Advertisement
Author: નોબત સમાચાર

લ્યો, પાછી એસઆઈઆરની મુદૃત વધી... ગુજરાતમાં ૧૪ ટકા વોટચોરીનો કોંગ્રેસનો સણસણતો આક્ષેપ... હવે શું ?

                                                                                                                                                                                                      

સંસદમાં એસઆઈઆરને લઈને બંને ગૃહોમાં લાંબી ચર્ચાઓ ચાલી અને કોંગ્રેસે સત્તાધારી પક્ષો અને ખાસ કરીને ભાજપ પર વોટચોરીના આક્ષેપો લગાવ્યા, ચૂંટણીપંચ પર આક્ષેપો કર્યા અને વોટ ચોર, ગાદી છોડની નારેબાજી સડકથી સંસદ સંકુલ સુધી ગુંજી. બીજી તરફ બિહાર પછી ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીનો પ્રથમ તબક્કાનો સમયગાળો ચૂંટણીપંચે વધારવો જ પડ્યો, અને થોડા દિવસો પહેલા અહીંથી જે સશંક અનુમાન કરાયું હતું, તે યથાર્થ ઠર્યું.

"નોબત"ના તા. ૧-૧૨-૨૫ના અખબારમાં તંત્રીલેખના માધ્યમથી અનુમાન કરાયું હતું કે બીએલઓ દ્વારા ઘેર ઘેર ફોર્મ્સ પહોંચાડીને યોગ્ય વિગતો લખાવીને પરત એકત્ર કરવા માટે એક મહિનાનો સમયગાળો પૂરો નહીં પડે, અને આ મુદ્દત ચૂંટણીપંચે વધારવી જ પડશે, અને ચૂંટણીપંચે આ મુદ્દત પુનઃ એક અઠવાડિયા સુધી લંબાવવી પડી છે, આ મુદ્દત વધાર્યા પછી પણ ફૂલપ્રૂફ મતદારયાદી તો તૈયાર નહીં જ થાય, અને એક વખત પ્રાથમિક (ડ્રાફટ) મતદારયાદી પ્રસિદ્ધ થશે, તે પછી તેને સુધારવા અને વાંધા-સૂચનો પૂરાવા મેળવ્યા પછી પણ ફાયનલ મતદારયાદી તૈયાર કરવા સુધીની પ્રક્રિયા માટે હજુ પણ સમયગાળો પૂરો નહીં પડે, તેવી આશંકા રહે છે.

ગઈકાલે સમાચાર આવ્યા હતા કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડૂ, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં ચૂંટણીપંચે એસઆઈઆરની પ્રક્રિયાની મુદ્દત લંબાવી દીધી છે. આ કારણે ગુજરાતમાં એસઆઈઆરના ફોર્મ્સ ભરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર થઈ ગઈ છે, અને ડ્રાફટ મતદારયાદી એટલે કે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ ૧૬ ડિસેમ્બરથી લંબાવીને ૧૯મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ જાહેરાત થયા પછી પણ વાંધા-સૂચનો તથા ચૂંટણીપંચની નોટિસ મળ્યેથી જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવાની તક મળશે અને તે પછી નિયત કરેલા તથા વખતોવખત સુધરતા રહેતા ટાઈમટેબલ મુજબ આખરી મતદારયાદીઓ પ્રસિદ્ધ થવાની છે.

સંસદમાં એસઆઈઆરનો મુદ્દો દરરોજ ઉછળી રહ્યો છે, તો કેટલાક રાજયોમાં પણ એસઆઈઆરના મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે જ એસઆઈઆરનું ફોર્મ નહીં ભર્યું હોવાના ગઈકાલે આવેલા અહેવાલોના અનુસંધાને રાજનીતિ ગરમ થઈ ગઈ છે અને તેણીએ વેલણ લઈને તૈયાર રહેવા જેવી કોઈ વાત કરી હોવાના અહેવાલોએ પણ વિવાદ જગાવ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે, અને કોંગ્રેસે રાજયમાં કેટલી વોટ ચોરી થઈ છે, તેના આંકડાઓને ટાંકીને ચૂંટણીપંચ તથા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા પછી હલચલ મચી ગઈ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગઈકાલની પ્રેસ-કોન્ફરન્સના પડઘા પણ દેશની રાજધાની સુધી પડ્યા હશે. આ પત્રકાર પરિષદમાં ચાવડાએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ૧૪ ટકા જેટલી વોટ ચોરી થઈ છે.

રાજ્યમાં ૫.૦૮ કરોડથી વધુ મતદારો મતદારયાદીમાં હતા, તેમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી અન્યત્ર ચાલ્યા ગયેલા, ડુપ્લીકેટ અને મળી નહીં આવતા કુલ ૭૪ લાખથી વધુ મતદારોના નામ હટાવાયા હોય, તો એમ કહી શકાય કે ગુજરાતની મતદારયાદીઓના દૃષ્ટિકોણથી ૧૪.૬૧ ટકા મતોની અત્યાર સુધી ચોરી થતી હશે. જે નામો હટાવાયા છે, તેના નામે તાજેતરની ચૂંટણીઓમાં મતદાન કરાયું હતું કે કેમ ? અને કરાયું હોય તો કોણે કર્યું હતું, તેની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ નિયમાનુસાર જો કોર્ટ કેસ થયો ન હોય કે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ ન થઈ હોય તો નિયત સમય મર્યાદા પછી ચૂંટણી પ્રક્રિયાના વીડિયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ, વગેરેનો નાશ કરી દેવાતો હોવાથી આ પ્રકારની તપાસ સંભવ બનતી નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો ભાજપ એવું કહે છે કે માત્ર પ્રેસ-મીડિયા સમક્ષ નિવેદનો અને પ્રેઝન્ટેશનો રજૂ કરવાના બદલે પહેલા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની હિંમત કેમ થતી નથી ? જો આક્ષેપો સાચા જ હોય તો બંધારણીય અને ન્યાયિક વ્યવસ્થાઓનો માર્ગ અપનાવવાના બદલે ગૃહમાં હોબાળા કરવા તથા પ્રેસ-મીડિયામાં ગોકીરૃં કરવાની તરકીબોને જનતા ઓળખી ગઈ છે વગેરે...

આ આંકડાઓને જ મુદ્દો બનાવીને અમિત ચાવડાએ એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૦૨ થી અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ છે, તેમાં ભાજપે ૧૪ ટકા થી વધુ "વોટ ચોરી" કરી છે. તેમણે એસઆઈઆરની અણઘડ કાર્યવાહી તથા અંધાધૂંધ દબાણયુક્ત આદેશો દ્વારા માનસિક તાણ અને પ્રેશરના કારણે ૯ જેટલા બીએલઓએ જીવ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૂંટણીપંચ પોતાની ભૂલો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજી તરફ ચૂંટણીપંચે દાવો કર્યો હતો કે ૧૧મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના ૨૭ જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલની મતદારયાદીમાંથી અવસાન પામેલા ૧૮ લાખથી વધુ મતદારો, ૩.૩૭ લાખથી વધુ રિપીટેડ મતદારો અને કાયમી ધોરણે સ્થળાંતર થયેલા ૪૦.૪૪ લાખ સહિત ૭૪લાખ મતદારો અંગે ચૂંટણીપંચ નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરશે, તેમ જાહેર થયું છે.

આ આંકડાઓ જોતાં પ્રશ્ન એ ઉઠે છે કે કાયમી સ્થળાંતર થયેલા મતદારોના નામો તેઓના નવા સરનામે ઉમેરાયા છે ખરા ? જે નામો રિપીટેડ એટલે કે બ જગ્યાએ નોંધાયેલા હોય, તે ચૂંટણીપંચની જ સિસ્ટમની ગંભીર ક્ષતિ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોકરી-ધંધાના કારણે ગામ-શહેર કે જિલ્લો બદલીને અન્યત્ર રહેવા ગયેલા મતદારોને જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે નવા સ્થળે ઉમેરવાનું ફોર્મ ભરતી વેળાએ જ તેના જૂના સરનામાની વિગતો મતદારે દર્શાવી હોવા છતાં, જૂની જગ્યાએથી જેઓના (સિસ્ટમની કાયમી ખામીના કારણે) નામ કમી થયા નહોતા, તેવા રિપીટેડ ઉમેદવારોના નામ હટાવાયા હોય તો તેમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ પણ સર્જાયો છે, હવે એસઆઈઆર પ્રક્રિયા સંપન્ન થયા પછી પણ સ્થળાંતર થયેલા ૪૦ લાખથી વધુ મતદારો નવા સ્થળે મતદાર તરીકે ઉમેરાયા છે કે નહીં, તેની તપાસ કોણ કરશે ? તેવો સવાલ અસ્થાને નથી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh