Advertisement
Author: નોબત સમાચાર

ઓસ્ટ્રેલિયામાં આજથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધઃ ઐતિહાસિક કાયદો લાગુ

બાળકોને વ્યસની એલ્ગો રિધમ્સ, ડિજિટલ ગુંડાગીરી તથા ઓનલાઈન શિકારીઓથી બચાવવા પ્રેરક અને સાહસિક પહેલ

                                                                                                                                                                                                      

સીડની તા. ૧૦ઃ આજથી ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર વિશ્વનો સૌ પ્રથમ પ્રતિબંધ લાગુ કરાયો છે, અને લાખો બાળકોના ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, ફેસબુક એકાઉનટ સસ્પેન્ડ કરી દેવાયા છે. બાળકોને વ્યસની એલ્ગોરિધમ્સ, ઓનલાઈન હિંસા અને શિકારીઓથી બચાવવા ઐતિહાસિક કાયદો લાગુ કરાયો છે. યુ-ટ્યુબ, સ્નેપચેટ અને મેટાએ અમલવારી શરૂ કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વિશ્વના પ્રથમ પ્રતિબંધની અમલવારી બુધવારે એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. લાખો ઓસ્ટ્રેલિયન બાળકો સવારે ઊઠ્યા ત્યારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની એક્સેસ ગુમાવી ચૂક્યા હતાં.

આ કાયદો બાળકોને વ્યસની એલ્ગોરિધમ્સ, ઓનલાઈન શિકારીઓ અને ડિજિટલ ગુંડાગીરીથી બચાવવા માટે લાવવામાં આવ્યો છે. આટલા વ્યાપક પગલાં લેનારૂ ઓસ્ટ્રેલિયા વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર છે, અને વૈશ્વિક ધારાસભ્યો દ્વારા આ કાયદાના અમલ પર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

પ્રતિબંધિત ૧૦ પ્લેટફોર્મ્સમાંના મોટાભાગના ઈનસ્ટાગ્રામ, ફેસબુક, ટ્રેડ્સ, સ્નેપચેટ, યુ-ટ્યુબ, ટીકટોક, કીક, રેડ્ડીટ, ટ્વીચ અને એક્સ-એ જણાવ્યું છે કે તેઓ વય ચકાસણી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૧૬ વર્ષથી નીચેના યુઝર્સની ઓળખ કરશે અને તેમના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરશે, જો કે તેઓ બાળકો વધુ સુરક્ષિત બનશે તેવું માનતા નથી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝે આ દિવસને ઓસ્ટ્રેલિયા માટે 'ગૌરવનો દિવસ' ગણાવતા કહ્યું કે, 'આ દિવસ છે જ્યારે ઓસ્ટ્રેલિયન પરિવારો આ મોટી ટેક કંપનીઓ પાસેથી સત્તા લઈ રહ્યા છે. તેઓ બાળકોના બાળક રહેવાના અધિકાર અને માતા-પિતાને વધુ માનસિક શાંતિ મળે તે માટે આ કાયદો લાવી રહ્યા છીએ.' જો કે, તેમણે સ્વીકાર્યું કે 'આ સરળ નહીં હોય'.

આ કાયદા હેઠળ પ્લેટફોર્મ્સે ૧૬ વર્ષથી નીચેના યુઝર્સના એકાઉન્ટને નિષ્ક્રિય કરવા અને નવા એકાઉન્ટ ખોલતા અટકાવવા માટે 'વાજબી પગલાં' લીધા છે તે દર્શાવવું પડશે, અન્યથા ૪૯.પ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ થઈશકે છે.

અહેવાલો મુજબ યુઝર્સના એકાઉન્ટસ ત્રણ વર્ષ માટે અથવા તેઓ ૧૬ વર્ષના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. યુ-ટ્યુબઃ ૧૦ ડિસેમ્બરથી એકાઉન્ટ ધારકો આપોઆપ જોઈ શકશે. ટીકટોકમાં ૧૦ ડિસેમ્બરના ૧૬ વર્ષથી નીચેના યુઝર્સના તમામ એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે અને અગાઉ પોસ્ટ કરેલી સામગ્રી જોઈ શકાશે નહીં.

ઈનસ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ સહિત મેટાએ ૪ ડિસેમ્બરથી જ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટ હટાવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે રેડ્ડીટ ૧૬ વર્ષથી નીચેના યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરશે અને નવા એકાઉન્ટ ખોલતા અટકાવશે, તો ટ્વીચ ૧૦ ડિસેમ્બરથી નવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકશે, પરંતુ હાલના એકાઉન્ટ્સ ૯ જાન્યુઆરી સુધી નિષ્ક્રિય કરવામાં આવશે નહીં.

પ્રતિબંધિત સાઈટ્સ ઉપરાંત ડિસ્કોર્ડ, વોટ્સએપ અને યુ-ટ્યુબ કીડ્સ જેવા પ્લેટફોર્મ્સ હાલમાં પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જો કે રોબ્લોક્સને મુક્તિ આપવાનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો છે. ઈ-સેફેટી કમિશનર જ્યુલી ઈનમેન ગ્રાન્ટે કહ્યું કે રોબ્લોક્સ આ મહિને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડમાં નવી સુરક્ષા નિયંત્રણો લાગુ કરવા માટે સંમત થયું છે.

યુવા કાઉન્સેલરો ચિંતિત છે કે બાળકો હવે ઓછા સુરક્ષિત અનિયંત્રિત ડિજિટલ સ્પેસમાં જઈ શકે છે. સત્તાવાળાઓ હવે આ પ્રતિબંધના પરિણામોનું માપન કરવાની યોજના ધરાવે છે. જેમ કે બાળકોની ઊંઘ, વાચન, રમતગમત પ્રત્યેની રૂચિ અને એન્ટીડિપ્રેસન્ટ્સના ઉપયોગમાં ઘટાડો થાય છે કે નહીં. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સોશિયલ મીડિયા લેબ આ ડેટા એકત્રિત કરવામાં મદદ કરશે, જેથી અન્ય દેશો પણ તેના આધારે નિર્ણય લઈ શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh