Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અનેક માર્ગો, શેરી-ચોકમાં આડેધડ સ્પીડબ્રેકરોથી પ્રજા ત્રાહિમામ્

ચોક્કસ માપદંડના નિયમોનો ઉલાળિયોઃ પટ્ટા વગરના સ્પીડબ્રેકરો જોખમી બની રહ્યા છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચારે તરફ થઈ રહેલા ખોદકામો પછી આ ખાડાઓ વ્યવસ્થિતરીતે પૂરવા અને માર્ગને વ્યવસ્થિત કરવા જેવી કામગીરી થતી નથી. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં શેરી-ગલીઓ/ચોક, મુખ્ય માર્ગો પર અણઘડ રીતે પૂરાયેલા ખાડાથી રાહદારીઓ, વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ તો થઈ ખાડાઓની સમસ્યાની વાત... પણ તેના કરતા પણ વધુ જોખમી બની રહ્યા છે. 'સ્પીડબ્રેકરો'...! જામનગરમાં ક્યા માર્ગો પર, ક્યા ક્રોસીંગ પાસે સ્પીડબ્રેકર હોવા જોઈએ તેવો અભ્યાસ કે જરૂરિયાતનો વિચાર કર્યા વગર સેંકડોની સંખ્યામાં સ્પીડબ્રકેરો બની ગયા છે.

આ સ્પીડબ્રેકરો બનાવતી વખતે તેની ઊંચાઈ, તેના બન્ને તરફના સ્લોપના ચોક્કસ માપદંડ છે અને તે પ્રમાણે જ એક જ સાઈઝના સ્પીડબ્રેકરો બન્યા પછી તેના પર નિયમોનુસાર પીળા-કાળા-ધોળા પટ્ટા દોરવા ફરજિયાત છે, પણ જામનગરમાં સ્પીડબ્રેકરોના કોઈ નિયમોનું પાલન થતું હોય તેમ જણાતું નથી, કારણ કે શહેરમાં મોટાભાગના સ્પીડબ્રેકરો પટ્ટા વગરના છે, જેથી વાહનચાલકોને ઓચિંતા ઠેકડા મારતા હોય તેવી સ્થિતિમાં મૂકાઈ જવું પડે છે.

અકસ્માતો ન થાય અને વાહનચાલકો ગતિમર્યાદા સાથે વાહન ચલાવે, તેવો હેતુ સ્પીડબ્રેકરનો હોય છે, પણ આપણાં નગરમાં તો ઉલટી ગંગા જેમ સ્પીડબ્રેકરો જ નાના-મોટા અકસ્માતનું કારણ બની રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ વિભાગના સંકલનથી લેવાયેલા નિર્ણય મુજબ જ ચોક્કસ જગ્યાએ નિયમોનુસાર સ્પીડબ્રેકર બનાવવા જોઈએ, પણ જામનગરમાં તો કોઈને કોઈની ભલામણ, દબાણના કારણે જરૂરિયાત ન હોય તેવા માર્ગો પર પણ સ્પીડબ્રેકરો બની ગયા છે. નવાઈની વાત તો એ છે કે શહેરના આંતરિક ગીચ વિસ્તારોની શેરી-ગલીઓમાં ૧૦૦-ર૦૦ મીટરના અંતરે થોકબંધ સ્પીડબ્રેકરો છે, તો કેટલાક મુખ્ય માર્ગો પર પણ આવી જ હાલત છે. થોડા થોડા અંતરે આડેધડ સ્પીડબ્રેકરોના કારણે ટ્રાફિકજામ, વાહનોને નુક્સાન, અકસ્માતની સમસ્યા વકરી રહી છે.

મહાનગરપાલિકાએ જ્યાં ખરેખર જરૂર છે તેવા માર્ગો પર વ્યવસ્થિત પટ્ટા સાથેના નિયમો પ્રમાણેના માપદંડ સાથેના સ્પીડબ્રેકરો તૈયાર કરી બાકીના 'ગેરકાયદે' જેવા તમામ સ્પીડબ્રેકરોને દૂર કરવાની જરૂર છે.

નગરજનો ખાડાવાળ રસ્તાથી તો ત્રાહિમામ્ પોકારી જ ગયા છે, તેમાં ઊંચા-નીચા, આડેધડ, ખવાયેલા-અરબચડા, પટ્ટા વગરના સ્પીડબ્રેકરોની સમસ્યાનો ઉમેરો થયો છે.

એસઆઈઆરના કારણે સદ્નસીબે વર્તમાન શાસકોને સત્તા પર રહેવાનો થોડો વધુ સમય મળ્યો છે, તો આ સમયગાળામાં આચારસંહિતા લાગુ થાય તે પહેલા નગરજનોને રાહત થાય તેવી કાર્યવાહી યુદ્ધના ધોરણે કરવાની જરૂર છે. જામનગરમાં આડેધડ અને અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા જોખમી સ્પીડબ્રેકરોની સમસ્યા અંગે વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાએ મ્યુનિ. કમિશનરનું ધ્યાન દોર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh