Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"વિકાસ"ના વાયદા હોય કે નેતાઓની "નિમણૂક" હોય, પ્રોજેક્ટોની "ટાઈમલાઈન" હોય કે યોજનાઓનું "પ્લાનીંગ" હોય, શાસન-પ્રશાસન, નેતાગીરી દ્વારા ભાગ્યે જ ટાઈમલાઈન જળવાતી હોય છે, અને ટ્રમ્પની જેમ બોલીને ફરી જતા કે જાહેરાતો કરીને મૌન થઈ જતા પલાયનવાદી નેતાઓ-અધિકારીઓની આપણાં નગર અને નેશનમાં પણ કોઈ કમી નથી, જેના અનેક દૃષ્ટાંતો પૂર્વ નવાનગર સ્ટેટની રાજધાની (જામનગર) થી દેશની રાજધાની દિલ્હી સુધી મળી રહે છે. નગરનો ઓવરબ્રિજ જૂન સુધીમાં બની જશે, તેવો દાવો પોકળ નીકળ્યો, તેવી જ રીતે દેશમાંથી જૂન મહિના સુધીમાં નકલસલવાદ ખતમ થઈ જશે, તેવો રાષ્ટ્રીયકક્ષાનો દાવો પણ હજુ સુધી પૂર્ણપણે યથાર્થ ઠર્યો નથી, અને નકસલી અથડામણો થતી રહે છે. આ પ્રકારના "વાદાઓ" અને દાવાઓના સંદર્ભે એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે જૂન મહિનાની ટાઈમલાઈન જાહેર કરી હતી તે ખરૃં, પરંતુ મહિનાની સાથે સાલ (વર્ષ) ની વાત ક્યાં કરી હતી ? તેથી કદાચ આ દાવાઓ જૂન-૨૦૨૬ના પણ હોઈ શકે !
જો કે, કટાક્ષમાં આ ટકોર કરવા માટે આ પ્રકારની વાતો થતી હશે, પરંતુ હકીકતે તો ચાલુ વર્ષ જ જૂન મહિનાની ટાઈમલાઈન અપાઈ હોય, અને તે મુજબ ન થયુ હોય, તેવા અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ નગરથી નેશન સુધી મળી શકે છે.
એવું નથી કે જાહેર કરેલી સમયમર્યાદાનું સરકારી કામોમાં જ પાલન થયું ન હોય, પરંતુ રાજકીય પક્ષોની આંતરિક સિસ્ટમમાં પણ કાંઈક એવું જ હોય છે. કોંગ્રેસે તો વિધાનસભાની પેટાચૂંટણી પછી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિતભાઈ ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરી દીધી, પરંતુ ભારતીય જનતાપક્ષ તો રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી, તેથી આ બંને નેતાઓ કેન્દ્રીયમંત્રી અને પક્ષના હોદ્દેદાર તરીકે બબ્બે ભૂમિકા નિભાવી રહ્યા છે !
કોંગ્રેસે તો પ્રદેશપ્રમુખ બદલતા પહેલા જિલ્લા-શહેરકક્ષાના પ્રમુખો-હોદ્દેદારોને બદલવાનો કે ફેરફાર કરવાનો ગંજીપો ચીપ્યો અને હવે પ્રદેશ કોંગ્રેસની કક્ષાએ થયેલા આ બદલાવ પછી વિધાનસભાની વર્ષ-૨૦૨૭ની ચૂંટણી અને તે પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી જ દીધી છે, અને વિસાવદરના વિજય પછી રાજ્યમાં આમઆદમી પાર્ટી પણ જોરમાં છે, ત્યારે આ બેવડા પડકારો ઉપરાંત ભાજપના ઘણાં જિલ્લા સંગઠનો તથા રાજ્યકક્ષાના આંતરિક અસંતોષ જૂથવાદ અને ખેંચતાણના પડકારોને ઝીલી શકે, તેવા માતબર પ્રાદેશિક નેતાની પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવી પડે તેમ છે.
તાજેતરની પ્લેન દુર્ઘટના, ગંભીરા પુલ દુર્ઘટના તથા પે પહેલા ગોડાઉન અગ્નિકાંડોથી લઈને ટી.આર.પી. ઝોન અગ્નિકાંડો, મનરેગા ફેઈમ ભ્રષ્ટાચારની ફરિયાદો અને ગામડાઓ, નગરો અને મોટા શહેરોની મૂળભૂત સુવિધાઓને સંબંધિત સમસ્યાઓના કારણે ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો હોવાથી પ્રદેશ પ્રમુખની સાથે સાથે પ્રદેશ ભાજપના માળખામાં પણ ધરમૂળથી ફેરફાર તથા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પણ બદલાવ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજ્યમાં રખડતા ઢોર બેફામ બન્યા છે અને વયોવૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવીને કચડીને જીવ લઈ રહ્યા છે, અને આવારા કૂતરા નાના બાળકોને ઢસડીને અને બચકાં ભરીને જીવલેણ બની રહ્યા છે. રાજ્યમાં માત્ર ધોરીમાર્ગ જ નહીં, ગામો-શહેરોના આંતરિક માર્ગો તથા શેરી-ગલીઓ મગરની પીઠ જેવા બની ગયા હોવાની ચોતરફથી રાવ ઉઠી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવું કાંઈ રહ્યું જ નથી અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પણ સંતોષી શકાઈ રહી નથી, ત્યારે મોટા મોટા વિકાસ પ્રોજેકટો તથા વિવિધ કોરિડરો-રિવરફ્રન્ટોની ઝળહળતી ઝાકઝમાળની લોકો પર વિપરીત અસર પણ પડતી હોઈ શકે છે., તેથી ભ્રમમાં રહેવા જેવું નથી. વિરાટ વિકાસની સાથે લોકોની પાયાની જરૂરિયાતો પણ સંતોષવી જ પડે...
કોંગ્રેસમાં તાજેતરના થયેલા ફેરફારોને પણ ઘણાં લોકો નવી બોટલમાં જૂના સરબતની ઉપમા આપી રહ્યા છે, તો કેટલાક લોકો દિવ્યાંગ ઘોડા, લગ્નના ઘોડા, રેસના ઘોડા વગેરે વર્ગીકરણ કરીને કટાક્ષ કરી રહ્યા છે. ઘણાં લોકો કહે છે કે કોંગ્રેસમાં પરિવારવાદ જ પરિણામલક્ષી બની શકતો હોવાથી જે ફેરફારો થયા છે, તે યોગ્ય છે., તુષાર ચૌધરીનું ભાજપ સાથે સેટીંગ હોવાની પણ ચર્ચા છે, ટૂંકમાં ગુજરાતમાં કોંગ્રેસે મૂળિયા ઉંડા ઉતારવા હવે એડીચોટીનું જોર લગાવવું પડે તેમ છે, અને આંતરિક એકજૂથતા, રૂઢ બનાવવી જ પડે તેમ છે.
આમઆદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે રાજ્યની જનતા સ્વીકારશે કે કેમ ? તેવા સવાલો પહેલા એ પણ વિચારવુ પડે તેમ છે કે આમઆદમી પાર્ટીનું રાજયવ્યાપી સંગઠન મજબૂતીથી વિસ્તારવું પડે તેમ છે, અને માત્ર મિસકોલ અભિયાન નહીં ચાલે, ગામેગામ અને શહેરોની શેરી-ગલીઓ સુધી પાર્ટીના વિસ્તરણ માટે અથાગ મહેનત કરવી પડે તેમ છે, પરંતુ તે માટે પહેલા રાજ્યકક્ષાએ મજબૂત માળખુ જરૂરી છે, આથી આમઆદમી પાર્ટી માટે પણ ગુજરાતમાં એકદમ ત્રીજો વિકલ્પ બનવાનું સપનુ સાકાર કરવું એ એક મોટો પડકાર જ છે ને ?
એક નવી કહેવત છે કે "ટાણે થાય, તે નાણે ન થાય, અને પરાણે તો કાંઈ પણ ન થાય"-તે મુજબ ત્રણેય પાર્ટીઓએ ગુજરાતના લોકોના દિલમાં ટકી રહેવા કે સ્થાન મેળવવા હવે મથવું જ પડશે, કારણ કે હવે જનતા જાગી ગઈ છે...સમજી ગઈ છે...હવે છેતરાય તેમ નથી !
જો વિકાસના કામો સમયસર નહીં થાય, ગુણવત્તાવાળા નહીં થાય, સમસ્યાઓ હલ નહીં થાય, લોકોની મૂળભૂત જરૂરિયાતો નહીં સંતોષાય અને પાયાની સુખ-સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય તો તમામ પક્ષો-નેતાઓ અને તંત્રોએ સમજી લેવાની જરૂર છે. સમજદાર કો ઈશારા બહોત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial