ જ છે કે હવે શહેરોને વધુ સુદૃઢ, સુવિધાજનક અને ગ્રામ્ય તથા શહેરી સંસ્કૃતિઓનું સંયોજન કરીને વ્યક્તિ વિકાસ, ગ્રામ વિકાસ અને વિસ્તાર વિકાસની દિશામાં વાસ્તવિક તથા નક્કર કદમ ઉઠાવવાનો સમય આવી ગયો છે. કદાચ એટલે જ વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રાજ્ય સરકારે શહેરી બજેટમાં પણ વધાર્યું અને ૨૦૨૬-૨૭ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હશે !

આગામી એક દાયકામાં ગુજરાતની ૫૫ ટકા જનસંખ્યા શહેરોમાં વસવાટ કરતી હશે, તેવો અંદાજ છે, જ્યારે સમગ્ર ભારત દેશમાં આગામી એક દાયકા પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ વસતિ રહેતી હશે. આમ રાષ્ટ્રીય સરેરાશ સાથે સરખાવીએ, તો ગુજરાતનું ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે, જેના લાભાલાભો અંગે અત્યારે તો માત્ર અટકળો જ કરવી રહી !

આવું થવા પાછળના કારણોમાં અગાઉ વાત થઈ, તે મુજબ, ઔદ્યોગિકરણ અને શિક્ષણનો વ્યાપ વધવા જેવા કારણો તો છે જ, તે ઉપરાંત પણ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી, ગુંડાગીરી, શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની કમી, માલેતુજારને મદદરૂપ થાય તેવી નીતિઓ તથા મુખ્ય રાજકીય પક્ષોનું પડદા પાછળનું "ઈલૂ-ઈલૂ" પણ જવાબવાર ગણી શકાય. ટૂંકમાં શહેરીકરણ તથા આધુનિકરણના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.

ગામડાઓને તદ્દન ભાંગવા પણ ન દઈ શકાય અને શહેરોને વિકસતા પણ અટકાવી નહીં શકાય કે વિસ્તરતા પણ અટકાવી શકાય તેમ નથી. તેથી હવે સરકાર અને સમાજે શહેરો ભલે વિકસતા રહે, પરંતુ ગામડાઓને તદૃન ભાંગવા નહીં દેવા માટે સહિયારા અને પડકારરૂપ પ્રયાસો કરવા જ પડશે, અન્યથા આપણે આપણી પ્રાચીન અને બુનિયાદી ગરિમા તથા સંસ્કૃતિ જ ગુમાવી દઈશું...જાગ્યા ત્યારથી સવાર...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh